Wed Jun 24 2026

Logo

લાતુરમાં દિવ્યાંગ ખેડૂત પર હુમલો કરવા બદલ સરપંચ સહિત બે જણ સામે ગુનો

2026-06-24 17:13:45
Author: Yogesh D Patel
Article Image

લાતુર: લાતુર જિલ્લામાં વિવાદ દરમિયાન દિવ્યાંગ ખેડૂત પર હુમલો કરવા અને તેનું અપમાન કરવા બદલ સરપંચ સહિત બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ જિલ્લાના ખડગાંવ ગામમાં 19 જૂને આ ઘટના બની હતી. 39 વર્ષનો ખેડૂતે ગામના નકશામાં દર્શાવેલા સરકારી રસ્તા ખડગાંવ-હરંગુલ પંડાન રોડ પરના અતિક્રમણ દૂર કરવા માટે તહેસીલદાર (મહેસૂલ અધિકારી)નો સંપર્ક કર્યો હતો. 

મહેસૂલ અધિકારીઓ ઇન્સ્પેક્શન માટે સ્થળ પર પહોંચ્યા ત્યારે ખેડૂતે સર્વે નંબરો બતાવ્યા હતા અને વિનંતી કરી હતી કે સત્તાવાર રેકોર્ડ મુજબ રસ્તો ખુલ્લો કરવામાં આવે. એ સમયે ત્યાં સરપંચ અને ગામવાસી ત્યાં આવ્યા હતા અને તેમણે ખેડૂતને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. તેમણે ખેડૂતની દિવ્યાંગતા અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી અને તેના પર હુમલો કરવા સાથે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ ફરિયાદો ન કરવા માટે ચેતવણી આપી હતી અને તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી. ખેડૂતે સારવાર લીધા બાદ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.ખેડૂતે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે એમઆઇડીસી પોલીસે મંગળવારે સરપંચ તથા એક ગામવાસી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન ખેડૂતે મંગળવારે લાતુરના તહેસીલદારનો સંપર્ક સાધ્યો હતો અને રસ્તા પરના કથિત અતિક્રમણો તાત્કાલિક દૂર કરવાની માગણી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે છેલ્લાં નવ વર્ષથી વારંવાર રજૂઆતો છતાં અધિકારીઓ સત્તાવાર નકશા મુજબ રસ્તાને સંપૂર્ણપણે પુન:સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા છે. (પીટીઆઇ)