(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વંધીકરણથી મુંબઈમાં રખડતા શ્ર્વાનની સંખ્યામાં ઘટાડો થયો હોવાના પાલિકા પ્રશાસનના દાવા પર નવા ચૂંટાયેલા નગરસેવકો વિશ્ર્વાસ નથી. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદપવાર)ના નગરસેવકે રખડતા કૂતરાની વધતી વસતીને રોકવા વંધીકરણ અને રેબિઝ વેક્સિન અભિયાનને વધુ મજબૂત બનાવવાની માગણી કરી છે. સાથે જ દરેક વોર્ડ ઓફિસમાં પારદર્શિતા જાળવી રાખવા માટે સીસીટીવી કેમેરાવાળા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર સ્થાપવાનો પ્રસ્તાવ મુક્યો છે.
મુંબઈમાં રખડતા શ્ર્વાનની વસતીએ ફરી ચર્ચા જગાવી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રસ (એસપી)ના નગરસેવક અજિત રાવરાણેએ જણાવ્યું હતું કે મુંબઈમાં રખડતા શ્ર્વાનની વધતી સંખ્યા નાગરિકો માટે ગંભીર જોખમ છે, જેમાં બાળકો અને વૃદ્ધો પર રખડતા શ્ર્વાનના હુમલા ખાસ કરીને રાતના સમયે જીવલેણ સાબિત થઈ શકે છે. પાલિકા હાલમાં આઠ એન્ટી બર્થ કંટ્રોલ સેન્ટર ચલાવે છે, જે શ્ર્વાનના વંધીકરણની સાથે હડકવાના રસીકરણનું કામ કરે છે. જોકે રખડતા શ્ર્વાનની વધતી વસતી માટે આટલી ઉપાયયોજના અપૂરતી સાબિત થઈ છે. ઝડપી, પારદર્શક વ્યવસ્થાપન સુનિશ્ર્ચિત કરવા માટે પાલિકાના દરેક વોર્ડમાં સીસીટીવીથી સજ્જ એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર સ્થાપવા આવશ્યક છે.
અજિત રાવરાણેએ વધુમાં જણાવ્યું હતું કે ગયા મહિને મેયરે મુંબઈમાં રખડતા શ્ર્વાનની વધતી સંખ્યાને મુદ્દે પાલિકા કમિશનરને લખેલા પત્રમાં મુંબઈમાં વધતી જતી રખડતા શ્ર્વાનની વસતીનું સંચાલન કરવા માટે અપૂરતી માળખાગત સુવિધા અને આઠ એનજીઓ પર નિર્ભરતાનો ઉલ્લેખ કરીને પાલિકાના એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગામને તમામ ૨૬ વોર્ડમાં વિસ્તુત કરવાની વિનંતી કરી હતી.
૨૯ વર્ષમાં ૪.૩ લાખ શ્ર્વાનનું વંધીકરણ
હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ/ઈન્ડિયા સાથે સહયોગથી પાલિકા દ્વારા ૨૦૨૪માં કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા ૨૯ વર્ષમાં મુંબઈમાં આશરે ૪.૩ લાખ રખડતા શ્ર્વાનનું વંધીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રયાસથી છેલ્લા દાયકામાં વસતી ૯૫,૧૭૨થી ઘટીને ૯૦,૭૫૭ થઈ ગઈ છે. પાલિકાના આંકડા પણ સૂચવે છે કે શહેરમાં વાર્ષિક સરેરાશ ૭૦,૦૦૦ શ્ર્વાનના કરડવાના કેસ નોંધાય છે. ૧૯૯૪થી ડિસેમ્બર ૨૦૨૩ની વચ્ચે પાલિકાએ ૪,૦૩,૩૭૪ શ્ર્વાનનું વંધીકરણ કર્યું હતું, જેમાં ૨૦૧૪થી ૨૦૨૩ના જ સમયગાળામાં ૧,૪૮,૦૮૪ શ્ર્વાનનો સમાવેશ થાય છે.