નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીનું ફોક્સ હાલમાં રાજ્યસભા પર છે.જુદા-જુદા રાજ્યોમાંથી રાજ્યસભા માટે ચૂંટણી દ્વારા સાંસદ ચૂંટાઈને આવતા ભાજપ હવે રાજ્યસભામાં પણ શક્તિશાળી પાર્ટી બની રહી છે. હકીકત એ પણ છે કે, તે હજુ બે તૃતિયાંશ મતથી દૂર છે. તાજેતરમાં જુદા-જુદા રાજ્યમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બેઠકની સંખ્યા નોંધપાત્ર રીતે વધતા રાજકીય દ્રષ્ટિએ નોંધ લેવાઈ રહી છે. તા.18 જુન સુધીમાં 10 રાજ્યોની 27 રાજ્યસભાની બેઠક પર ચૂંટણી થઈ ચૂકી છે.
તૃણમૂલમાં તિરાડથી ફાયદો કોને?
બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના સાંસદના રાજીનામાથી કૉલકાતાથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો આવી ગયો છે. એકબાજું તૃણમૂલ કોંગ્રેસમાં તિરાડ વધારે પહોંળી થઈ રહી છે. સામસામે આક્ષેપબાજીઓ થઈ રહી છે એવામાં NDAએ રાજ્યસભામાં સરળતાથી આગેકુચ કરી લીધી છે. હકીકત એવી છે કે, રાજ્યસભામાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ છે.ગઠબંધન થકી 152 બેઠક સુધી આંકડો પહોંચ્યો છે. જ્યારે ઝારખંડમાં પરિમલ નથવાણીની રાજ્યસભામાંથી જીત થઈ એ સમયે NDAના સાંસદોની સંખ્યા વધીને 20 સુધી થઈ ગઈ. બે તૃતિયાંશના આંકડા સુધી પહોંચવા માટે હવે માત્ર 11 બેઠકોની જરૂર છે, જે ભાજપ માટે સરળ હોવાનું સ્પષ્ટ જાણવા મળે છે. પહેલી 24 બેઠકો પર જ્યારે સાંસદ નિર્વિરોધ ચૂંટાઈને આવ્યા એ સમયે NDAના 19 સાંસદ એમાં હતા.
ઈન્ડિયા ગઠબંધનનું વલણ
ઈન્ડિયા ગઠબંધન પાસે કુલ 64 સાંસદ છે કારણ કે 8 સાંસદ DMKના છે, 3 સાંસદ આમ આદમી પાર્ટીના છે. હવે લોકસભામાં NDAનો આંકડો 300ને પાર જઈ શકે છે. આવું એટલા માટે કહી શકાય કારણ કે, તૃણમૂલ કોંગ્રેસના આશરે 20 સાંસદ એક અલગ ગ્રૂપ તૈયાર કરીને પાછળથી સમર્થન જાહેર કરી શકે છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ચાર રાજ્યસભાના સાંસદોએ રાજીનામું આપ્યું એ સમયે સૌથી વધારે રાજકારણ ગરમાયું હતું. હકીકત એવી પણ છે કે, બીજુ જનતા દળના રાજ્યસભામાં પાંચ અને YSRCPના સાત સાંસદ છે જે કોઈ મોટા ગઠબંધન સાથે જોડાયેલા નથી. હવે આગળની પરિસ્થિતિને ધ્યાને લેતા એંધાણ એવા પણ વર્તાય છે કે, આ સાંસદ આવનારા સમયમાં એનડીએનો સાથ આપી શકે છે. અથવા અન્ય સમીકરણ ઊભા કરી શકે છે.
મોનસૂન સત્ર રસપ્રદ રહેશે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ ભાજપ હવે ઝુંબેશના રૂપ કામ કરી રહી છે. અન્ય ચૂંટણી અને દિલ્હીમાં મહત્ત્વના પદ પર ભાજપના જ ચહેરાને મહત્ત્વ મળે એ પ્રાથમિકતાથી કામ થઈ રહ્યું છે. કૉલકાતામાંથી અન્ય સાંસદ પણ રાજીનામું આપી શકે છે એવા અણસાર દેખાઈ રહ્યા છે. NDA બે તૃતિયાંશનો આંક સ્પર્શી લે છે તો કેટલાક અટવાયેલા બિલને સરળતાથી રસ્તો મળી જશે. ભાજપનું કામ આસાન થઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તૈયારીઓ એવી પણ થઈ રહી છે કે, મોદી સરકાર મોનસુન સત્ર દરમિયાન આ બિલને ફરીવાર રજૂ કરી શકે છે, જોકે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બિલના વિષયો ઉપર પણ કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી.