વિશેષઃ
રાજેશ યાજ્ઞિક
ઓપ્રાહ ગેઇલ વિન્ફ્રે, આ નામ સાંભળ્યું હોય તેવું લાગે છે?
જી હા, પ્રખ્યાત ‘ઓપ્રાહ વિન્ફ્રે શો’ ની હોસ્ટ સંચાલક ઓપ્રાહ. તે હવે એક મલ્ટીમીડિયા એક્ઝિક્યુટિવ, અભિનેત્રી, લેખક, નિર્માતા, ટોક શો હોસ્ટ અને સમાજસેવક છે, જેમની પહોંચ અને સફળતા મીડિયાના લગભગ તમામ પાસાઓ સુધી વિસ્તરે છે. સ્વ-નિર્મિત સફળતાની તેની જીવનકથા રોચક અને પ્રેરણાદાયક છે.
વિન્ફ્રે ન માત્ર અમેરિકા માટે, પણ વિશ્વની અનેક મહિલાઓ માટે એક પ્રેરણા છે. આવી ખ્યાતિ ધતાવતી ઓપ્રાહનો જન્મ 29 જાન્યુઆરી, 1954ના રોજ મિસિસિપીના કોસિયુસ્કોમાં એક ખેતરમાં થયો હતો. તેનો પરિવાર અત્યંત ગરીબ, બ્લેક અમેરિકન સમુદાયનો હતો. તેના માતા-પિતા, વર્નિતા અને વર્નોન તો ઓપ્રાહના , જન્મ પછી તરત જ છુટાં પડી ગયાં હતાં. પરિણામે ઓપ્રાહ માતા-પિતાના સંયુક્ત પ્રેમથી જન્મ સમયથી જ વંચિત રહી. નાનીએ તેનો ઉછેર કર્યો.
પરિણામ એ આવ્યું કે તે નાની ઉંમરે જ પરિપક્વ બની ગઈ. એક તો ગરીબ. ઉપરાંત એવા સમયે જન્મેલી જ્યારે બ્લેક અમેરિકનને નીચલા સ્તરના ગણવામાં આવતા અને તેમના તરફ રંગભેદ રાખવામાં આવતો હતો. તેમાં પણ માતા-પિતાની છત્રછાયા વિનાની એક છોકરી... આ બધાના કારણે એ સમય તેના માટે કેટલો અસુરક્ષિત અને ભયાનક હશે તે જેને અનુભવ થાય તે જ સમજી શકે.
સદનસીબે તે ખૂબ હોશિયાર હતી. ખૂબ જ નાની ઉંમરે તે વાંચવાનું શીખી ગઈ હતી. જ્યારે તે છ વર્ષની હતી, ત્યારે તે મિલવૌકી રહેવા ગઈ, જ્યાં જેને ઝૂંપડપટ્ટી કહેવાય તેવા વિસ્તારમાં રહેવાનો વારો આવ્યો. તેના નસીબમાં એક જગ્યાએ સ્થિર થઈને રહેવાનું લખાયું નહોતું. 12 વર્ષની ઉંમરે, તેને પિતા પાસે ટેનેસીના નેશવિલ જવું પડ્યું.
કિશોરાવસ્થામાં, તે શહેરી મિલવૌકીમાં તેની માતાના ઘરે પાછી ફરી. અહીં 14 વર્ષની ઉંમરે, ઓપ્રાહ પર પરિવારના સભ્યો અને તેના સમુદાયના અન્ય લોકો દ્વારા બળાત્કાર અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ આઘાતજનક અનુભવો, છતાં ઓપ્રાહ દ્રઢ રહી અને તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ રહી.
તેને ‘ટેનેસી સ્ટેટ યુનિવર્સિટી’માં સંપૂર્ણ શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, જ્યાં તેણે સંદેશાવ્યવહારનો અભ્યાસ કર્યો. બળાત્કાર અને જાતીય અત્યાચાર છતાં આવી સફળ શૈક્ષણિક કારકિર્દી ઘડી શકવા તેનું મનોબળ કેટલું મજબૂત હશે! આજે અમથી એવી મુશ્કેલીમાં આત્મહત્યા કરવાના વિચાર કરતા વિદ્યાર્થીઓએ ઓપ્રાહના જીવનમાંથી બોધપાઠ લેવા જેવો છે.
તેણે કોલેજમાં અનેક સફળતાઓ મેળવી, જેમાં વ્હાઇટ હાઉસ યુવા પરિષદમાં આમંત્રણ મેળવવાનો સમાવેશ થાય છે. તેને ‘મિસ ફાયર પ્રિવેન્શન’ નો તાજ પહેરાવવામાં આવ્યો હતો, સ્થાનિક રેડિયો સ્ટેશન પર ન્યૂઝકાસ્ટ વાંચવા માટે રાખવામાં આવી હતી અને તે ‘મિસ ટેનેસી’ અને ‘મિસ બ્લેક નેશવિલ’નો ખિતાબ પણ જીતી હતી. 19 વર્ષની ઉંમરે, વિન્ફ્રેને ટેનેસીના નેશવિલમાં આવેલા સીબીએસ સ્ટેશનમાં પહેલી ટેલિવિઝન જોબ મળી. તે નેશવિલમાં પ્રથમ આફ્રિકન અમેરિકન મહિલા ન્યૂઝ એન્કર બની.
ઓપ્રાહ ટીવી ન્યૂઝ એન્કર તરીકેની ભૂમિકામાં જરાય અનુકૂળ નહોતી અનુભવતી. ઇન્ટરવ્યૂ લેનારાઓ પ્રત્યે તેનો વર્તાવ સહાનુભૂતિપૂર્ણ રહેતો, જેને કારણે તેમના બોસ તરફથી પ્રશંસાને બદલે ટીકા થઈ, પરંતુ આવી ટીકા જ તેના માટે સફળતાની સીડી બની ગઈ. 1984 માં શિકાગોમાં એક 30 મિનિટના મોર્નિંગ ટોક શોના હોસ્ટ તરીકે તેની વરણી થઇ. એક વર્ષની અંદર, આ શો રેટિંગના છેલ્લા સ્થાનથી ટોચ પર પહોંચી ગયો. 1986માં, સુપ્રસિદ્ધ ફિલ્મ વિવેચક રોજર એબર્ટે વિન્ફ્રેને સિન્ડિકેશન દ્વારા રાષ્ટ્રીય પ્રેક્ષકો માટે તેના શોનું લાઇસન્સ લેવા પ્રોત્સાહિત કરી. તેના કાર્યક્રમનું નામ બદલીને ‘ધ ઓપ્રાહ વિન્ફ્રે શો’ રાખવામાં આવ્યું અને તેને એક કલાક સુધી લંબાવવામાં આવ્યો.
32 વર્ષની ઉંમરે, વિન્ફ્રે, રાષ્ટ્રીય સ્તરે પ્રથમ આફ્રિકન-અમેરિકન સિન્ડિકેટેડ ટેલિવિઝન હોસ્ટ બની. તેણે અભિનેત્રી તરીકે ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમાં પણ તે સફળ અભિનેત્રી પુરવાર થઇ. તે જ વર્ષે, વિન્ફ્રેને "ધ કલર પર્પલ” ફિલ્મમાં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે એકેડેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. તેણે ટેલિવિઝન પ્રોડક્શન કંપની ‘હાર્પો ઇન્ક’. પણ શરૂ કરી, જેનાથી તે ખુદના સ્ટુડિયોનું સંચાલન કરનારી પ્રથમ અશ્વેત વ્યક્તિ, અને ત્રીજી મહિલા બની.
રસપ્રદ રીતે તેની કંપનીનું નામ હાર્પો તેના નામના અંગ્રેજી અક્ષરોને ઊંધી બાજુએથી વાંચીએ તો બને છે!
જાતીય દુર્વ્યવહારના પોતાના વ્યક્તિગત અનુભવના કારણે અને દુર્વ્યવહારનો અનુભવ કરનારા અન્ય લોકોને મદદ કરવા માટે- વિન્ફ્રેએ 1991 માં બાળ દુર્વ્યવહાર કરનારાઓના રાષ્ટ્રીય ડેટાબેઝ માટે એક ઝુંબેશ શરૂ કરી. પરિણામે સરકારે તેને સ્વીકૃતિ આપી. ડિસેમ્બર 1993માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ‘ઓપ્રાહ બિલ’ તરીકે ઓળખાતા બિલ પર હસ્તાક્ષર કર્યા. તેના પરોપકારમાં ઉચ્ચ શિક્ષણ માટે દાન કરાયેલા 400 મિલિયન ડૉલરથી વધુનો સમાવેશ થાય છે.
કોવિડ કાળમાં પણ તેણે અમેરિકા અને આફ્રિકામાં 12 મિલિયન ડૉલરની મદદ કરી હતી. 1996માં તેણે પ્રભાવશાળી બુક ક્લબની શરૂઆત કરી. 1998માં, તેણે ‘ઓક્સિજન મીડિયા’ નામની એક પ્રોગ્રામિંગ કંપનીની સહ-સ્થાપના કરી. તેણે આહાર અને કસરત પર અનેક પુસ્તકો સહ-લેખિત કર્યા. હાર્પો દ્વારા, ઓપ્રાહએ તેના ટેલિવિઝન શો, ફિલ્મો અને પુસ્તકોનું નિર્માણ કર્યું. તેણે પોતાનું મેગેઝિન, ઓ, ધ ઓપ્રાહ મેગેઝિન પણ શરૂ કર્યું, જે વિશ્વના સૌથી સફળ મેગેઝિનોમાંનું એક છે.
ઓપ્રાહ વિન્ફ્રે શો 25 વર્ષ સુધી ચાલ્યો અને તે યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ રેટિંગ ધરાવતો ટોક શો હતો. તેના શો દરમિયાન, તેણે જાતિવાદ, ગરીબી અને હિંસા જેવા મહત્ત્વપૂર્ણ વિષયોને પણ આવરી લીધા. એ પછી 2002માં, પહેલી વાર : ‘ટાઈમ’ મેગેઝિનની ટોચના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં તેને સ્થાન મળ્યું. આજ સુધીમાં તેને 10 વખત આ યાદીમાં સામેલ કરવામાં આવી છે.
વિન્ફ્રેએ 2003 માં માત્ર 49 વર્ષની ઉંમરે અબજોપતિનો દરજ્જો મેળવ્યો. ઓપ્રાહ વિન્ફ્રેની કુલ સંપત્તિ 2025 ના અંત સુધીમાં 3.2 બિલિયન ડૉલર હોવાનો અંદાજ છે. ‘ફોર્બ્સ’ની અમેરિકાની ટોચની 100 સૌથી વધુ કમાણી કરતી સ્વ-નિર્મિત મહિલાઓની યાદી અનુસાર, વિન્ફ્રે વિશ્વની સૌથી ધનિક મહિલા નથી, છતાં તે સૌથી ધનિક સ્વ-નિર્મિત મહિલાઓમાંની એક છે.... આમ ઓપ્રાહની અનેકવિધ કામગીરી અને સિદ્ધિઓ પર તો એક પુસ્તક લખી શકાય..
આજે 72 વર્ષની આયુએ પણ ગરીબી, દુર્વ્યવહાર અને ભેદભાવ સહિત, જીવનમાં અનેક અવરોધો સહન કરનાર ઓપ્રાહ તેના ફાઉન્ડેશન અને અંગત રીતે જરૂરિયાતમંદોને ટેકો આપવા માટે પોતાની પ્રતિભા, કુશળતા અને નાણાકીય સેવા પ્રદાન કરવાનું ચાલુ રાખી રહી છે.