(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં એક પખવાડિયા દરમ્યાન ત્રણ વખત ગરમીનું ઉષ્ણ મોજું ફરી વળ્યું હતું, જેને કારણે મુંબઈમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો. હવે જોકે ગરમીમાં થોડી રાહત મળે એવી શક્યતા છે. હવામાન ખાતાએ મુંબઈ અને તેના પડોશી જિલ્લા થાણે તથા પાલઘરમાં બુધવાર અને ગુરુવારના વાવાઝોડા સાથે હળવા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈમાં માર્ચ મહિનાની શરૂઆત થવાની સાથે જ આકરી ગરમીનો અનુભવ મુંબઈગરાએ કર્યો હતો. મહત્તમ તાપમાનનો પારો સતત ૩૫ ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો હતો. તો છેલ્લાં અઠવાડિયા દરમ્યાન મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો. જોકે છેલ્લાં બે-ત્રણ દિવસથી તાપમાનમાં હળવો ઘટાડો થયો છે અને આગામી દિવસમાં ગરમીમાં હજી થોડી રાહત મળવાની શક્યતા છે.
મુંબઈમાં માટે સત્તાવાર રીતે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી પણ ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં મધ્ય મહારાષ્ટ્ર, કોંકણમાં બેથી ત્રણ દિવસ હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં મુખ્યત્વે રાયગડ અને રત્નાગિરી જિલ્લા માટે યલો અલર્ટ આપ્યું છે અને અહીં તેજ પવનની સાથેે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો મુંબઈ અને નજીકના જિલ્લામાં વાવાઝોડા અને વીજળી સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
છેલ્લા બે અઠવાડિયામાં મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી ગઈ હતી. હવામાન વિભાગે ત્રણ વખત હીટવેવની ચેતવણી આપી હતી, જેમાં ૧૦ માર્ચે મુંબઈમાં મહત્તમ તાપમાન છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઊંચું ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. હીટવેવની પહેલી ચેતવણી ચારથી પાંચ માર્ચ દરમ્યાન જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ ૯થી ૧૦ માર્ચ દરમ્યાન હીટવેવની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી અને એ બાદ ૧૩ માર્ચે ત્રીજી વખત હીટવેવની અલર્ટ આપવામાં આવી હતી.
જોકે અઠવાડિયા અંતે મહત્તમ તાપમાનમાં હળવો ઘટાડો થયો હતો. રવિવારે ઉપનગરમાં માર્ચ મહિનાનું દિવસનું તાપમાન સામાન્ય કરતા ઓછું ૩૧ ડિગ્રી નોંધાયું હતું. તો સોમવારે મુંબઈમાં સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૧.૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩૦૦ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું.
૨૦૨૩ના માર્ચમાં વધુ વરસાદ
મુંબઈમાં માર્ચ મહિનામાં ભારે વરસાદ ભાગ્યે જ પડતો હોય છે. જોકે કયારેક ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડી જતા હોય છે. હવામાન વિભાગના રેકોર્ડ મુજબ મુંબઈમાં ૨૦૨૩માં માર્ચ મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ ૧૭ મી.મી. પડ્યો હતો.
વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ અસર હેઠળ વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર હેઠળ મુંબઈ, થાણે અને પાલઘરમાં ૧૮થી ૧૯ માર્ચ દરમ્યાન કમોસમી વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે રાયગઢ અને રત્નાગિરીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને કારણે કોંકણ જિલ્લા માટે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સાથે સંકળાયેલ ટર્ફ કર્ણાટક અને કેરળ નજીક દક્ષિણ તરફ સરકી રહ્યો છે. તેમ જ મુંબઈ મેટ્રોપોલિટન રિજનના વિસ્તારમાં પશ્ર્ચિમી પવનો પણ તીવ્ર ફૂંકાઈ રહ્યા છે. પશ્ર્ચિમી પવનો અને ટર્ફ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ અને ગાજવીજ વરસાદ માટે જવાબદાર બની શકે છે.