ભરત ભારદ્વાજ
દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (નીટ) નું પેપર ફરી લેવા આડે ગણીને ત્રણ દિવસ બચ્યા છે ત્યારે નીટ આપનારા વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓમાં તેજી આવી છે.
આમ તો 12 મેના રોજ નીટનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ કરી નંખાઈ ત્યારથી જ હતાશ વિદ્યાર્થીઓના આપઘાતનો સિલસિલો શરૂ થઈ ગયેલો પણ છેલ્લા ત્રણ દિવસમાં ચાર વિદ્યાર્થીએ આપઘાત કર્યો તેના પરથી તેના પરથી સ્પષ્ટ છે કે, નીટના ખપ્પરમાં વિદ્યાર્થીઓના હોમાવાની ઘટનાઓ વધી છે. પેપર ફૂટ્યુ પછી અત્યાર સુધીમાં કુલ 17 વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાના રિપોર્ટ છે ને તેમાંથી ચાર આપઘાત ત્રણ દિવસમાં જ થયા છે એ મોટી વાત છે.
આ કમનસીબ સિલસિલામાં સોમવારે અને મંગળવારે નીટ આપનારા એક-એક આશાસ્પદ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધેલો. 16 જૂને લખનઊમાં 17 વર્ષીય વિદ્યાર્થિની શિવાનીએ આપઘાત કરી લીધેલો જ્યારે દેહરાદૂનમાં રિયા થાપા નામની 23 વર્ષની છોકરીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હતું. આ બે આપઘાતનો આઘાત આઘાત શમે એ પહેલાં બુધવારે વધુ બે વિદ્યાર્થીએ આપઘાત કરતાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર વિદ્યાર્થીઓના આપઘાતની ગોઝારી ઘટનાઓ બની છે.
બુધવારે તમિલનાડુના કોઈમ્બતુરમાં નીટની તૈયારી કરી રહેલા 19 વર્ષીય વિદ્યાર્થી અનુકીર્તનાએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી જ્યારે અમદાવાદમાં 17 વર્ષીય વિદ્યાર્થી કહાન પટેલે ન્યૂ રાણીપ વિસ્તારમાં આનંદમ ફ્લેટ્સના બ્લોક ‘ઇ’ ના છઠ્ઠા માળેથી કૂદીને જીવનનો અંત લાવી દીધો. પોલીસે સત્તાવાર રીતે ચારેય ઘટનામાં મોતના કારણની તપાસ ચાલુ છે એવો સાવ સરકારી જવાબ આપી દીધો છે પણ ચારેય વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરતાં હતાં એ યોગાનુયોગ નથી જ. તેમના પરિવારોએ પણ નીટના દબાણના કારણે જ આપઘાત કર્યો હોવાનું કહ્યું છે તેથી પોલીસના સરકારી જવાબ ઢાંકપિછોડો કરવાથી વધારે કંઈ નથી.
આપઘાત વખાણવા લાયક ઘટના નથી. કોઈ વ્યક્તિ જીવનમાં લડવાના બદલે જિંદગીનો જ ત્યાગ કરવાનું નક્કી કરે એ કાયરતા જ કહેવાય તેથી આ ચાર વિદ્યાર્થીએ કરેલા કૃત્યનો બચાવ થઈ શકે તેમ નથી પણ મુદ્દો તેમણે બતાવેલી કાયરતાનો નહીં પણ તેમને આપઘાત માટે મજબૂર કરનારા સંજોગોનો છે. આપઘાત કરનારા ચારેય વિદ્યાર્થી સામાન્ય પરિવારના હતા અને જીવનમાં ભારે સંઘર્ષ કરીને ડૉક્ટર બનવાનાં સપનાં સાકાર કરવા માટે મથતા હતા.
અનુકીર્તનાએ ગયા વરસે નીટની પાસ કરીને ડેન્ટલમાં એડમિશન લીધેલું પણ તેની ઈચ્છા એમબીબીએસ કરીને ડોક્ટર બનવાની હતી તેથી ફરી પરીક્ષા આપવા માગતી હતી પણ પહેલી વારમાં પેપર ફૂટી ગયું તેથી હતાશ થઈ ગયેલી. દેહરાદૂનની રિયા તો ટ્યુશન કરીને કોચિંગ અને પુસ્તકોનો ખર્ચ જાતે જ ઉઠાવતી હતી. કહાન પટેલ સિંગલ મધરનો પુત્ર છે ને તેની માતા મહેનત કરીને માંડ માંડ ભણાવતી હતી.
આ બધા વિદ્યાર્થી પોતાના સંજોગોને સ્વીકારીને તેમને બદલવા માટે મહેનત કરી રહ્યાં હતાં. આ મહેનતના કારણે પોતે નીટમાં પાસ થઈને મેડિકલમાં એડમિશન લઈને પોતાનું ને પોતાના પરિવારનું ભાગ્ય બદલી શકશે એવું તેમને લાગતું હતું પણ નીટનું પેપર ફૂટ્યું તેમાં તેમનું ભ્રમનિરસન થઈ ગયું. નીટ જેવી પરીક્ષામાં પણ મહેનત કરનારા નહીં પણ પેપર ફોડવાનો શોર્ટ કટ અપનાવનારા ફાવી જાય છે એ કડવી વાસ્તવિકતા પચાવવાનો પ્રયત્ન કરી જોયો પણ તેમાં સફળતા ના મળતાં છેવટે જીવ આપીને જિંદગીનો જંગ જ છોડી દીધો.
આઘાતજનક વાત એ છે કે, જે લોકો નીટની પરીક્ષા આપવા માટે મહેનત કરીને ઝઝૂમી રહ્યા હતા એ જીવન છોડી રહ્યા છે જ્યારે જેમની પેપર ફૂટી ગયું તેની નૈતિક જવાબદારી છે એ નમૂના સત્તા પણ નથી છોડી રહ્યા. નીટનું પેપર ફૂટી ગયું તેની સૌથી પહેલી નૈતિક જવાબદારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની છે પણ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દે એવી અપેક્ષા ના રખાય.
રાજકીય કારણોસર ભલે શિક્ષણ મંત્રીનું રાજીનામું માગવામાં આવતું હોય પણ આ કારણસર રાજીનામું ના જ મંગાય કેમ કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી બધું ધ્યાન ના રાખી શકે પણ જે લોકોની જવાબદારી ધ્યાન રાખવાની છે તેમને તો સજા કરી શકે કે નહીં ? પેપર ફૂટ્યું એ પછી થોડા નાના નાના લોકોને પકડીને જેલભેગા કરી દેવાયા છે પણ ખરી જરૂર તેમને મદદ કરનારાં મગરમચ્છોને સજા કરાવવાની છે.
ધર્મેન્દ્ર પ્રધાન એ નૈતિક જવાબદારી નિભાવી નથી શક્યા ને છતાં બેશરમીથી હોદ્દા પર ચીટકી રહ્યા છે. નીટ કોઈ પણ પ્રકારની ગરબડ વિના લેવાય એ જોવાની જવાબદારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની છે પણ એજન્સીના કારભારી આ ફરજ ના નિભાવી શક્યા. આ સંજોગોમાં પ્રધાને બધાંને લાત મારીને તગેડી મૂકવાના હોય ને એજન્સીમાં સાફસૂફી કરી નાંખવાની હોય. આ સાફસૂફી અનિવાર્ય છે કેમ કે છેલ્લાં ત્રણ દિવસમાં બે વાર નીટનું પેપર ફૂટ્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ રીતે સાવ નિષ્ફળ ગઈ છે છતાં તેમાં બેઠેલા લોકોને પ્રધાન છાવરી રહ્યા છે એ આઘાતજનક છે. પ્રધાનની આ હરકત સામે ભાજપની નેતાગીરી ચૂપ છે ને સરકારમાં બેઠેલા લોકો પણ ચૂપ છે. નીટનું પેપર ફૂટ્યું તેના કારણે પેદા થયેલી હતાશા વખતે જ નેતાઓ વિદ્યાર્થીઓની વચ્ચે ગયા હોત, તેમને સાંત્વન આપ્યું હોત તો આ આપઘાતની ઘટનાઓ પણ કદાચ ના બની હોત. સરકાર પરીક્ષા પહેલાં શું કરવું એ માટે જ્ઞાનનો ધોધ વહાવી દે છે, પરીક્ષા પે ચર્ચાઓ થાય છે પણ પેપર ફૂટી ગયું પછી હોંશિયાર વિદ્યાર્થીઓની મન કી બાત સમજવા કોઈએ પ્રયત્ન ના કર્યો.
બીજી આઘાતજનક વાત એ છે કે, નીટનું પેપર ફૂટી ગયું પછી હતાશ વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે પણ તેમના માટે કોઈ આંસુ સારી નથી રહ્યું. કોઈ અકસ્માત થાય ને પાંચ-સાત લોકો મરી જાય તો પણ તેની પાછળ આંસુ સારવા માટે નેતાઓની લાઈન લાગી જાય છે. સોશ્યલ મીડિયા મારફતે તરત શ્રદ્ધાંજલિઓ આપી દેવાય છે, વળતરની જાહેરાતો થઈ જાય છે, સહાનુભૂતિઓ બતાવાય છે ને મૃતકોના પરિવારોને મળવા પણ નેતાઓ પહોંચી જાય છે. અહીં દેશના આશાસ્પદ લોકો આપઘાત કરી રહ્યા છે પણ તેમના માટે આંસુ સારવાનો કોઈને સમય નથી.
કમનસીબી એ છે કે, પ્રજા પણ આ બધાથી નિર્લિપ્ત બનીને કંઈ ના બન્યું હોય એ રીતે વર્તી રહી છે. 17-18 વર્ષના છોકરા-છોકરી આપઘાત કરી લે ને છતાં આપણું લોહી ના ઉકળે તો સમજવું કે, આપણી નસોમાં લોહી નહીં પણ પાણી વહી રહ્યું છે. ભારતમાં અત્યારે એ જ હાલત છે.