Thu Jun 25 2026

Logo

અમરેલીના ખાંભામાં સિંહણનો આતંક: 5 વર્ષના બાળકનો શિકાર કર્યો, મહિનામાં ત્રીજી ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ

2026-06-25 15:54:00
Author: Mayur Patel
Article Image

અમરેલીઃ ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે એક સિંહણે માત્ર 5 વર્ષના માસૂમ બાળકને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક, ભય અને વન વિભાગ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે. સિંહણની ઉલટીમાંથી બાળકના અવશેષો મળ્યા હતા.

મળતી વિગતો મુજબ ચતુરી ગામે રહેતો 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો હતો. દાદા કાંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. દાદાની મજબૂર ચીસો અને બાળકના આક્રંદથી આખું ગામ ગૂંજી ઉઠ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વહારે દોડ્યા હતા અને જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. મૃતકના મામા દાનુભાઈ વઘોસીના જણાવ્યા અનુસાર, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાનોએ લાકડીઓ વડે હુમલો કરીને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ગ્રામજનોની ભારે જહેમત છતાં, કમનસીબે ગામથી આશરે એક કિલોમીટર દૂરથી જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજુલાના કોવાયા ગામ નજીક આવેલી એક રેસ્ટોરામાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના યુવક પર સિંહણે અચાનક હિંસક હુમલો કર્યો હતો. 

મોડી રાત્રે પોતાના વતન જવા નીકળેલા યુવકને સિંહણ ખેંચીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને ફાડી ખાધો હતો. સિંહણના હુમલાનો ભોગ બનેલા યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા, જેને જોઈને સ્થાનિકો અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ પહેલા સાવરકુંડલાના સાવર ગામની સીમમાં ખેતી કામ માટે ગયેલા ખેડૂતને સિંહણે ફાડી ખાધો હતો. ખેતરમાંથી તેના થોડા અવશેષો મળ્યા હતા.