Tue Oct 06 2026

Logo

વલો કચ્છ: ત્રણ મહિનાની મહેનત ને ગજી સિલ્ક પર કંડારાયેલો રાષ્ટ્રીય અવૉર્ડનો અમર ઇતિહાસ

2026-10-04 08:05:00
Author: Giriraj
વલો કચ્છ: ત્રણ મહિનાની મહેનત ને ગજી સિલ્ક પર કંડારાયેલો રાષ્ટ્રીય અવૉર્ડનો અમર ઇતિહાસ

 

 



 

- ગિરિરાજ

 

અમીનાબેન ઈસ્માઈલ ખત્રી - વડા પ્રધાન નરેન્દ્ર મોદી

 

કહેવાય છે કે કળા ક્યારેય કોઈ ઓળખની મોહતાજ નથી હોતી, અને હુન્નર જો સાચો હોય તો સરહદો અને વિષમ પરિસ્થિતિઓ પણ તેને સલામી આપે છે. કચ્છ અને ગુજરાતની પરંપરાગત બાંધણી કળાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવનાર અમીનાબેન ઈસ્માઈલ ખત્રીની જીવનગાથા આ વાતની સાક્ષી પૂરે છે. 

 

માત્ર 10 વર્ષની નાની ઉંમરે પોતાની ફઈ પાસેથી આંગળીના ટેરવે દોરો વીંટાળીને ભાત ઉપસાવવાની ‘બાંધણી’ કળા શીખનાર અમીનાબેને વિચાર્યું નહોતું કે તેને એ જ કળા રાષ્ટ્રીય અવોર્ડ સુધી પહોંચાડશે. 1983માં મળેલો રાજ્ય કક્ષાનો અવોર્ડ અને લાઇવ પ્રોડક્ટ બનાવીને મેળવેલા રાષ્ટ્રીય અવોર્ડની વર્ષ 1985ની ઘટના તો નોંધનીય બની ગઈ. અમીનાબેન વય અને ભૂતકાળના એક અકસ્માતને કારણે થોડા માનસિક અસ્વસ્થ બની ગયા અને કારીગરીથી દૂર છે, પરંતુ તેમની આંગળીઓમાંથી જન્મેલી ભાત અને રચેલા રંગો આજે પણ હસ્તકળાના ઇતિહાસમાં ઝળહળી રહ્યા છે. 

 

ભારત સરકારના વિકાસ આયુક્ત (હસ્તશિલ્પ) દ્વારા રાષ્ટ્રીય અવોર્ડ માટે તેમની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ. આ એવોર્ડ મળવા પાછળની ઘટના કોઈ વાર્તાથી ઓછી રોમાંચક નથી. દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે વિશાળ હસ્તકળા પ્રદર્શનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા અમીનાબેન પોતાની બાંધણીની કળા સાથે લઈને પહોંચ્યાં હતાં. પ્રદર્શન દરમિયાન હસ્તકળા વિભાગના ઉચ્ચ અધિકારીની નજર અમીનાબેનના કામ પર પડી અને તેમણે અમીનાબેનની બનાવેલી બાંધણીની બારીકાઈ પારખી લેતા તેમને ત્યાં જ રહીને બાંધણીનો લાઈવ પિસ બનાવી આપવા કહેલું. 

 

અમીનાબેને સળંગ ત્રણ મહિના સુધી રોકાઈને ગજી સિલ્કના કાપડ પર ટાઈ એન્ડ ડાઈનો ઉત્તમ નમૂનો વિભાગને રજૂ કર્યો અને એ અદ્ભુત નમૂનો અમીનાબેનના ખંત અને સર્જનાત્મકતાનું પરિણામ રાષ્ટ્રીય અવોર્ડ બનીને આવ્યું. ઝાડ પૂતલી, સંગાર ઓઢણી, આંકડા ઓઢણીમાં તેમના દ્વારા તૈયાર કરેલો ઝીણો બાંધ અને સુંદર રીતે તૈયાર કરેલું રંગાટ કામ અમીનાબેનની ખાસિયત છે.

 

15મી ઓગષ્ટની ઉજવણી સમયે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને બાંધણીનો રાષ્ટ્ર ધ્વજ ભેટ આપ્યો હતો. તેમણે અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં મહિનાઓ સુધી રોકાઈને પ્રદર્શનો યોજ્યા, કાર્યશાળાઓ કરી અને 1500થી વધુ બહેનોને તાલીમ આપી ભારતીય બાંધણી કળાનું સંવર્ધન કર્યું. વિદેશી જમીન પર ભારતીય કળાનો દબદબો ઊભો કરનાર તેઓ અગ્રણી મહિલા કારીગરોમાંના એક હતા, કારણકે પિતા કે દાદા કોઈ આ કામ સાથે જોડાયેલા ન હોવા છતાં એક મહિલા તરીકે તેમણે આ સાહસ આગળ વધાર્યું હતું.

 

આ તમામ પરંપરાગત ડિઝાઇન પર તેઓ જે ‘ઝીણો બાંધ’ (અત્યંત બારીક બાંધણી) કરતા અને સાથે પોતાની હાથે સુંદર ‘રંગાટ કામ’ કરતા, તે તેમની ઓળખ બની ગઈ હતી. ગજી સિલ્ક પર તેમના હાથનો કસબ અજોડ માનવામાં આવતો હતો.

 

અમીનાબેને પોતાનું આખું જીવન કળાને જ સમર્પિત કરી દીધું હતું. કળા પ્રત્યેના આ અસીમ સમર્પણના કારણે જ તેમણે ક્યારેય લગ્ન (વિવાહ) કર્યા નહોતા. કળા જ તેમનો સંસાર અને તેમનું જીવન હતી. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. આજથી આશરે એક દાયકા પહેલાં બનેલી એક દુર્ઘટના (અકસ્માત)માં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઈજાના કારણે તેમની માનસિક સ્થિતિ નબળી પડી ગઈ. પરિણામે, જે આંગળીઓએ દેશ-વિદેશમાં નામ રોશન કર્યું હતું, તેમણે મજબૂરીવશ કારીગરી છોડી દેવી પડી.

 

આજે અમીનાબેન આ પ્રવૃત્તિઓથી દૂર છે, પરંતુ સંતોષની વાત એ છે કે તેમના ભાઈનો પરિવાર અત્યારે તેમની ખૂબ જ પ્રેમ અને આદરપૂર્વક દેખભાળ કરી રહ્યો છે. અમીનાબેને લગ્ન ન કર્યા હોવા છતાં, તેમણે પોતાની આ કળાનો વારસો પોતાના ભાઈના પરિવારને સંપૂર્ણપણે સોંપી દીધો હતો. આજે તેમના પરિવારના સભ્યો અમીનાબેન દ્વારા અપાયેલા સંસ્કારો અને કળાના જોરે બાંધણી જગતમાં મોટું નામ કમાઈ રહ્યા છે.

 

અમીનાબેન ઈસ્માઈલ ખત્રીનું જીવન એ વાતની સાબિતી છે કે જો વ્યક્તિમાં સાચો હુન્નર, ઈમાનદારી અને સમર્પણ હોય તો તેને ઓળખ અને કદર મળીને જ રહે છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ત્રણ મહિના સુધી એક જ ઓરડામાં બેસીને તૈયાર કરેલો ગજી સિલ્કનો એ એવોર્ડ વિનિંગ પીસ આજે પણ ભારતની લોકકળાનો એક અનમોલ દસ્તાવેજ છે.