કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે, આ દરમિયાન સાંસદ શત્રુઘ્ન સિંહાના નિવેદને તેમને રાહત આપી છે. ટીએમસીના 20 સાંસદોએ બળવો કર્યા હોવાના અહેવાલ વચ્ચે શત્રુઘ્ન સિંહાએ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં મમતા બેનર્જીનો સાથ નહિ છોડે.
મમતા બેનર્જી અને ટીએમસી સાથે ઉભા રહેવાની મારી ફરજ
આ અંગે આસનસોલના ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહાએ મીડિયાને જણાવ્યું હતું કે, ટીએમસીના વડા મમતા બેનર્જી મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા. હું મમતા બેનર્જીને તેમના મુશ્કેલ સમયમાં નહિ છોડું. મમતા બેનર્જી અને ટીએમસી સાથે ઉભા રહેવાની મારી ફરજ છે.
ટીએમસીના ત્રીજા સાંસદે રાજીનામું આપ્યું
આ ઉપરાંત ગુરુવારે ટીએમસી રાજ્યસભાના સભ્ય પ્રકાશ ચિક બારૈકે રાજયસભા અને પાર્ટી બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકોએ ભાજપને આપેલા જનાદેશને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ પછી બારૈક આ અઠવાડિયે પાર્ટી છોડનારા ત્રીજા ટીએમસી સાંસદ છે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું હતું.
પશ્ચિમ બંગાળના લોકોએ આપેલા જનાદેશનો આદર કર્યો
પ્રકાશ ચિક બારૈકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના લોકોએ ભાજપના સમર્થનમાં જનાદેશ આપ્યો છે. તૃણમૂલ કોંગ્રેસને જાહેર સમર્થન મળ્યું નથી. પશ્ચિમ બંગાળના લોકોએ આપેલા જનાદેશનો આદર કરીને, હું પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું.
19 સાંસદોની એક યાદી પ્રકાશમાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમા ટીએમસીમાં આંતરિક બળવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ટીએમસી છોડનારા 19 સાંસદોની એક યાદી પ્રકાશમાં આવી હતી. જેમાં શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણ જેવા અગ્રણી નામો પણ હતા. આ સાંસદોએ અલગ સંસદીય જૂથ બનાવવા માટે ના સમર્થનમાં સહી કરી છે. જેના પગલે પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. જોકે, આ સંદર્ભે પક્ષ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.