પુણે: મહારાષ્ટ્રના પુણે નજીકના ચાકણમાં તૂટેલા રસ્તાઓ અને દૈનિક ટ્રાફિક જામની સમસ્યાના લીધે ઉદ્યોગો માટે ત્રાસદાયક સ્થિતિ બની ચૂકી છે. હવે સ્થિતિ એવી છે કે આશરે 20 નાની અને મધ્યમ કંપનીઓ અહિયાંથી દૂર બીજા સ્થળે જવા માટેની તૈયારી કરી રહી છે. જો એવું બનશે તો આશરે 4,000 લોકોની નોકરીઓ છીનવાઈ જશે.
મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો બહોળો ઔદ્યોગિક વિસ્તાર છે. જેની મહારાષ્ટ્રના મુખ્ય ઓટોમોબાઇલ હબમાં ગણતરી થાય છે. અહીં મર્સીડીઝ બેંઝ, ફોક્સવેગન, સ્કોડા અને હ્યુન્ડાઇ જેવી વિશાળ કંપનીઓ સાથે સેંકડો નાના અને મધ્યમ ઉદ્યોગો પણ કાર્યરત છે.
20 કંપનીનો કારોબાર 1,000 કરોડ રુપિયાનો
કંપનીઓના જણાવ્યા અનુસાર તૂટેલા રસ્તાઓ, ખાડાઓ, કલાકોના ટ્રાફિક જામ અને સતત બની રહેલા માર્ગ અકસ્માતોના લીધે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ કારણે લગભગ 20 જેટલી કંપનીઓ હવે સતારાના ખંડાલા એમઆઈડીસી જવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓનો વાર્ષિક કારોબાર લગભગ 1,000 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું હતું.
વર્ષોની ફરિયાદ પછી હવે અન્ય વિકલ્પની શોધ
આશરે 20 કંપનીઓ મળીને એક જૂથ બનાવવામાં આવ્યું છે. આ જૂથ દ્વારા ખંડાલા એમઆઈડીસીમાં જમીન અને અન્ય સુવિધાઓ હાંસલ કરવા માટે પ્રસાશન સાથે વાતચીત ચાલી રહી છે. ઉદ્યોગજગતના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ-અલગ જગ્યાઓ માટે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આખરે ખંડાલા સૌથી મજબૂત વિકલ્પ બની આવ્યો હતો, કારણ કે ત્યાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી હાજર છે.
14 મહિનાથી અધિકારીઓને જણાવ્યા પછી ઉકેલ નહીં
એક કંપનીના ઓનરના જણાવ્યા અનુસાર તેમની કંપનીમાં 140 જેટલા લોકો કાર્યરત છે. છેલ્લા 19 વર્ષોથી તે ચાકણમાં કારોબાર સાંભળી રહ્યા છે. છેલ્લા 14 મહિનાઓમાં તૂટેલા માર્ગો, ટ્રાફિક અને કચરા વ્યવસ્થાપન જેવી સમસ્યાઓને લઈને અનેકવાર અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો હોવા છતાં ઉકેલ મળ્યો નહોતો.
20 કંપનીના સંભવિત પલાયનની શક્યતા
નાના ઉદ્યોગોના અધ્યક્ષએ જણાવ્યું હતું કે આ નિર્ણય પર સાત-આઠ મહિના ચર્ચાઓ ચાલી હતી. નાની અને મધ્યમ કંપનીઓ પાસે મોટા ઉદ્યોગો જેવી સગવડો નહીં હોવાના કારણે કામકાજ પર સીધી અસર પડે છે. આ કારણે જ અન્ય જગ્યાએ જવાની ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આ રીતે 20 કંપનીના સંભવિત પલાયનના સમાચાર બાદ સ્થાનિક સ્તરે પણ ચિંતા વધી ગઈ છે.
ચાકણ નહીં છોડવાની નેતાએ કરી અપીલ
સ્થાનિક ધારાસભ્યએ સ્વીકાર્યું હતું કે ઉદ્યોગોની સમસ્યાઓનું સમયસર સમાધાન નહીં થઈ શક્યું, તેમણે જણાવ્યું હતું કે તેઓ કંપનીઓના પ્રતિનિધિઓને મળશે અને તેમને ચાકણ ન છોડવાની અપીલ કરશે. આ સાથે જ સમગ્ર મામલાની મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત પણ કરશે જેથી જલ્દીથી કોઈ ઉકેલ મળી શકે.
વિસ્તારની ઔદ્યોગિક ગતિવિધિઓ પર પડી શકે
હાલમાં સૌ કોઇની નજર સરકારના આવનારા પગલા પર છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો ચાકણ એમઆઈડીસીથી કંપનીઓના પલાયનની શક્યતા છે. જેની અસર ફક્ત ઉદ્યોગો પર જ નહીં, પરંતુ હજારો કર્મચારીઓની રોજીરોટી અને સમગ્ર વિસ્તારની ઔદ્યોગિક ગતિવિધિઓ પર પણ પડશે.