ભીમરાવ કાંબળેએ ચાર વર્ષની બાળકીને પીંખી નાખ્યા બાદ હત્યા કરી હતી
પુણે: પુણેના ભોર તાલુકાના નસરાપુરમાં પહેલી મે, 2026ના રોજ બળાત્કાર ગુજાર્યા બાદ ચાર વર્ષની બાળકીની હત્યા કરનારા 65 વર્ષના નરાધમ ભીમરાવ કાંબળેને વિશેષ કોર્ટે ગુરુવારે દોષી ઠેરવ્યો હતો. એડિશનલ સેશન્સ જજ (વિશેષ જજ) એસ. આર. સાળુંખેએ અપહરણ, બળાત્કાર અને હત્યા માટે તેનેે દોષી ઠેરવ્યો હતો અને સજા સોમવારે સંભળાવવામાં આવશે.
વિશેષ સરકારી વકીલ અજય મિસરે જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની વિવિધ કલમો હેઠળ ઉપરાંત અપહરણ, વિનયભંગ, બળાત્કાર અને હત્યા સહિતના તમામ આરોપ પુરવાર કર્યા છે.
કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષે તમામ આરોપ પુરવાર કર્યા છે. આરોપીએ ગુનો નકારી કાઢીને દાવો કર્યો હતો કે બાળકીને વાછરડું બતાવતી વખતે તે લપસી ગઇ હતી અને તેને ઇજા થઇ હતી, પણ પુરાવાઓ તેનાથી વિપરીત સાબિત થયા છે.
તેમણે કહ્યું હતું કે આ કેસ ‘રેરેસ્ટ ઓફ ધ રૅર’ કેટેગરીમાં આવે છે એ દલીલ કરવા માટે તપાસકર્તા પક્ષે સુપ્રીમ કોર્ટના 12 સીમાચિહ્નરૂપ ચુકાદા પર આધા રાખ્યો હતો. અમે પીડિતની વય અને 39 મિનિટ સુધી તેના પર સતત થયેલા જાતીય હુમલા વિશે સમજાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 18 ઇજા જોવા મળી હતી. આરોપીનું વીર્ય બાળકીના હાથ અને ગળા પર મળી આવ્યું હતું, એમ મિસરે કહ્યું હતું.
કોર્ટે સીસીટીવી ફૂટેજ, ડીએનએ પ્રોફાઇલિંગ, તબીબી પુરાવા, પોટેન્સી ટેસ્ટ તેમ જ સાઉન્ડનેસ ટેસ્ટને ‘યોગ્ય રીતે પુરવાર’ તરીકે સ્વીકાર્યા હતા. પીડિતાને લઇ જતી વખતે આરોપીને જોનારા બાળકોએ પણ ઓળખપરેડ દરમિયાન આરોપીને ઓળખી કાઢ્યો હતો. સરકારી વકીલે જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષે મૃત્યુદંડની માગણી કરી છે અને દલીલ કરી છે કે કાંબળે સુધરે એવી શક્યતા નથી.
આરોપીએ અગાઉ 62 વર્ષની વૃદ્ધા, 17 વર્ષની સગીરા અને પ્રાણી સાથે પણ દુષ્કર્મ કર્યું હતું અને હવે આ બાળકીને શિકાર બનાવી હતી. તે સમાજ માટે ખતરો છે અને જો તેને મુક્ત કરવામાં આવે તો તેને જીવવાનો કોઇ અધિકાર નથી.
ઉલ્લેખનીય છે કે નસરાપુરમાં પહેલી મેના રોજ આ ઘટના બની હતી, જ્યારે વાછરડું બતાવવાને બહાને બાળકીને પોતાની સાથે તબેલામાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી અને મૃતદેહ છાણમાં છુપાવી દીધો હતો. (પીટીઆઇ)