(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં ગયા અઠવાડિયે ખાબકેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ જનજીવનને ખૂબ જ પ્રભાવિત કર્યું છે. હવે વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી આદરી દેવામાં આવી છે. નવસારી જિલ્લામાં અંદાજિત ૩૬,૦૦૦ અસરગ્રસ્ત કુટુંબોને રૂ. ૬.૫૦ કરોડથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું, તથા ઘરવખરી, મકાન નુકશાની અને પશુ મૃત્યુ સહાય અંગેનો સર્વે વહીવટી તંત્ર દ્વારા ઝડપથી પૂર્ણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ, વલસાડમાં પણ વરસાદથી વ્યાપક નુકસાન થયું છે, જ્યાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી નુકસાન પેટે રૂ. ૧ કરોડથી વધુની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, વલસાડમાં પૂરના કારણે જીવ ગુમાવનાર ૪ મૃતકોના પરિવારજનોને રૂ. ૧૬ લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે.
ભારે વરસાદના કારણે ખોરવાયેલા વાહનવ્યવહારને પૂર્વવત્ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી અનેક ગ્રામ્ય માર્ગો, કોઝવે, પુલ અને સાઇડ ડ્રેનોને નુકસાન થયું હતું.

ભૂસ્ખલનના કારણે રસ્તાઓ પર પડેલા મોટા પથ્થરો, માટી અને વૃક્ષોની ડાળીઓને કારણે ખોરવાયેલા વાહનવ્યવહારને ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે હટાવી માર્ગો પુનઃસ્થાપિત કર્યા છે. તેવી જ રીતે, નર્મદા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક દુરસ્તીકરણ હાથ ધરાયું હતું. જેમાં સાગબારા–મહુપાડા નિર્માણાધીન પુલના ડાયવર્ઝન કોઝવેનું સમારકામ કરી વાહનવ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં આવેલા પૂરના કારણે માર્ગોની સાથે સાથે રેલવે વ્યવહારને પણ મોટું નુકસાન પહોંચ્યંત હતું. પૂરના કારણે હેરિટેજ ટ્રેનના ટ્રેક ધોવાઈ ગયા હતા. આ વ્યાપક નુકસાનને પગલે સુરક્ષાના કારણોસર આ હેરિટેજ ટ્રેનને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. આદિવાસી વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ રેલવે ટ્રેકનું ધોવાણ થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે હાલમાં રેલવે તંત્ર સમક્ષ આ ક્ષતિગ્રસ્ત ટ્રેકનું વહેલીતકે પુનઃનિર્માણ કરવું એ એક મોટો પડકાર બની ગયો હોવાનું જાણવા મળ્યું હતું.