મુંબઈઃ વસઈ-વિરાર વિસ્તારમાં મંગળવાર રાતથી ભારે વરસાદ પડ્યો હતો, જે આજે સવારે અવિરત વરસતા અહીંના નીચાણવાળા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જોકે, ભારે વરસાદને કારણે સ્થાનિકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ વારંવાર હાથતાળી આપતી વીજળીને લીધે તેઓ પરેશાન છે.
દર ચોમાસામાં વસઈ-વિરારના રહેવાસીઓને વારંવાર વીજપુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સતાવતી હોય છે. આ વર્ષે પણ, ચોમાસાના આગમન સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર થતા વીજળી કાપ અંગે નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે.
વસઈ-વિરાર શહેર વિસ્તારમાં મહાવિતરણ દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે, જે આશરે દસ લાખ ગ્રાહકોને સેવા આપે છે. જોકે, ગયા મહિને ચોમાસા પહેલાના જાળવણી કાર્ય, જોખમી વૃક્ષોની ડાળીઓ કાપવા અને ટ્રાન્સફોર્મર વિસ્ફોટને કારણે વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જતો હતો. ચોમાસાના આગમન પછી પણ પરિસ્થિતિમાં બહુ ઓછો ફેરફાર થયો હોવાનો મત નાગરિકોએ વ્યક્ત કર્યો છે.
મંગળવારે રાત્રે વિરાર પશ્ચિમના ઉમ્બરગોઠાણ તેમજ વસઈ પૂર્વના માલજીપાડા, સસુનવઘર અને નાલાસોપારા પૂર્વ સહિતના વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો જે બુધવાર સવાર સુધી પુનઃસ્થાપિત થયો નહોતો જેના કારણે ગૃહિણીઓ, શાળાએ જતા બાળકો અને કામ માટે બહાર જતા નાગરિકોને ભારે મુશ્કેલી પડી હતી.
શહેરમાં અનિયમિત વીજપુરવઠા વચ્ચે આજે સવારે વસઈ પશ્ચિમના સાંઈનગર વિસ્તારમાં ટ્રાન્સફોર્મર વિસ્ફોટની ઘટના નોંધાઈ હતી. પરિણામે, આ વિસ્તારનો વીજ પુરવઠો થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો હતો.