Mon Jul 27 2026

Logo

અકસ્માતમાં મૃત્યુ પામેલી શિક્ષિકાના પરિવારને  51.65 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

2026-07-27 17:55:03
Author: Yogesh D. Patel
Article Image

Chatgpt Generated Image


પાલઘર: પાલઘરમાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2017માં અકસ્માતમાં મૃત્યુ પામેલી શાળાની 53 વર્ષની શિક્ષિકાના પરિવારને 51.65 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. શિક્ષિકા તેના પતિ સાથે કારમાં જઇ રહી હતી ત્યારે ટ્રેલર તેમની કારને ટક્કર મારતાં શિક્ષિકાનું મૃત્યુ થયું હતું.

ટ્રેલરની વીમા કંપનીએ જણાવ્યું હતું કે પતિની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે ઓછી આવક મૂલ્યાંકન માટે દલીલ કરીને દાવો કર્યો હતો કે શિક્ષિકાના પગારની ગણતરી ફક્ત તેની નિવૃત્તિ માટે બાકી રહેલા પાંચ વર્ષ માટે થવી જોઇએ. જોકે એમએસીટીના સભ્ય એ.આર. રહાણેએ 17 જુલાઇ જારી કરેલા આદેશમાં કાનૂની ઉદાહરણોનો ઉલ્લેખ કરી વીમા કંપનીની દલીલ ફગાવી દીધી હતી. 

સુધા વિજયકુમાર ચોપ્રા 31 ડિસેમ્બર, 2017ના રોજ વાપીથી કારમાં મુંબઈ પાછી ફરી રહી હતી. કાર તેનો પતિ વિજયકુમાર હંકારી રહ્યો હતો. મુંબઈ-અમદાવાદ હાઇવે પર હાલોલી ગામની નજીક પૂરપાટ વેગે આવી રહેલા ટ્રેલરે પાછળથી તેમની કારને ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને વિરુદ્ધ લેનમાં ત્રણથી ચાર વખત ઊંધી વળી હતી. આ અકસ્માતમાં સુધા ચોપ્રાનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેનો પતિ અને પુત્રને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ પતિ અને 31 વર્ષના પુત્ર ઋષભને લકવો મારી ગયો હતો અને તેમણે વળતર માટે ટ્રિબ્યુનલનો સંપર્ક સાધ્યો હતો.

 ટ્રિબ્યુનલે રાજસ્થાનના જોધપુરના રહેવાસી એવા ટ્રેલરના ડ્રાઇવર અને વીમા કંપનીને અરજી દાખલ થયાની તારીખ (3 માર્ચ, 2018)થી ચુકવણી ન થાય ત્યાં સુધી વાર્ષિક છ ટકા વ્યાજ સાથે સંયુક્ત અને અલગ  અલગ રીતે 51.65 લાખ વળતર ચૂકવવાનું જણાવ્યું હતું.

(પીટીઆઇ)