પટેલ અને તટકરેની બાદબાકીના વિવાદ પર એનસીપી નેતાનો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાર્ટીમાં ચૂંટણી પંચને સોંપવામાં આવેલા અને પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેના નામ વગરના પત્રને પગલે એનસીપીમાં કોઈ તકરાર નથી એવો દાવો કરતા એનસીપીના સૂત્રો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ બંને સિનિયર નેતાઓના નામ કારકૂની ભૂલને કારણે રહી ગયા હતા અને ટુંક સમયમાં આ ભૂલ સુધારી લેવામાં આવશે. પત્રકારોને સંબોધતા પ્રવક્તા સૂરજ ચવ્હાણે કહ્યું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મતભેદ નથી.કેટલાક લોકો જાણી જોઈને એવી છાપ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એનસીપીમાં અશાંતિ છે. પક્ષમાં કોઈ મતભેદ નથી. સુનેત્રા પવારના નેતૃત્વમાં બધું સુચારુ રીતે ચાલી રહ્યું છે, વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે સાથે મળીને પાર્ટી માટે કામ થઈ રહ્યા હોવાનું ચવ્હાણે કહ્યું હતું.
પટેલ અને તટકરે પક્ષમાં પોતાના હોદ્દા પર કાયમ છે અને સંગઠનના વરિષ્ઠ નેતાઓ છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.‘ચૂંટણી પંચને સુપરત કરાયેલા પત્રમાં કારકુની ભૂલ હતી. સુનેત્રા પવારે તે જ દિવસે એક શોશ્યલ મીડિયા પર આ અંગે સ્પષ્ટતા કરી હતી,’ એમ તેમણે જણાવ્યું હતું.29 એપ્રિલના રોજ ચૂંટણી પંચને સોંપવામાં આવેલા પત્રને લગભગ 18 દિવસ વીતી ગયા છતાં ‘કારકુની ભૂલ’ કેમ સુધારી નથી એવો સવાલ કરતાં ચવ્હાણે કહ્યું કે સુનેત્રા પવારના નેતૃત્વમાં થયેલી બેઠક પછી જ સુધારેલ પત્ર મોકલવામાં આવશે.
અપડેટ કરાયેલ પત્રમાં ફક્ત પટેલ અને તટકરેના નામ જ પુન:સ્થાપિત કરવામાં આવશે નહીં, પરંતુ તેમાં વધારાના પદાધિકારીઓ અને કાર્યકારી સમિતિના સભ્યોનો પણ સમાવેશ થશે, એમ તેમણે જણાવ્યું હતું.ચવ્હાણે એવો આરોપ લગાવ્યો હતો કે કેટલાક નેતાઓ જાણી જોઈને પક્ષમાં વિભાજન અંગેની અટકળોને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ‘અન-વેરિફાઇડ માહિતી’ પર આધારિત ટિપ્પણીઓ કરવા બદલ એનસીપી (એસપી)ના નેતા રોહિત પવારની ટીકા કરી હતી.
એક જવાબદાર નેતાએ ટેલિવિઝન ચર્ચાઓ દરમિયાન સાંભળેલી વાતોના આધારે આવા નિવેદનો ન આપવા જોઈએ, એમ ચવ્હાણે કહ્યું હતું. વરિષ્ઠ નેતાઓ અને એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર વચ્ચેની બેઠકો અંગે, ચવ્હાણે કહ્યું હતું કે આવી વાતચીતો સાથે કોઈ રાજકીય અર્થઘટન જોડવું જોઈએ નહીં.‘શરદ પવાર મહારાષ્ટ્રના એક વરિષ્ઠ અને અનુભવી નેતા છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમને વારંવાર મળે છે અને તેમનું માર્ગદર્શન લે છે,’ એમ તેમણે કહ્યું હતું.
ગયા અઠવાડિયે મહાયુતિના સાથી પક્ષ શિવસેનામાં જોડાવા માટે પાર્ટી છોડી દેનારા આનંદ પરાંજપેનો ઉલ્લેખ કરતા ચવ્હાણે કહ્યું કે તેમના જવાથી સંગઠનમાં એક ખાલી જગ્યા ઉભી થઈ છે.‘પરાંજપેએ અનેક સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવી હતી અને પક્ષમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જો તેમણે નેતૃત્વ સાથે તેમની ચિંતાઓ અંગે ચર્ચા કરી હોત, તો તેમની ફરિયાદોનું નિરાકરણ શક્ય બન્યું હોત,’ એમ ચવ્હાણે ઉમેર્યું હતું.