નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં E20 પેટ્રોલ મુદ્દે એન્જિનમાં ખામી થશે તો, ગાડીમાં મુશ્કેલી થશે કે નહીં, લાંબા સમય સુધી આની પ્રાપ્યતા રહેશે કે નહીં એવા અનેક સવાલ ચર્ચામાં છે. આ વિષય પર કેટલાક દાવાઓ પણ થઈ રહ્યા છે. દાવાના આ માહોલ વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ એક મહત્ત્વની ચોખવટ કરી દીધી છે. ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પર સવાલ કરતા તેમણે કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. દાવાઓનો જવાબ આપતા મુદ્દાસર વાત કરી હતી.
મંત્રીએ કર્યો મહત્ત્વનો સવાલ
એક સવાલથી શરૂઆત કરતા મંત્રીએ કહ્યું હતું કે, એક એવી કાર જણાવો જેમાં ફ્યૂઅલના કારણે કોઈ સમસ્યા આવી હોય? વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત ગડકરીએ કહ્યું હતું કે, કોલસો, પેટ્રોલ તથા અન્ય સામગ્રી પર નિર્ભરતા હોવી એ આર્થિક રીતે બોજા સમાન છે. આ કારણે ફ્યૂઅલની આયાત કરવી વાર્ષિક ધોરણે 22 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાવે છે. આ મુદ્દો પર્યાવરણ માટે પણ જોખમ ઊભું કરે છે.
આ માટે દેશની પ્રગતિને ધ્યાને લઈને સ્વચ્છ અને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો હવે અનિવાર્ય થઈ રહ્યો છે. મંત્રીએ પોતાની વાત આગળ કરતા ઉમેર્યું કે, E20 પેટ્રોલના કારણે કોઈ કારમાં મુશ્કેલી આવી હોય, કોઈ સમસ્યા પેદા થઈ હોય એવો કોઈ મામલો સામે આવ્યો નથી.
દેશમાં કોઈ એવી કાર છે જેમાં E20 પેટ્રોલનો ઉપયોગ સામે કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય? એક કારનું નામ મને આપો. દેશમાં ઈથેનોલની માત્રા વધારે છે.મકાઈમાંથી ઈથેનોલ બનાવવાનું કામ ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતો કરી રહ્યા છે. આ કારણે આ ખેડૂતોને 45000 કરોડની આવક થઈ છે. ગડકરીએ ઉમેર્યું હતું કે,જ્યારે મકાઈમાથી ઈથેનોલ બનાવવાનો નિર્ણય કર્યો તો મકાઈની માર્કેટ પ્રાઈસ 1200 રૂપિયાથી 18000 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતી.
ખેડૂતોને આ રીતે થયો ફાયદો
આ નિર્ણય બાદ મકાઈની કિંમતમાં વધારો થયો હતો. 2800 રૂપિયા પ્રતિ કિવંટલ ભાવ થતા ખેડૂતોને ભાવમાં ફાયદો થયો. હવે ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોના ખિસ્સામાં એક મોટી રકમ આવી રહી છે. ઉચ્ચ ઈથેનોલ મિશ્રણ સાથે પેટ્રોલના અમલીકરણ અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ એક ઝુંબેશ શરૂ કરાઈ છે. ભારતે 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનો લક્ષ્યાંક પહેલાથી જ પ્રાપ્ત કરી લીધો છે.
આનાથી આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા ઓછી થઈ છે અને કાર્બન ઉત્સર્જન ઓછું થયું છે. ઇથેનોલ શેરડી, મકાઈ અથવા ચોખા જેવા બાયોમાસમાંથી ઉત્પન્ન થાય છે. આ જવાબ પછી અને ખેડૂતોને મળી રહેલી રકમ બાદ કેટલાક દાવાઓની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. ખાસ કરીને કાર કે ગાડીઓમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને કેટલાક દાવાઓ પર કાયમી ધોરણે વિરામ મૂકાઈ ગયો હતો. હકીકત એ પણ છે કે, હજું પરીક્ષણ તબક્કામાં આ તત્ત્વ પર આવનારા દિવસોમાં સારૂ પરિણામ આવશે તો મોટો ફાયદો થશે.