Thu Jun 18 2026

Logo

ઓરેકલનો 'ઝટકો': ભારતમાં હજારો કર્મચારીની 'છટણી', ટેક ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ

Washington dc   2026-04-01 16:03:00
Author: Kshitij Nayak
Article Image

નવી દિલ્હી/વોશિંગ્ટનઃ એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ના આગમનથી દુનિયાભરની ટેકનોલોજી જાયન્ટ કંપનીએ મોટા પાયે કર્મચારીઓની છટણી ચાલુ કરી દીધી છે, ત્યારે ટેક્નોલોજી સેક્ટરની સૌથી મોટી ઓરેકલ કંપનીએ હજારો કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. અમેરિકન દિગ્ગજ ઓરેકલ કોર્પોરેશનએ કથિત રીતે ભારતમાં લગભગ 12,000 કર્મચારી પર અસર પડશે. કંપનીના સ્ટોકમાં નિરંતર ધોવાણ વચ્ચે અચાનક જાહેરાત કરતા સૌને ચોંકાવી દીધા છે. આઈટી સેક્ટરમાં સૌથી વધુ છટણી થઈ રહી હોવાના દાવા વચ્ચે ઓરેકલ કોર્પોરેશનએ મોટી જાહેરાત કરતા સમગ્ર સેક્ટરના મંધાતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. કંપનીએ એક મહિનામાં સૌથી મોટો લે-ઓફની યોજના બનાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, જેમાં કથિત રીતે ભારતમાં આશરે 12,000 કર્મચારીની છટણી કરવામાં આવશે.

આજે તમારો લાસ્ટ વર્કિંગ ડે
મંગળવાર સવારે ઓરેકલના કર્મચારીઓને નોટિસ મળવાનું શરુ થઇ ગઈ હતી. નવી છટણીની અસર દુનિયાભરમાં ઓરેકલના કર્મચારીઓ પર પડવાની સંભાવના છે. કર્મચારીઓને મોકલવામાં આવેલી નોટિસ અનુસાર ઓરેકલ વર્તમાન વ્યાવસાયિક જરુરિયાતો પર સાવધાનીપૂર્વક વિચાર કર્યા પછી સંસ્થાએ સંગઠનમાં કરેલા મોટા પરિવર્તન અન્વયે તમારી કામગીરીને રોકવાનો નિર્ણય લીધો છે, તેથી આજે આપનો છેલ્લો દિવસ છે. છટણી સાથે કંપનીએ કર્મચારીઓ માટે અમુક શરતો પણ મૂકી છે. સેવરેન્સ પેકેજની સાથે અમુક દસ્તાવેજોમાં પણ સાઈન કરવાની રહેશે, જેને કારણે કર્મચારીઓમાં નારાજગી જોવા મળી છે.

ભારતમાં 30,000 કર્મચારીનું કદ
સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે આ છટણીની અસર કંપનીના માનવ સંસાધન (એચઆર) સુધી બતાવવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે ઓરેકલ કંપનીએ અત્યાર સુધીમાં 30,000 કર્મચારીની છટણી કરી ચૂકી છે. ભારતમાં કુલ સંખ્યા લગભગ 30,000થી વધુ છે. આ અહેવાલ અંગે ઓરેકલએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ વર્ષે સ્ટોક પચીસ ટકા તૂટ્યો
છટણી માટેના નિર્ધારિત માપદંડો હજુ પણ સ્પષ્ટ નથી. અત્યાર સુધીમાં કંપનીએ પણ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. જોકે, આ ખબર પછી રોકાણકારોમાં પણ ચિંતા જોવા મળી હતી, જેથી મોટા ભાગના લોકોએ શેરમાં વેચાણ કર્યું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોકના ભાવમાં 25 ટકાનો તોતિંગ કડાકો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે અન્ય કંપનીની તુલનામાં સૌથી વધારે ધોવાણ થયું હોવાના માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું.

કંપનીનું એઆઈ સેક્ટરમાં જંગી રોકાણ
રિપોર્ટ અનુસાર કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનું રોકાણ પણ વધારી રહી છે. જોકે, વધતા એઆઈના પ્રભાવની સાથે તાલમેલ મેળવવાના પ્રયાસમાં કંપની અનેક પડકારોનો સામનો કરી રહી છે, જેમાં કારોબારની દૃષ્ટિએ પણ દબાણમાં છે, ત્યારે રોકાણકારોને સૌથી મોટી ચિંતા છે કે નવા એઆઈ મોડલ, ટ્રેડિશનલ ડેટા સિસ્ટમની માગ ઘટી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સને કારણે ઈન્ડસ્ટ્રીમાં કેટલાક સમયથી છટણી કરવાનું ચાલુ છે. જાયન્ટ કંપનીઓ નવી ટેકનોલોજીના મોડલ અપનાવવાને કારણે કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે, જેનો ભાગ ઓરેકલ પણ બની ચૂક્યું છે.

જાણો ઓરેકલ કંપની શું બનાવે છે
ઓરેકલ સૌથી મોટી અમેરિકન ટેક કંપની છે, જે દુનિયાભરમાં સોફ્ટવેર અને ક્લાઉડ સર્વિસીસ પૂરી પાડે છે. કંપની ખાસ તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ માટે જાણીતી છે, જે ખાસ કરીને મોટા મોટા ડેટાને સિક્યોર રાખવાની સાથે મેનેજ કરવાનું પણ કામ કરે છે. બેંકો, સરકારી સંસ્થા, મોટી કંપનીઓ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સમાં ઓરેકલના સોફ્ટવેર વપરાય છે. હવે કંપની ક્લાઉડ બિઝનેસ પર ફોક્સ કર્યું છે. સોફ્ટવેર વેચવાનું જ નહીં, પરંતુ ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ, ઓટોમેશન સર્વિસ પણ પૂરી પાડે છે. મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે એઆઈનો દાનવ ટેકનોલોજી સેક્ટરમાં જ નહીં, પરંતુ અન્ય સેક્ટરમાં મંદી લાવશે એ વાત નક્કી છે.