Mon May 25 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ સ્ટેગાસ્ટાઇન-ઑલમોસ્ટ કાલ્પનિક લાગતું દૃશ્ય બતાવતો વ્યૂ પૉઇન્ટ...

2026-05-23 08:39:00
Author: Pratiksha Thanki
Article Image

પ્રતીક્ષા થાનકી

હજી ગયા અઠવાડિયે એક સાથે ત્રણ કનેક્ટેડ વિષયો એક સાથે ચર્ચા કરવાનું થયું. એક તો એ હતું કે નૉર્વેનું નૉર્થનું નોર્ધર્નલાઇટ્સ માટે સૌથી ખ્યાતનામ ડેસ્ટિનેશન ટ્રોમ્ઝે એકદમ ઓવરલોડ પર પહોંચી ગયું હોવાના સમાચાર ત્યાં રહેતા મિત્રો પાસેથી અને પછી સોશ્યલ મીડિયા પરથી વિગત સાથે મળેલા. 

બીજી તરફ ખ્યાતનામ અમેરિકન લિટરરી મૅગેઝિન અને મીડિયા આઉટલેટ `ન્યૂયૉર્કર'એ બનાવેલી ડૉક્યુમેન્ટરી `ધ સ્પેક્ટેકલ' જોઈને લોકોનું ફોટા પાડવાનું ઘેલું ખ્યાતનામ કુદરતી દૃશ્યો પર શું અસર કરી રહ્યું છે એ વિચારને નરી આંખે જોવા મળ્યો. અને તેમાં નૉર્વેનાં ઘણાં ડેસ્ટિનેશન શામેલ હતાં. અને ત્રીજી વાત હતી મિત્રો અને કઝિન્સ સાથે હમણાં આ વર્ષે શક્ય હોય એટલું ટ્રાવેલ ન કરવું એની ચર્ચા થઈ. ગયા વર્ષે નૉર્વેનો એક ભાગ જોઈ ચૂકેલી એક મિત્ર ફરી આ વર્ષે સમરમાં નૉર્વેના લોફોટેન આયલૅન્ડ જવા તૈયાર છે. 

વળી સામે યુરોપિયન શહેરો તરફથી એવા પણ સમાચાર આવ્યા કે પ્રવાસ સાવ કૅન્સલ પણ ન કરવા. અંતે કરવું શું એ તો હાલના વૉલેટાઇલ માહોલમાં શક્ય શું છે તેના પર જ આધાર રાખે છે. અમે હજી એ જ વ્યસ્ત અઠવાડિયે ગ્વાટામાલાથી અમેરિકા અને કૅનેડા થઈને પાછાં આવ્યાં છીએ. વચ્ચે ઑફિસની કૉન્ફરન્સ માટે પોલૅન્ડ જવાનું પણ બન્યું, અને હજી પરિવાર સાથે બુડાપેસ્ટ જવાનું પણ પ્લાનમાં છે. 

દુનિયા હવે એ સ્તરે કનેક્ટેડ છે કે કોવિડ જેવી સિચ્યુએશનને બાદ કરતાં સાવ ટ્રાવેલ થંભી જાય એ તો શક્ય નથી લાગતું. ફેબ્રુઆરી-માર્ચમાં યુએઇની ઍરલાઇન્સ ખોરવાઈ હોવા છતાં લોકો તો પોતાના પ્લાન સાથે આગળ વધી જ રહ્યા હતા. જેટ-ફુઅલના કારણે આગળના સમયમાં શું પરિસ્થિતિ ઊભી થાય છે એ પણ જોવાનું રહ્યું. બાકી જ્યાં સુધી દુનિયા ધબકી રહી છે, લોકો જિંદગીમાં એક ખૂણેથી બીજે ખૂણે જવાના રસ્તા શોધી જ લે છે. 

દુનિયા ગમે તેટલી ઊંધીચત્તી થઈ જાય, કુદરતનાં કેટલાંક દૃશ્યો એમનાં એમ જ રહેશે અને કદાચ એવાં દૃશ્યોનો વિચાર કરતી વખતે પણ ખાસ નૉર્વેનાં જ દૃશ્યો ત્યાં ગયેલા કે ન ગયેલા લોકોના મનમાં આવશે. ગયા સમરની ટ્રિપ દરમ્યાન બર્ગનની ચહેલપહેલથી હવે અમે થોડા થાક્યા હતા અને ફરી પાછું યોર્ડ અને પહાડો વચ્ચે પહોંચી જવા માટે અમે તૈયાર હતા. બસ એક કામ બાકી હતું. અમારે નૉર્વેજિયન વાઇન ખરીદવી હતી, અને તેના માટે અમારે બર્ગ્ોનના `વિનમોનોપોલેટ' એટલે કે સરકાર માન્ય લિકર સ્ટોર પર જવાનું હતું. 

નૉર્વેની સરકાર લોકો દારૂ પર કંટ્રોલ રાખે તે માટે છેક 1920ના દશકથી આ વ્યવસ્થા રાખીને બેઠી છે. બાકીના યુરોપ માટે આ ખરેખર અલગ વાત હતી. બર્ગનથી કામ પતાવીને અમે તે દિવસનો અંત એકદમ કુદરતના ખોળે વિતાવવા માટે સજ્જ હતાં. તેના માટે ફરી અમારે તે રિજનના લામને વટાવીને સ્ટેગાસ્ટાઇન વ્યૂ પૉઇન્ટ તરફ જવું હતું.

જો કાર રેન્ટ કરીને કે પછી કોઈ ટૂરિસ્ટ ગ્રુપના ભાગ રૂપે નૉર્વે ન ગયા હો તો સ્ટેગાસ્ટાઈન પહોંચવાનું જરા મુશ્કેલ બની શકે. આ બસ રસ્તામાં આવે છે અને વ્યૂ પૉઇન્ટ પર ઊભા રહીને ફોટો પાડી લઈશું એવું નથી. ત્યાં પહોંચવા માટે એક અલગ કમિટમેન્ટ કરવું જ રહ્યું. અમને પણ ત્યાં પહોંચતાં સુધી ખબર ન હતી કે ત્યાંનો રસ્તો આટલો મજેદાર બની રહેશે. એટલું જ નહીં, થોડા ટર્ન અને ઢાળ પર તો અમે કોઈ અમ્યુઝમેન્ટ પાર્કની રાઈડમાં બેઠાં હોઈએ એવું લાગતું હતું. અને અંતે ત્યાં પહોંચ્યાં ત્યારે ત્યાં એક મોટા રેમ્પ અને પાર્કિંગ સિવાય કશું જ ન હતું. આ આખુંય ઍડ્વેન્ચર આયરલૅન્ડ યોર્ડની આસપાસ ગોઠવાયેલું છે. હવે ત્યાં પહોંચવામાં આયરલૅન્ડનાં કર્વ્સ અને વ્યૂઝથી તો અમે પરિચિત થઈ જ ચૂક્યાં હતાં. 

હવે 30 મીટર લાંબા આ રેમ્પ પર અમે યોર્ડ અને પહાડ વચ્ચે ક્યાંક અટકી ગયાં હોઈએ એવું લાગતું હતું. અમે બરાબર સનસેટ જોવા ત્યાં પહોંચી ચૂક્યાં હતાં. તે જ સમયે વાદળોએ પણ સૂરજને ઢાંકવાથી બ્રેક લીધો હતો. જોકે હાઇટ પરથી થોડાં વાદળો પહાડોની વચ્ચે ગોથાં ખાઈ રહ્યાં હતાં. તે સફેદ વાદળ હતાં કે ફૉગ તે નક્કી થઈ શક્યું નહીં. તે સમયે રેમ્પ પર અમારા સિવાય એક જર્મન કપલ હતું. 

કોલોનનું એ કપલ પોતાના એક વર્ષના દીકરા સાથે કેમ્પર વૅનમાં નૉર્વે ફરવા નીકળેલું. તેમની સાથે અમે આઇટનરરી સ્વેપ કરી. એક મોટું ફૅમિલી રેમ્પનો હિસ્સો પચાવીને ફોટા પાડવામાં વ્યસ્ત હતું. હું તો સાઇડ પરનો વ્યૂ પકડીને ઊભી રહી ગઈ હતી. સાવ રેમ્પના અંત સુધી જઈને ખાલી જગ્યા શોધવાની કોઈ જરૂર પણ ન લાગી. ત્યાં કલાકો સુધી કોઈ અવાજ કે કોઈ ડિસ્ટર્બન્સ વિના રહી શકાય તેમ હતું. અમે ખપ પૂરતા ફોટા લીધા અને શાંતિથી માહોલને માણ્યા કર્યો. નૉર્વેમાં સમરમાં એ જ તો છે. એક સુંદર દૃશ્યને પકડો અને તેની સાથે તમારા વિચારોને પાટે ચઢાવો. નૉર્વેનાં ઘણાં દૃશ્યોને તાક્યા કરવામાં જ મેડિટેશન થઈ જતું હોય તેવું લાગવા માંડ્યું હતું. 

આ રેમ્પ સુધી હાઈક કરીને આવનારા લોકો પણ છે. અહીં આ દૃશ્ય જોવા કેમ્પિગ કરીને રહેનારા અનુભવી પ્રવાસીઓની તે દિવસે ઈર્ષ્યા થતી હતી. એ બધા વિચારો વચ્ચે એ પણ પ્રશ્ન થતો હતો કે આ દૃશ્યો, એ વ્યુ, ખરેખર એ-આઈ જનરેટેડ કે આર્ટિફિશિયલ જ લાગે તો નવાઈ નહીં. આ રેમ્પ હજી 2006માં જ બાંધવામાં આવ્યું છે. તે પહેલાં અહીં માત્ર કૅમ્પર અને હાઇકરને જ મજા કરવા મળતી હતી. હવે આ જ વ્યુને વિન્ટરમાં જોવાની લાલચ થઈ આવતી હતી. નૉર્વેમાં કુદરતી દૃશ્યોની જાણે લત જ લાગી જાય તેવું હતું.