રાજકોટ: જિલ્લાના સરધાર નજીક આવેલા ગઢકા ગામમાં 'પ્રભુના પગલાં' તરીકે ઓળખાતી જગ્યામાં ગાદી માટે મોટો વિવાદ સર્જાયો છે. ગઢકા ગામના ઠાકર મંદિરમાં ગાદી અથવા મહંત બનવા માટે બે સાધુઓ અને તેમના અનુયાયીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ ઘટનામાં જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા બદલ આજીડેમ પોલીસે બે સાધુઓ સહિત આશરે 40 થી 50 જેટલા લોકોના ટોળા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક જગ્યામાં ગાદી માટે થયેલા આ બખેડાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવાર, તારીખ 22 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 9:31 કલાકે પોલીસ કંટ્રોલ રૂમને વર્ધી મળી હતી કે ગઢકા ગામમાં પ્રભુના પગલાંની જગ્યા (ઠાકર મંદિર) ખાતે કેટલાક માણસો જાહેરમાં ગાળાગાળી અને ઝઘડો કરી રહ્યા છે. આ માહિતીના આધારે પીસીઆર વાનના ઇન્ચાર્જ અને આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ તેમના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સવારે 9:45 વાગ્યે તેઓ પહોંચ્યા ત્યારે બે સાધુઓ અને અલગ-અલગ પક્ષના ૪૦-૫૦ લોકો સામસામે આવી જઈને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા હતા.
આ ઝઘડાનું મુખ્ય કારણ મંદિરની ગાદી પર વર્ચસ્વ જમાવવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, ગઢકા ગામમાં પ્રભુના પગલાંની જગ્યામાં રહેતા રામદાસ ગુરુ રામચરણદાસ અને જૂના રાજપીપળા રામજી મંદિરના હનુમાનદાસ ગુરુ દ્વારકાદાસ વચ્ચે ગાદી માટે સીધી ટક્કર હતી.
બંને સાધુઓના સમર્થનમાં આવેલા અનુયાયીઓ ઉગ્ર બોલાચાલી કરી રહ્યા હતા. મામલો બીચકતો જોઈને હાર્દિકભાઈએ અન્ય પીસીઆર વાન અને સરધાર ઓપીના પીએસઆઇ એસ.એલ. ગોહિલ સહિતના સ્ટાફને બોલાવી લીધો હતો. પોલીસનો વધારાનો સ્ટાફ ત્યાં પહોંચી જતાં ભેગા થયેલા ટોળાને વિખેરી નાખવામાં આવ્યું હતું અને વધુ ઘર્ષણ થતું અટકાવવામાં આવ્યું હતું.

આ બનાવ સંદર્ભે હેડ કોન્સ્ટેબલે પોતે ફરિયાદી બનીને આજીડેમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસે રામદાસ ગુરુ રામચરણદાસ, હનુમાનદાસ ગુરુ દ્વારકાદાસ અને તેમની સાથે જોડાયેલા ગઢકા ગામના અન્ય 40 થી 50 જેટલા અજાણ્યા લોકો સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ સુલેહનો ભંગ થાય તે રીતે બખેડો કરવા બદલ ગુનો દાખલ કર્યો છે.