Mon Jul 27 2026

Logo

માલેગાંવમાં ડેમ પર યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ૩ કલાકના હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ સુરક્ષિત રેસ્ક્યૂ

2026-07-27 16:13:42
Author: Mumbai Samachar Team
Article Image

માલેગાંવ: મહારાષ્ટ્રના માલેગાંવમાં ગિરના નદી પર આવેલા KT વેયર ડેમ પર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દોડતી થઈ હતી. પરિવારના ઝઘડાથી કંટાળીને હામિદ અંસારી નામનો યુવક ડેમના પાણીના પ્રવાહ વચ્ચે બેસી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયા પછી લોકોએ યુવકની ટીકા કરી હતી.

આ ઘટના રવિવારે રાત્રે બની હતી અને લગભગ ત્રણ કલાક સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામાને કારણે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. રાતના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ યુવકને સમજાવવાનો સતત પ્રયાસ કરતા રહ્યા. જોકે, યુવકે ચેતવણી આપી હતી કે જો કોઈ તેની નજીક આવશે તો તે નદીમાં કૂદી જશે.

પરિસ્થિતિ વધુ નાજુક બનતાં મીડિયા ટીમે પણ દૂરથી યુવક સાથે વાતચીત શરૂ કરી તેનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. લાંબી વાતચીત બાદ યુવક ડેમના કિનારે આવવા તૈયાર થયો હતો. આ તકનો લાભ લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમે બીજી તરફથી પહોંચી યુવકને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો.

બચાવ કામગીરી બાદ હામિદ અંસારીને વધુ પૂછપરછ માટે કિલ્લા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને અન્ય લોકોએ સંયમ અને સમજદારીપૂર્વક કરેલી કામગીરીને કારણે યુવકનો જીવ બચાવી શકાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા પછી બચાવ કામગીરીને લોકોએ વખાણી હતી. આ બનાવથી વિપરીત તાજેતરમાં અહિલ્યાનગરમાં નીટની પરીક્ષામાં પણ નિષ્ફળ રહેનાર વિદ્યાર્થીએ આત્મહત્યાનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો.