Thu Jun 18 2026

Logo

પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યસભાની ચૂંટણીમાં જીત્યા, કોંગ્રેસને સૌથી મોટો ઝટકો

2026-06-18 19:48:00
Author: Mumbai Samachar Team
Article Image

રાંચીઃ રાજ્યસભાની ઝારખંડની ચૂંટણીમાંથી NDA સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણીની જીત થઈ છે. એમની આ જીતને ઈન્ડિયા ગઠબંધન અને મુખ્યમંત્રી હેમંત સોરેન માટે એક ઝટકા સમાન માનવામાં આવે છે. આ ચૂંટણીમાં ઈન્ડિયા જુથના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાના પણ વાવડ મળી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક ધારાસભ્યો આશંકાના દાયરામાં પણ આવી ગયા છે.પરિમલ નથવાણીને આ ચૂંટણીમાં 30 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર પ્રણવ ઝાને 20 મત મળ્યા હતા. 

કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ

આમ તેઓ ઝારખંડમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા છે. બીજી તરફ JMMના વૈદ્યનાથ રામનો પણ આ ચૂંટણીમાં વિજય થયો છે. ચૂંટણી પહેલા જ આ ઉમેદવારની જીત પાક્કી માનવામાં આવતી હતી. આ ચૂંટણી બાદ ઝારખંડમાં કોંગ્રેસમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે,ક્રોસ વોટિંગની વાત વચ્ચે NDA સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણીએ ગુરૂવારે ઝારખંડ રાજ્યસભામાં બે બેઠક પર જીત મેળવી છે. જ્યારે પ્રણવ ઝાને માત આપી છે. જ્યારે સત્તામાં રહેલી પાર્ટી JMM ઉમેદવાર વૈદ્યનાથ રામની પણ જીત થઈ છે. 28 મત મળ્યા બાદ પરિમલ નથવાણીને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. 

ધારાસભ્યોનું મળ્યું મોટું સમર્થન

28 મત પરિમલ નથવાણીને મળતા એમને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા.આ ગણતરી વખતે વૈદ્યનાથને 30 મત મળ્યા હતા. આ સમગ્ર પરિણામ પર ભાજપના ધારાસભ્ય પ્રદીપ પ્રસાદે કહ્યું હતું કે, NDAને મળેલા 28 મત, JMMને મળેલા 30 મત અને કોંગ્રેસને 20, જ્યારે ત્રણ મત રદ્દ થઈ ગયા હતા. ભાજપના ધારાસભ્યોએ પોતાની આત્માનો અવાજ સાંભળીને મતદાન કર્યું છે અને જે પરિણામ આવ્યું એ સૌની સામે છે. NDA પાસે રાજ્યમાં 24 ધારાસભ્ય છે. સાંસદની ઉપલા સદનમાં બેઠક પાક્કી કરવા માટે 81 સભ્યોની વિધાનસભા માટે જરૂરી એવી ન્યૂનત્તમ 28 મત માટે માત્ર ચાર મત ઓછા છે. જે અમાન્ય થયા અને રદ્દ કરવામાં આવ્યા એ ત્રણ વોટ કોંગ્રેસના છે.