Thu Jun 25 2026

Logo

કિલ્લા પરથી ધકેલી ટ્રેકરની હત્યા: વાગ્દત્તા અને તેના પ્રેમીએ છ મહિનામાં 2004 કૉલ કર્યા, હત્યા અગાઉ ચોરીછૂપે કૅફેમાં મળ્યાં

2026-06-25 17:27:13
Author: Yogesh D. Patel
Article Image

પુણે: પુણેમાં ટ્રેકર અને રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન વિશાલ અગરવાલને લોહગડ કિલ્લા પરથી ધકેલીને હત્યા કરવા અગાઉ કેતનની વાગ્દત્તા સિયા ગોયલ અને તેનો પ્રેમી છ મહિના સુધી એકબીજાના સતત સંપર્કમાં હતા અને બંને જણે એકબીજાને 2,004 કૉલ કર્યા હતા તેમ જ ફોન પર 238 કલાક ગાળ્યા હતા. તપાસ અધિકારીઓને શંકા છે કે બંને વચ્ચેની વ્યાપક વાતચીત એ કેતનની હત્યાની યોજનાનો ભાગ હતી.

પુણે જિલ્લાના ગહુંજે ખાતે રહેનારા કેતન અગરવાલની 18 જૂને લોહગડ કિલ્લા પરથી ધકેલીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી હતી. ઘટનાને દિવસે સિયા અને ચૌધરી કૅફેમાં મળ્યા હતા અને કેતનનો કાંટો કાઢવાની યોજના પર ચર્ચા કરી હતી. બંને જણેે કિલ્લા પર એક એવી જગ્યા પણ નક્કી કરી હતી, જ્યાંથી કેતનને નીચે ધકેલી શકાય. કૉલ રેકોર્ડ અને સીસીટીવી કેમેરાના ફૂટેજના વિગતવાર વિશ્ર્લેષણથી પુણે ગ્રામીણ પોલીસને હત્યાના કાવતરાનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી. 

પુણે (ગ્રામીણ)ના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે બંને (સિયા ગોયલ અને ચેતન ચૌધરી)એ છ મહિના દરમિયાન 2,004 કૉલ કર્યા હતા અને એકબીજા સાથે વાતચીત કરવામાં 238 કલાક ગાળ્યા હતા. તેમની વચ્ચે કેટલાક કૉલ્સ તો બેથી ત્રણ કલાક સુધી ચાલ્યા હતા, એમ ગિલે કહ્યું હતું.

કિલ્લા પર જતા પહેલાં બંને જણ કૅફેમાં મળ્યાં હતાં અને મીટિંગ દરમિયાન તેમણે કિલ્લા પર જગ્યા પર નક્કી કરી હતી. બંને જણ કેતનઅગરવાલને તેમના સંબંધમાં અવરોધરૂપ માનતા હતા અને તેની હત્યા કરવાની તેમણે યોજના બનાવી હતી. સિયાએ 6 જૂને મુંબઈ એરપોર્ટ પર જતી વખતે કેતનનો પાસપોર્ટ ગુમ કરીને તેમના પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બાલી જવાની યોજનાના તેણે નિષ્ફળ બનાવી હતી. ખાલાપુર ખાતે ફૂડ મૉલ પર કારમાંથી પાસપોર્ટ ચોર્યા બાદ સિયાએ તેને મહિલાના વૉશરૂમમાં ફેંકી દીધો હતો.