Thu Aug 13 2026

Logo

મોજની ખોજઃ રફી... ફિર કબ આઓગે?

2026-08-04 10:38:00
Author: Subhash Thaker
Article Image

સુભાષ ઠાકર

શર્મ આતી હૈ મગર આજ યે કહેના હોગા કી ....

તમે મને વાંચો છો એટલે આજે મારી હૈયાવરાળ બહાર કાઢું છું. બાકી રંગ ઓર નુરકી બારાત કિસે પેશ કરું?

આ તો વિધાતાની બુદ્ધિ ફરી ને એક હાસ્ય કલાકાર- લેખક બનાવ્યો, બાકી મારો માંહ્યલો તો જનમથી જ ગાયક બનવાને તત્પર બન્યો હતો. ગાવા માટેની ખુજલી હૃદયથી ગળા સુધી ઊપડી હતી. ઈશ્વર ગળું બધાને આપે છે પણ કંઠ તો કોઈકને જ આપે છે.

બોરમાં જેમ ઠળિયો છુપાયો હોય એમ મારા ગળામાં કંઠ છુપાઈને બેઠો હતો. એ જ ગળું પ્રસંગોપાત બોચી, ગરદન કે ડોકીના નામે પણ ઓળખાય છે... આમ તો સંગીત અમારી સાતસો પેઢીઓથી રગેરગમાં વહે છે. યુ બીલિવ?

મારા દાદાના બાપુજીના એપેન્ડીક્ષના ઓપરેશન વખતે આંતરડાની જગ્યાએ પેટમાંથી ગિટારના તાર નીકળેલા.

એક ગજબની વાત એ હતી કે એક પ્રોગ્રામમાં સંચાલકે જેવું કીધું કે ‘જયંતીલાલ ઉર્ફે મારા ‘બાપુ’ના સૂર તો નાભીમાંથી નીકળે છે. તો એક માઈક નાભી સામે પણ મૂકવામાં આવેલુ. સી ધ ઇન્વોલમેન્ટ. આમ તો હું જન્મ્યો ત્યારે મારા બાપુ બોલ્યા ‘વાહ દીકરો કાળી બેથી રડે છે.’

મારા ભેકડા પણ સૂરમાં ગણાતા, પછી ઉંમરની સાથે સાથે ગાવામાં મારો રસ વધવા લાગ્યો. એઝ યુ નો કે રિયાઝ માટે બાથરૂમથી સુંદર કોઈ જગા શોધાઇ નથી. નળમાંથી નીકળતી સીઈઈઈ કરતી સીટી પછી ધડ-ધડ-ધડ પછી સર-સર સરરરર ને પછી ટપક-ટપક થતા ટીપામાં પણ મને સંગીત સંભળાતું. 

બાથરૂમમાં પ્રવેશ સાથે જ મારું ધ્યાન ગાવામાં જ રહેતું. ડીલ(શરીર) ધોતા ધોતા ગાવાની મજા ઓર જ હોય છે. હું મારા કંઠનો લાભ બાથરૂમથી સમાજ સુધી પહોંચાડવા માગતો હતો. શોરને સૂરમાં કેમ બદલવો એ હું નવોદિતોને સમજાવતો. મારા કંઠનું મને ખુદને અભિમાન.‘આહાહાહાહા... શું કંઠ છે, માન ગયે ઉસ્તાદ!’

એવી દાદ આપી હું જ મારી પીઠ થાબડતો. બધા જ દિવંગત ગાયકોના દેહત્યાગ કર્યા પછી બધાનો આત્મા ઓલ ઇન વન બની મારા કંઠમાં સમાઈને બેસી ગયેલો. સંગીતને મારામાં રસ ન હોય એ એની મરજી પણ સંગીતમાં મને રસ હોવાને કારણે જગતને એક સુંદર ને સુરીલો ગાયક મળશે એ નક્કી. 

યુ બીલિવ? મારું એક સપનું છે કે દર વર્ષે 31 જુલાઈએ જેમ રફી સાહેબ ચારે બાજુ છવાઈ જાય છે. ને ‘એક શામ રફીકે નામ’ ‘રફી ફિર કબ આઓગે’ ‘રફી એક ....અંદાજ અનેક’ની જેમ મારો અંતરાત્મા પણ ‘એક શામ સુભાષકે નામ’ ને મારા દેહપરિવર્તન પછી ‘સુભાષ ફિર કબ આઓગે’ કે ‘એના જેવી બીજી અનેક મહેફિલો યોજવા આતુર બન્યો.

તમે નઈ માનો, પણ રફીસાહેબનો આત્મા મારા હૈયામાં ને કંઠ મારા ગળામાં છુપાયેલો હતો. પછી હાઉસફુલ હોલમાં રફી સાહેબ જેવી બુલંદી પુકારું, ભલેને સ્વરપેટી બહાર આવી જાય. હુ કેર્સ? હું આસમાને પહોચું એ પહેલા મારા કંઠમાં આસમાનને આંબી જવાની તાકાત હતી.

હવે દુશ્મનને પણ વિચાર આવવાનો કે ટોપા તાકાત હતી તો ગાયક બન્યો કેમ નઈ? પણ આ સ્વાર્થી સમાજ ઘડેલા સપના ચકનાચુર કરી નાખે છે એકવાર હું બાથરૂમમાં ન્હાતો હતો.. સોરી ગાતો હતો ને બહારથી મારી ચંપાકલીનો અવાજ કાને અથડાયો ‘હે મારા માલવપતિ મુંજ, એક કલાકથી બાથરૂમમાં શું કરો છો? ન્હાવા બેઠા છો કે નાસ્તો કરવા કે પછી ઊંઘી ગયા? અંદરથી તમારા નસકોરાનો અવાજ ઠેઠ બહાર આવે છે.’

બાપરે, મારા ગળા ઉપર કોઈએ બુલડોઝર ફેરવી દીધું હોય એવો પ્રચંડ ઝાટકો લાગ્યો. મારા કંઠનું આવું ઝળહળતું..સોરી -હડહડતું અપમાન? જે ગળાને સૂરીલું બનાવવા તનતોડ નઈ તો ગળાતોડ મહેનત કરી હોય એના પર પાણી ફેરવી દીધું. મારી છટકે કે નઈ? દિલકે અરમા આંસુઓમેં નહીં પણ પાનીમેં બહ ગયે.... હવે મને દ્વિધા થવા લાગી કે ગાવાનું ચાલુ રાખવું કે ન્હાવાનું? 

ખૂબ મનોમંથન પછી વિચાર્યું કે ગાવાનું બંધ કરીશ તો કંઠ નઈ ગંધાઈ ઊઠે પણ ન્હાવાનું બંધ કરીશ તો શરીર જરૂર ગંધાઈ ઊઠશે. સત્ય એ પણ હતું કે ગાવાનું બંધ કરવાથી સમાજ એક સરસ ગાયક ગુમાવશે. જેમ સ્વજનના ગયા પછી એની ખોટ ક્યારેય પૂરાતી નથી એમ મારું ગાવાનું બંધ કરવાથી સમાજમાં શ્રેષ્ઠ ગાયકની ખોટ ક્યારેય નઈ પૂરાય, એ સમાજનું દુર્ભાગ્ય, બીજુ શું?

બાકી આ રફી સાહેબનો દાખલો લો, ક્યાં પુરાય છે? કેટલી બધી જયંતીઓ પુણ્યતિથિમાં પલટાઈ ગઈ ને છેલ્લે દર 31 જુલાઈએ એમની ઝાંખી ઝેરોક્ષ કોપીઓ મંડી પડે ‘અભી ના જાઓ છોડકર કી દિલ અભી ભરા નહિ’...

મિત્રોએ સલાહ આપી કે ઠાકર, તું રફીના સદાબહાર ગીત ગાવાનું બંધ કર નઈતર કોઈ ભડકશે તો તને જ સદા-બહાર કાઢશે. મિત્રો, આજે હું નથી ગાતો એ પરોક્ષ રીતે સંગીત તથા સમાજ સેવા જ છે ને?. શું કહો છો?