Sat Jun 27 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ શુહોલ્ટ-શાંતિ ને સાદગી વચ્ચે કુદરતનું આર્ટ એક્ઝિબિશન...

2026-06-27 08:58:00
Author: Pratiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

નોર્વેના આલેસુન્ડ તરફ જતા પહેલાં અમારે બે રાત એક ફ્યોર્ડના કિનારે જરા જુનવાણી વિલામાં રિલેક્સ કરતાં કરતાં ગાળવાનો પ્લાન હતો. ભારતીય મૂળનાં પ્રવાસીઓ કેટલું રિલેક્સ થઈ શકે તે પ્રશ્ન તો ખરો જ. અમે લોકો ગાઇરેન્ગરના હેન્ગઓવરમાં જ વધુ એક ફેરીમાં ગાડી ચઢાવવા માટે લાઈનમાં ઊભાં હતાં. ફેરી ઊપડવામાં સમય હતો. હજી ફેરી આવવામાં પણ ઘણી વાર હતી. 

અમે સ્થાનિક નાસ્તાને રીફિલ કરવાનાં મૂડમાં આવી ગયાં. આનલ, આર્યા અને હું નજીકમાં જ એક ગ્રોસરી સ્ટોર પહોંચ્યાં. નક્કી કરીને નીકળેલાં કે થોડાં કેળાં, ચિપ્સ, બીજું કોઈ ફ્રૂટ લઈને ફટાફટ પાછું ભાગવું એવી વાત હતી. કુમાર અને જીગર કારને ફેરીમાં પ્રવેશવાની લાઈનમાં ઊભા હતા. હજી અમે માંડ એક-બે ચીજો હાથમાં લઈ શકીએ તે પહેલાં તો તે બંનેના ફોન આવી ગયા, ફેરીમાં પ્રવેશવાની લાઈન ખુલ્લી છે, એ લોકો સાઇડ પર ઊભા છે, જલદી જ ફેરી જતી રહેશે. 

અમે ફટાફટ બિલ કરાવીને દોડ લગાવી. જે રસ્તે આવ્યાં હતાં એ જ રસ્તો પાછો લીધો. સાથે જીપીએસ ચાલુ હતું તે એક શોર્ટકટ બતાવતું હતું, પણ તે સમયે નવો રસ્તો ટ્રાય કરવાનો અખતરો કરવા જેવું ન હતું. એવામાં હાંફતાં હાંફતાં અમે પહોંચ્યાં ત્યારે હજી ફેરી નીકળી ન હતી, પણ હવે સાઇડમાંથી અંદર જવા માટેની લાઈન વધુ મોટી થઈ ગઈ હતી. આઇડ્સડાલ ફેરી સ્ટેશન પર અચાનક જ જાણે ઘણાં લોકોને સામેની બાજુ જવાની ઉતાવળ આવી ગઈ હોય તેવું લાગ્યું. 

અમને ઉતાવળ એ હતી કે જો આ ફેરી ચાલી જશે તો અમને સાંજે મજેદાર વિલા પર મજા કરવામાં ઓછો સમય મળશે. પાંચેક મિનિટ માટે તો એવું લાગ્યું કે થોડો નાસ્તો લેવાનો છેલ્લી ઘડીનો નિર્ણય અમને તે રાતના ઘરે પહોંચવામાં બે કલાક મોડાં પાડી દે તેમ હતું. અને અમે માની લીધું કે હવે અહીં ક્યાંક આઇડ્સડાલમાં જ જમવા માટે રોકાઈ જઈશું, ત્યાં અમારા માટે ફેરીમાં જવાનો રસ્તો ઓપન થયો. અમે અંદર છેલ્લાં હતાં. 

દિવસ દરમ્યાન ફેરીની ઘણી ફ્રિકવન્સી હતી, પણ સાંજ પડ્યે લોકો પોતપોતાનાં ઘરે કે હોટલ પર પહોંચી જતાં એવું માનીને દર બે કલાકે બોટની વ્યવસ્થા હતી. અમે એક વાર અંદર પહોંચી ગયાં પછી તો હાંફી ગયેલાં એ ક્યાંય ભુલાઈ ગયું. તે પછી સાથે લાવેલી ચિપ્સ જ યાદ આવી.

અમે સાંજે આલેસુન્ડના રસ્તામાં આવતાં એક નાનકડાં ગામમાં જવાનાં હતાં. ત્યાં પહોંચવાનો રસ્તો પણ જાણે કોઈ અલગ દુનિયા તરફ જતો હોય તેવું લાગ્યું. એક તરફ હરિયાળી અને બીજી તરફ યોર્ડ, જ્યાં જુઓ ત્યાં કુદરત પોતાનું આગવું એક્ઝિબિશન લગાવીને બેઠું હોય તેવું લાગતું હતું. શુહોલ્ટ ગામ આવ્યું એટલે લાગ્યું કે આ ગામ ધાર્યું હતું એટલું નાનું પણ નથી. 

વિલાના માલિકે વ્યવસ્થા ગોઠવેલી કે અમારે ચાવી લેવા માટે ગામના એક માત્ર કાફે જવાનું હતું. તે કાફે પર જઈને કાઉન્ટર પર કહ્યું કે અમે આવી ગયાં છીએ. એટલે પાંચેક મિનિટમાં તે ભાઈની ગાડી પણ આવી અને અમને ચાવી મળી. તેઓ સાથે પણ આવ્યા અને અમને આખો વિલા બતાવ્યો. 

પાંચ જણાં માટે સાત બેડરૂમનો વિલા જરા વધુપડતો મોટો પડશે તેવું લાગતું હતું, પણ બધું ઠંડીમાં કોમ્પેક્ટ રહે તેવું નાનકડું હતું. બસ પેટિયો ભવ્ય હતો. બરાબર યોર્ડ પર ખૂલતો પેટિયો અને કોઈ બીચ હાઉસ જેવું ડેકોરેશન અમને એવું મજાનું લાગ્યું કે પહેલાં તો એવી વાત થઈ કે પછીના દિવસે આલેસૂન્ડ જવાનો પ્લાન કાપીને ત્યાં જ રોકાઈએ. યોર્ડમાં ડૂબકીઓ મારીએ, નાનકડી બોટ રાઇડ લઈએ અને નક્કી કર્યું હતું તે મુજબ ખરેખર રિલેક્સ થઈએ. 

આમ પણ અહીં રાત તો પડતી ન હતી. તે સાંજે જમીને અમે ગામમાં આંટો મારવા નીકળ્યાં. એક બ્રિજ, એક નાનકડું બોટ પાર્કિંગ, થોડી દુકાનો, ઘણાં હોલીડે હોમ્સ અને એક નાનકડી હાઈક ટે્રઇલ, જ્યાં ઓપનઍર મ્યુઝિયમ માટે ખુલ્લા આકાશ નીચે શિલ્પો ગોઠવવામાં આવ્યાં હતાં. ત્યાં બસ ચાલ્યા જ કરીએ એવું મન થતું હતું. થોડી જ વારમાં એક હટ આવી. ત્યાં બેસીને વાંચવા માટે ઓશિકાં પણ ગોઠવેલાં હતાં. જ્યાં નજર પડે ત્યાં ગ્રિલ કરવા, પિકનિક કરવા, વાંચવા કે ક્રાફ્ટ માટે કામ લાગે તેવી ચીજો ગોઠવેલી દેખાતી હતી. 

અહીંની સ્થાનિક મ્યુનિસિપાલટીઓ પાસે પણ ઘણું બજેટ હતું, તે સ્પષ્ટ નજરે પડતું હતું. બાકી આ તો હાઇવે ટચ એક નાનકડું ગામડું હતું. ગામની વસતી 900 જેટલી માંડ હતી. તેમાં બે દિવસ માટે પાંચ લોકોનો આંકડો વધી ગયો હતો. અને આ પાંચેયને ગામ છોડીને જવાની ખાસ ઇચ્છા ન હતી. 

અમે રાત્રે સાડા બારે આંટો મારીને ઘરે પાછાં આવ્યાં ત્યારે સૂરજ ઊગતો હતો કે આથમતો હતો તે સમજાયું નહીં. અમે સમજવાનો પ્રયત્ન પણ હવે છોડી દીધો હતો. અહીં ઉનાળામાં રાત્રે અંધાં જોઈએ તો જાતે જ કરવું પડે. વગડા અને યોર્ડ વચ્ચે એક ચર્ચ કે મોનાસ્ટરી જેવી ઇમારત પણ દેખાઈ. આ નાનકડા ગામ માટે તો એ જ ચર્ચ હતું, એ જ સરકારી ઓફિસ અને ત્યાં જ કલ્ચરલ સેન્ટર પણ હતું.

શુહોલ્ટ અમને આટલું ગમી જશે તે ધાર્યું ન હતું. અમારા માટે તે ગામ માત્ર આલેસુન્ડ અને ટ્રોલ ટૂન્ગા જેવી સાઇટ્સ માટે સેન્ટ્રલ લોકેશન બની રહેશે એમ માની ને ત્યાં રોકાયાં હતાં. અને હવે ત્યાં એવી મજા આવી ગઈ હતી કે એક પ્લાન તો એવો બન્યો કે જ્યારે પણ નોર્વે આવીએ ત્યારે આ ઘરમાં તો જરૂર રોકાવું એ નક્કી થઇ ગયું. 

શુહોલ્ટ જાણે અમને બાકીનું નોર્વે એક્સપ્લોર કરવા પુશ કરી રહ્યું હોય તેમ બીજા દિવસે સવારમાં એવો વરસાદ પડ્યો કે ત્યાં ઘરમાં બેસી રહેવામાં કોઈનું મન ન માન્યું. તેમાંય વેધર ફોરકાસ્ટ જોયું તો આલેસુન્ડમાં કોરો દિવસ હતો. હવે તો અહીંથી નીકળ્યે જ છૂટકો. આલેસુન્ડ તરફ જતાં જ ત્યાંના અનુભવોમાં શુહોલ્ટની સાદગી ક્યાંય ભુલાઈ ગઈ.