Wed Jul 29 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઆલ્નેસ લાઇટહાઉસમાં કુદરત ને આર્ટની કૉમ્પિટિશન...

2026-07-11 08:45:00
Author: Pratiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

નૉર્વે એક પછી એક શહેર અને ગામ સાથે વ્યૂ જનરેટિગ મશીન જેવું લાગવા માંડ્યું હતું. જે પણ દિશામાં જુઓ તે સુંદર હશે કે નહીં તેની કોઈ ચર્ચા પણ બાકી રહેતી નહોતી. તેમાંથી પેટ્રોલ પંપ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશનો પણ બાકાત ન હતાં અને એવાં દૃશ્યોની વચ્ચે રહીને પણ તેની એવી આદત પડી જાય કે પછી માણસને પોતે જે સ્થળે છે તે કેવું દેખાય છે તેની અવેરનેસ બે-ત્રણ દિવસમાં તો જતી જ રહે છે. 

એવામાં પોતાને એ પરિસ્થિતિથી બહાર કાઢવા સતત અણધાર્યાં દૃશ્યોનો ઝટકો આપ્યા કરવાનું જરૂરી બનતું જાય. આલેસુન્ડનો પેનોરમા વ્યૂ અને ત્યાંનું હાર્બર જ કોઈને પણ તે દિવસે ફયોર્ડને ખોળે વસેલું તે સુંદર શહેર જોઈને ધરાઈ ગયાં એવો સંતોષ આપી શકે, પણ જ્યારે ત્યાં સૂર્ય આથમતો ન હોય અને બધાં એનર્જીથી અધીરાં ગાડીમાં પાછાં બેસી ગયાં હોય, પછી નજીકમાં વધુ એક સ્થળ આપોઆપ નીકળી આવતું હોય તેવું લાગે. 

આલ્નેસ લાઇટહાઉસનો રૂટ આલેસુન્ડથી ઘણો સરળ લાગતો હતો. માંડ ત્રીસેક મિનિટની ડ્રાઇવ હતી. ફરી એક પછી એક ટનલ આવવાની ચાલુ થઈ અને લાગ્યું કે જાણે ટનલનો કોઈ અંત જ નહીં આવે. વળી ટનલની બહાર બંને તરફ દરિયો કે યોર્ડ હાજર હતાં. છતાંય ક્યાંય દૂર સુધી લાઇટહાઉસ નજરે નહોતું પડતું. અંતે ગોડોયા ટાપુનું પાર્કિંગ આવી ગયું પણ લાઇટહાઉસને હજી ચાલીને શોધવું પડે તેવું હતું. 

જોકે ત્યાં લાઇટહાઉસની દિશામાં જતાં તે ટાપુ જેવા વિસ્તારનો વ્યૂ ફરી પાછાં કોઈ કોમ્પ્લેસન્ટ પ્રવાસીને હચમચાવી દે તેવાં હતાં. આવી જગ્યાએ માણસ મેડિટેટ કરવા પહોંચી જાય તો બાકીની દુનિયા ક્યાંય ભૂલીને જાણે કુદરત સાથે એક થઈ જઈ શકે. તેમાંય લાઇટહાઉસ દેખાયા પછી તો લાગ્યું કે અહીં માત્ર આ સમયે બહારથી જોઈને કામ નહીં ચાલે. તેને અંદરથી જોવા દિવસ દરમ્યાન પાછું આવવું પડશે. 

સૂર્ય ન આથમવાની એક ઇફેક્ટ એ હતી કે અમે ભૂલી જતાં હતાં કે રાત્રે સાડાદસ વાગ્યે ઑફિસ અવર્સમાં ચાલતી ઇમારતો ખુલ્લી ન હોય. આ કોઈ નાનકડું મોન્યુમેન્ટ ન હતું. અંદર આર્ટથી માંડીને ત્યાંનો ઇતિહાસ અને વારસો ઘણી માવજતથી લોકો સામે પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. વળી આ લાઇટહાઉસ અમારા તે સમયના ટેમ્પરરી ઘરથી ખાસ દૂર ન હતું, અમે ફરી દિવસમાં ત્યાં જવા માટે સજ્જ હતાં. અને અંદર સ્થાનિક કલાકારોનું સર્જન અહીં પાછું આવવા માટે જરૂર પ્રેરણા આપે તેવું હતું. 

અમે ત્યાં દિવસની બીજી મુલાકાત દરમ્યાન 22 મીટર ઊંચા ટાવરની ચઢાઈથી શરૂઆત કરી. ઉપર કુદરતના વ્યૂ સાથે લોકલ આર્ટને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. આટલે ઊંચેથી જ્યાં અનંત દરિયાનો વ્યૂ હોય ત્યાં પેઇન્ટિગ કરવા માટે લોકો પ્રેરાય તે સમજી શકાય તેવું હતું, પણ તે સમયે બીજા કલાકારોનાં પેઇન્ટિગ જોવા માટે એક સમયે તો કલાકારને કુદરતની સામે ત્યાંનાં મુલાકાતીનું ધ્યાન ખેંચવા માટે કૉમ્પિટિશનમાં રાખવામાં આવી હોય તેવું લાગતું હતું. જોકે અમે પણ આજના જમાનાનાં ડિસ્ટ્રેક્ટેડ ટૂરિસ્ટ છીએ, એટલે થોડી વાર થાય અને બધાંનો અટેન્શન સ્પેન કુદરત હોય કે આર્ટ, કશુંક નવું જોવા માટે અલગ દિશામાં જોયા કરતો હતો. 

રેડ ઍન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ્સવાળું લાઇટહાઉસ તેનાં લોકેશનના કારણે વધુ જાણીતું બન્યું હતું. અહીં નાનકડા ફિશિંગ વિલેજ ગોડોયામાં આમ તો છેક 1851થી લાઇટહાઉસ બંધાયેલું હતું. તે લાકડાની નાનકડી દીવાદાંડીથી આજના કૉર્પોરેટ લાઇટહાઉસ સાથે આર્ટ ગૅલેરીનું સ્વરૂપ કઈ રીતે પામ્યું તે પણ મજાની ઐતિહાસિક વાત છે. લાઇટહાઉસની હિસ્ટ્રી માટે ત્યાં અંદર જ એક અલગ પરમેનેન્ટ એક્ઝિબિશન છે. 

મજાની વાત છે, અહીં ગામના ડેવલપમેન્ટની સાથે સાથે લાઇટહાઉસનું પણ કૉર્પોરેટ સ્ટાઇલ ડેવલપમેન્ટ થયું હોય તેવું લાગતું હતું. અંદર એક મજેદાર કાફે પણ હતું જ અને ત્યાંની લાઇટહાઉસ કેક ત્યાં બેસીને ખાવા માટે કે સુવિનિયર તરીકે સાથે લઈ જવા માટે વેચાતી હતી. ઘણાં જાણીતાં લાઇટહાઉસને હવે હોટલમાં પણ પલટવામાં આવ્યાં છે, પણ આ આલ્નેેસ લાઇટહાઉસ જાણે મલ્ટી ટાસ્ક કરવા માટે એક્સપર્ટ હોય તેમ અલગ અલગ પ્રવૃત્તિઓથી ભરેલું હતું.

અત્યાર સુધીમાં જ્યારે પણ કોઈ લાઇટહાઉસ ગયેલાં, તેનો બહારથી ફોટો પાડી, તેની સાથે ફોટો પાડીને ત્યાંથી ચાલતી પકડી હતી. આ પહેલી વાર એવું બન્યું હતું કે ક્યાંક લાઇટહાઉસની અંદર આટલો બધો સમય વિતાવ્યો હોય. લોકોને રસ પડે તેવો માહોલ બનાવવાનું આ ઝાંકીએ એવું શીખી લીધું છે કે આલ્નેસ નૉર્વેનું સૌથી લોકપ્રિય લાઇટહાઉસ બની ગયું છે. અને મજાની વાત છે કે આજની જીપીએસ સિસ્ટમના કારણે તેનો લાઇટહાઉસ તરીકે ઉપયોગ થતો નથી, છતાં પણ તેને બૅક-અપ સિસ્ટમ તરીકે ઍક્ટિવ રાખવામાં આવ્યું છે. 

આજે પણ આ લાઇટહાઉસની લાઇટ રાતના શિયાળામાં જ્યારે અંધારું થાય છે ત્યારે દરિયાના પાણીને ચમકાવતી હોય છે. અને સાથે આ નાનકડા ગામને વધુ રસપ્રદ બનાવતી હોય છે. હવે એ તો માત્ર કલ્પના જ કરવાની રહી કે નૉર્ધર્ન લાઇટ્સની સાથે આ લાઇટહાઉસ કેવું લાગતું હશે. 

આ ટચૂકડું ગામ પણ તેનાં રંગીન ઘરો સાથે પોતાની અલગ ઓળખ બનાવીને બેઠું હતું. જ્યાં પણ જુઓ ત્યાં ફોટોજેનિક ઘરોની હારમાળા કાં તો દરિયાનું કાં તો લાઇટહાઉસનું બૅકગ્રાઉન્ડ બનાવીને ગોઠવાયેલી હતી. અમે ત્યાં સંતોષ થાય એટલો સમય વિતાવ્યો. નૉર્વેમાં  ક્યાંય હડબડી કરવાનું બનતું જ ન હતું. જાણે આખો દેશ સ્લો ટ્રાવેલને પ્રોત્સાહન આપતો હોય તેમ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. હવે અમારે નાટકીય ટ્રોલ ટૂન્ગા પાસ જવાનું હતું.