નવી દિલ્હીઃ નેપાળમાં ભયાનક પૂરના 14 દિવસ બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. હવે બચાવ ટુકડીનું સૌથી વધારે ધ્યાન 3 હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા ડઝનો કર્મચારીઓને સુરક્ષિત બહાર નીકાળવા પર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરંગોમાં અંદાજે 121 કર્મીઓ ફસાયા હોવાનું અનુમાન છે. સુરંગોમાં પાઇપ દ્વારા સતત ઓક્સિજન પહોંચાડાઇ રહ્યો છે.
રોઇટર્સના અનુસાર પૂર અને ભૂસ્ખલનથી નેપાળના 9 જિલ્લામાં 11 હાઇડિલ પરિયોજના પ્રભાવિત થઇ છે. જેમાં રસુવા સ્થિત અપર ત્રિશૂલી પરિયોજના 3એ અને 3બી સામેલ છે. આ પરિયોજના સાથે જોડાયેલી સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓને ઝડપથી બહાર નીકાળવા બચાવ ટુકડીઓની સૌથી મોટી પ્રાથમિકતા છે.
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહીનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે. અત્યાર સુધી 1357 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 5326 લોકોને શોધવાનું કામ ચાલુ છે.
રાહત અને બચાવ દળોએ અત્યાર સુધીમાં 13,583 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. સૌથી વધુ 363 શબ ચિતવન જિલ્લામાંથી મળ્યા છે. તિબેટ ક્ષેત્રમાં પણ પૂરના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 43 શબ બહાર કાઢવામાં આવ્યા છે અને લગભગ 500 લોકો હજુ પણ લાપતા છે.
169 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા
પીટીઆઈ (PTI)ના જણાવ્યા અનુસાર, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આપત્તિમાં ફસાયેલા 169 ભારતીયોને નેપાળથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, 275 ભારતીયો હજુ પણ લાપતા છે. આમાં તિબેટ ક્ષેત્રમાં લાપતા થયેલા 49 ભારતીયો પણ સામેલ છે.
તેમણે જણાવ્યું કે ભારત, ચીન અને નેપાળમાં સ્થાપિત કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. ભારત નેપાળને માનવીય સહાય પહોંચાડતું રહેશે. અત્યાર સુધી સાત વિમાનો દ્વારા 95 ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે.
આપત્તિમાં માર્યા ગયેલા લોકોની ઓળખ માટે ભારતીય ફોરેન્સિક ટીમ પણ કામ કરી રહી છે. જયસ્વાલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 1,200 ડીએનએ (DNA) નમૂના કાઠમંડુની બે પ્રયોગશાળાઓમાં જમા કરવામાં આવ્યા છે.
પુલ અને રસ્તાઓનો સંપર્ક પુનઃસ્થાપિત કરવો એક મોટો પડકાર
IANSના જણાવ્યા અનુસાર, પૂરથી નેપાળના માર્ગ અને પુલોના માળખાને પણ ભારે નુકસાન થયું છે. રસુવા અને ચિતવનમાં 41 પુલો તણાઈ ગયા છે, જ્યારે અન્ય ચાર ક્ષતિગ્રસ્ત થયા છે. મોટા પ્રમાણમાં રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. તેના પુનઃનિર્માણ પાછળ આશરે 50 અબજ નેપાળી રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.