નવી દિલ્હીઃ દેશના હજારો વિદ્યાર્થીઓએ રવિવારે નીટની પરીક્ષા આપી હતી. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ પ્રકારે ગેરરીતિ ન થાય અને ખાસ કરીને પેપરલીક ન થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ પરીક્ષા માટે દેશભરના સેન્ટરમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. નીટની પરીક્ષાના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને એમને કોઈ વિલંબ ન થાય એ માટે વડા પ્રધાન મોદી એરપોર્ટ પર 45 મિનિટ સુધી રાહ જોઈને બેસી રહ્યા હતા.
દેશભરમાં પહેલની નોંધ લેવાઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ વિશેષ પહેલની દેશભરમાં નોંધ લેવાઈ રહી છે. પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ પરત ફરતી વખતે વડા પ્રધાન મોદી નવી દિલ્હી પહોંચ્યા બાદ એરપોર્ટ પર જ રાહ જોઈને બેસી રહ્યા હતા. એરપોર્ટથી તેઓ પોતાના આવાસ પર પહોંચવાના હતા. આ એવો સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ પોતાના સેન્ટર સુધી પહોંચવાની તૈયારીમાં હતા. રસ્તા પર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય એવું જાણવા મળ્યું હતું. આ કારણે વડા પ્રધાન મોદી પોતાના આવાસ માટે નીકળવાના બદલી 45 મિનિટ સુધી એરપોર્ટ પર જ રોકાયા હતા. કૉલકાતાથી મોદીની ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી એ સમયે 1.15 વાગ્યા હતા. બપોરનો સમય હતો
ફરીથી આયોજન કરાયું
આ જ સમય છે જ્યારે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવા માટે સેન્ટર સુદી પહોંચતા હોય છે. આ સમયે તરત પોતાના આવાસ માટે રવાના થવાના બદલે તેઓ એરપોર્ટ પર જ રોકાયેલા રહ્યા હતા. 2 વાગ્યે નીટની પરીક્ષા શરૂ થવાની હતી અને આ સમયે વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચવા માટે કોઈ મુશ્કેલીઓ ન પડે એ માટે મોદીએ આ પ્રકારની પહેલ કરી હતી. ખાસ કરીને પરિવહન સેવા પ્રભાવિત ન થાય એની ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. 2 વાગ્યે જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ એ સમયે તેઓ એરપોર્ટથી આવાસ પર જવા માટે રવાના થયા હતા. આ પહેલા નીટનું પેપર લીક થયું હોવાના કારણે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પેરામિલિટરી ફોર્સને જવાબાદરી સોંપાઈ
આ પહેલા 3 મેના રોજ દેશભરમાંથી 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી.હવે પૂરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફરીથી નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર પેરામિલિટરી ટીમને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ કોઈ પ્રકારની અફવા અને પેપર લીકના મુદ્દાઓ પર કોઈ રીતે ધ્યાન ન આપે. જે તે સેન્ટરની આસપાસ પણ પોલીસ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે એ માટે જે તે સેન્ટર તરફથી પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.