લંડનઃ 15 વર્ષનો લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી આઇપીએલમાં સુપરસ્ટાર બન્યા પછી હવે પહેલી વખત ભારતની મુખ્ય ક્રિકેટ ટીમ સાથે જોડાયો છે એટલે સ્વાભાવિક રીતે કોઈને પણ વિચાર આવે કે તેને ડ્રેસિંગ-રૂમ (Dressing Room)માં કૅપ્ટન શ્રેયસ ઐયર, તિલક વર્મા, ઇશાન કિશન, સંજુ સૅમસન અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ જેવા સિનિયર ખેલાડીઓ સાથે રહેવાનો મોકો મળશે અને એ દરમ્યાન તેમની પાસેથી તે ઘણું નવું શીખી શકશે, પરંતુ ઇંગ્લૅન્ડમાં સિનારિયો કંઈક જુદો જ હશે
શુક્રવારે આયરલૅન્ડમાં બે ટી-20ની સિરીઝ શરૂ થશે અને ત્યાર બાદ ભારતીય ટીમ પાંચ ટી-20 રમવા ઇંગ્લૅન્ડના પ્રવાસે જશે. વાત એવી છે કે ક્રિકેટ તેમ જ ફૂટબૉલ સહિતની તમામ રમતો માટે ઇંગ્લૅન્ડમાં બાળ રક્ષણ (Child Protection)ને લગતા કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં જે પાંચ સ્થળે મૅચ રમાશે ત્યાંના સ્ટેડિયમમાં ભારતીય ટીમ માટેના મુખ્ય ડ્રેસિંગ-રૂમમાં વૈભવ (Vaibhav)ને પૂરો સમય નહીં રહેવા મળે. વૈભવે મોટા ભાગે અલગ ડ્રેસિંગ રૂમમાં જ રહેવું પડશે.
માત્ર મૅચ વખતે જ વૈભવ ટીમના ડ્રેસિંગ રૂમમાં ટીમ-મીટિંગ કે મૅચને લગતી ચર્ચા માટે જઈ શકશે. વૈભવ 16 વર્ષનો છે અને 16 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ વિશેના આઇસીસીના તેમ જ ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડના નિયમ મુજબ તેને અલગ ડ્રેસિંગ રૂમ ફાળવવામાં આવશે. વૈભવના પપ્પા-મમ્મીને બીસીસીઆઇએ પોતાના ખર્ચે આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડની ટૂર પર મોકલ્યા છે અને એવું મનાય છે કે તેઓ પુત્ર સાથે તેના ડ્રેસિંગ-રૂમમાં હાજરી આપી શકશે.
ઇંગ્લૅન્ડમાં 16 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓને પુખ્ત વયના પ્લેયર્સના ચૅન્જિંગ રૂમમાં જવાની મનાઈ હોય છે. આ કારણસર વૈભવને ચૅન્જિંગ રૂમ અલગથી ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વૈભવ છેલ્લા બે વર્ષમાં આઇપીએલ દરમ્યાન તેમ જ ઇન્ડિયા-એ ટીમની મૅચો વખતે સાથી ખેલાડીઓવાળા જ ડ્રેસિંગ રૂમમાં રહી શકતો હતો, પણ ઇંગ્લૅન્ડમાં કાયદો અલગ છે.