Mon Oct 05 2026

Logo

હેં... ખરેખર!: વડક્કુન્નાથનના રહસ્યમય ‘ધી-લિંગમ’ વિશે માની ન શકાય એવી હકીકત છે...

2026-10-04 07:58:00
Author: Praful Shah
હેં... ખરેખર!: વડક્કુન્નાથનના રહસ્યમય ‘ધી-લિંગમ’ વિશે માની ન શકાય એવી હકીકત છે...

 

 

 

- પ્રફુલ શાહ

 

ભારતમાં મંદિરોની વિશિષ્ટતાનો પાર નથી. આમાંથી અમુક ઘટના અતૂટ શ્રદ્ધાના પ્રતીક છે, તો ક્યાક વિજ્ઞાન અને તર્ક તાળો મેળવી શકતા નથી. આવો જ કિસ્સો ત્રિશૂર(જૂનું નામ ત્રિચુર કે થ્રિસુર)ના શિવલિંગનો છે. કેરળના જિલ્લા અને મુખ્ય મથક ત્રિશૂરની અનોખી ઘટના જાણવા- સમજવાલાયક છે.

આ મંદિર થ્રિસુર શહેરની મધ્યમાં આશરે નવ એકર વિસ્તારના હરિયાળા પરિસરમાં આવેલું છે. મંદિર પરિસરમાં ચાર દિશામાં ગોપુરમ, મુખ્ય શિવ મંદિર ઉપરાંત શંકરનારાયણ અને શ્રીરામનાં મંદિરો પણ છે. 

 

અહીંનાં પ્રાચીન ભીંતચિત્રોમાં મહાભારતના પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે. 

 

 કેરળના ત્રિચુર (થ્રિસુર) શહેરમાં આવેલું શ્રી વડક્કુન્નાથન મંદિર અદ્ભુત અને રહસ્યમય પરંપરા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. આ મંદિર સાથે જોડાયેલી ખાસ અને રસપ્રદ બાબતો ઘણી છે. 

 

શ્રી વડક્કુન્નાથન મંદિરમાં સદીઓથી શિવલિંગ પર સતત ઘીનો અભિષેક કરવામાં આવે છે. વર્ષોથી ચડાવાતા આ ઘીના કારણે હવે તો મૂળ શિવલિંગ દેખાતું ય નથી. શિવલિંગને સ્થાને 16 ફૂટ ઊંચો ઘીનો મોટો ઢગલો કે પહાડ દેખાય છે.

 

વધુ મોટું આશ્ર્ચર્ય હવે આવે છે. કેરળની ભયંકર ગરમી અને મંદિરના ગર્ભગૃહમાં સળગતા સેંકડો દીવાઓની ગરમી છતાં ય આ ઘી ક્યારેય પીગળતું નથી. એટલું જ નહિ, કોઈ દુર્ગંધ આવતી નથી. સામાન્ય સંજોગોમાં ઘી લાંબો સમય ખુલ્લું પડી રહે તો બગડી જાય છે અને તેમાંથી વાસ આવવા લાગે છે. 

 

જોકે શ્રી વડક્કુન્નાથન મંદિરમાં સદીઓ જૂના ઘીમાંથી પણ કોઈ જ પ્રકારની દુર્ગંધ આવતી નથી. આ માટે એક પૌરાણિક માન્યતા પ્રચલિત છે. આ મંદિર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામે બનાવ્યું હતું. શા માટે? એક કથા અનુસાર અર્જુન સાથેના યુદ્ધમાં મહાદેવને થયેલા ઘા પર ઠંડક આપવા માટે પરશુરામે શિવલિંગ પર ઘી લગાવ્યું હતું, ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. એક અન્ય લોકમાન્યતા પ્રમાણે ભગવાન શિવે કિરાત (અર્થાત શિકારી) સ્વરૂપે અર્જુનને પાશુપતાસ્ત્ર આપ્યું હતું. બંને વચ્ચે થયેલા સંઘર્ષમાં અર્જુનના બાણથી શિવને ઈજા થઈ. ઈજાના ઉપચાર માટે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ત્યારથી અહીં શિવલિંગ પર ઘીનો અભિષેક મુખ્ય ઉપાસના બની ગયો એવી પરંપરા કહેવાય છે. 

 

એવું પણ મનાય છે કે આ ઘીનો પહાડ બરફથી ઢંકાયેલા કૈલાશ પર્વતનું પ્રતિનિધિત્વ કરે છે. આ શિવલિંગ પર ચડાવાતા ઘીને એકદમ પવિત્ર પ્રસાદ ગણાય છે. આ ઘીમાં ચમત્કારી ઔષધીય ગુણો હોવાનું મનાય છે. આ ઘીથી ઘણી બીમારીઓ મટતી હોવાની શ્રદ્ધા છે. ખરેખર, આ ભારતનું એકમાત્ર શંકર મંદિર છે કે જ્યાં ભક્તોને મૂળ શિવલિંગના દર્શન જ નથી થતા, પરંતુ ફક્ત ઘીના પહાડ સ્વરૂપે જ મહાદેવ પૂજાય છે.

 

 વડક્કુન્નાથનના રહસ્યમય ‘ધી-લિંગમ’ મંદિરે સામાન્ય શિવમંદિરોની જેમ અહીં ભક્તોને શિવલિંગ સીધું દેખાતું નથી. શિવલિંગ પર ઘીથી અભિષેક કરવાની પરંપરા પેઢીઓથી ચાલી આવે છે. વર્ષો-વર્ષના આ નિત્ય ઘી-અભિષેકથી ઘીનું વિશાળ આવરણ બનતું ગયું છે અને આજે તે એક વિશાળ ઘીના પર્વત જેવા આકારમાં દેખાય છે. વિવિધ સ્ત્રોતોમાં તેની ઊંચાઈ આશરે 16 ફૂટ (4.9 મીટર) જણાવાય છે. 

 

પરંપરાગત માન્યતા મુજબ ઘીથી ઢંકાયેલું આ સ્વરૂપ બરફથી ઢંકાયેલા કૈલાસ પર્વતનું પ્રતીક છે અર્થાત્ શિવનું નિવાસસ્થાન.

 

ઘીના આ પર્વત ઉપર સોનાના તેર અર્ધચંદ્રાકાર અલંકાર અને ત્રણ નાગફણાં જોવા મળે છે. 

 

પરંપરાગત કેરળ શૈલીના સ્થાપત્યનું પણ આ મંદિર ઉત્તમ ઉદાહરણ છે. લાકડું, પથ્થર, ઢોળાવવાળી છત અને સુંદર કોતરણી તેની વિશેષતા છે. 

 

આ મંદિર સાથે સૌથી વધુ પ્રસિદ્ધિથી જોડાયેલો ઉત્સવ છે થ્રિસુર પુરમ. એપ્રિલ-મે દરમિયાન યોજાતો આ ભવ્ય ઉત્સવ શણગારેલા હાથીઓ, છત્રોની અદલાબદલી, ચેંડા સહિતના પરંપરાગત વાદ્યો અને આતશબાજી માટે જાણીતો છે. 

 

આ મંદિરને યુનેસ્કોની પ્રશંસા પણ મળી છે.