Tue Apr 28 2026

Logo

મુંબઈમાં પાણીનું સંકટ: 15 મેથી પાણીકાપની જાહેરાત, જાણો કારણો અને ડેમની સ્થિતિ

2026-04-28 20:28:15
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ આ વર્ષે ભારતમાં અલ નીનોની અસરથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. નાગરિકો પર એની અત્યારથી અસર થઇ રહી છે. મુંબઈ સહિત ઘણા શહેરોમાં તળાવો અને બંધોમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી રહ્યું હોવાથી પાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

બીએમસી કમિશનર અશ્વિની ભીડેએ પંદરમી મેથી 10 ટકા પાણીકાપનો નિર્ણય લીધો છે. બીએમસી હાલમાં રાજ્ય સરકારને ભાતસા અને વૈતરણા ડેમમાં વધારાનો પાણી સંગ્રહ પૂરો પાડવા વિનંતી કરી રહી છે. 

હાલમાં, સાતેય ડેમમાં 28 ટકા અથવા લગભગ 4.16 લાખ મિલિયન લિટર પાણી પુરવઠો બાકી છે. જે 6 જુલાઈ સુધી ચાલવાની ધારણા છે. સમગ્ર મુંબઈ શહેરની પાણીની માંગ 4463 મિલિયન લિટર છે, જ્યારે બીએમસી (મુંબઈ મહાનગર પાલિકા) હાલમાં શહેરને દરરોજ લગભગ 4000 મિલિયન લિટર પાણી પૂરું પાડી રહી છે.

પાણીનો કોઈ વૈકલ્પિક સ્ત્રોત ન હોવાથી આખું શહેર સંપૂર્ણપણે ચોમાસા દરમિયાન ભરાતા સાત તળાવો પર નિર્ભર છે. મુંબઈ શહેરને દર વર્ષે 14.47 લાખ મિલિયન લિટર પાણીની જરૂર છે. આ વર્ષે ચોમાસુ મોડું આવવાની શક્યતાને કારણે ઓગસ્ટ સુધી પાણીનો સંગ્રહ કરવાની યોજના છે.

પાણીના સ્તરનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અધિકારીઓ પાણીના સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને પાણીનો બગાડ ટાળવા માટે જનજાગૃતિ અભિયાનો કરી રહ્યા છે.