માતૃભાષા ભાગવત સપ્તાહનું
સફળ આયોજન સંપન્ન
મુંબઈ: ‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહનું સાતમા દિવસે પૂજ્ય ભાઈશ્રી ભાઈ રમેશભાઈ ઓઝાએ ભાગવત સપ્તાહનું સમાપન કર્યું હતું. કથાના સાતમા એટલે કે અંતિમ દિવસે પણ ભાવિકજનોરૂપી સમુદ્રથી સનાતન નગરી છલકાઈ ઉઠી હતી. પૂજ્ય ભાઈશ્રીએ સપ્તાહના છેલ્લાં દિવસે કર્મ અને ધર્મ પર ભાર મૂક્યો હતો.
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત કથાનું સમાપન કરતાં જીવનમાં પાપ અને કર્મનું મહત્ત્વ ખૂબ જ વિસ્તારથી સમજાવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રીનું જીવનમાં કરેલાં કર્મ તો રાજા દશરથે પણ ભોગવવા પડ્યા હતા. એટલે જ આપણે હંમેશાં કર્મ કરતાં ડરવું જોઈએ, આપણામાં પાપનો ભય હોવો જોઈએ. ભાઈશ્રીએ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ભજન ગાતા જ ભાવિકોના હૈયા હિલોળે ચઢ્યા હતા.
શબરીએ રામને શોધવા ક્યાંય ના જવું પડે અને ખુદ રામ શબરીને શોધતાં શોધતા આવે એનો સંદર્ભ આપતા જ્યારે ભાઈશ્રીના મુખે મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાયેંગે ભજન સાંભળીને સભામંડપમાં દિવ્ય અલૌકિક વાતાવરણ તૈયાર થઈ ગયું હતું. શબરીએ રામને મળવા અયોધ્યાની યાત્રા નથી કરવી પડતી, પણ ભગવાન રામ અયોધ્યાથી નીકળીને શબરીને મળે છે. આ ભક્તાધિન ધર્મનો પ્રભાવ છે.

આજે પૂર્ણાહુતિ છે અને એ અવસરે હું કહેવા માગુ છું કે વ્યાસપીઠો પાસેથી આપણને ખૂબ મળ્યું છે. આપણે કૃતજ્ઞ છીએ. વ્યાસપીઠ એ જશોદા જેવી છે અને તમારું મન એ બાળકૃષ્ણ જેવું છે. બાળકૃષ્ણ રૂપી તમારું મન જે માગે એ વ્યાસપીઠ રૂપી જશોદા લાવે છે. વ્યાસપીઠ તમને લાડ પણ લડાવે અને ક્યારેક જશોદાની જેમ ગુસ્સોય કરે, આંખો પણ દેખાડે. પરંતુ એ બધામાં માતા જશોદાનો ભાવ હોય, તમારું હિત હોય. વ્યાસપીઠે આપણને ઘણું બધું આપ્યું છે. પૂજ્ય ડોંગરેજી જેવા મહારાજે પોતાની આખી જિંદગી વ્યાસપીઠ પરથી લોકોને અપરંપાર આપ્યું છે, એવું કહીને પૂજ્યભાઈશ્રીએ વ્યાસપીઠનું જીવનમાં શું મહત્ત્વ છે એના પર પ્રકાશ પડ્યો હતો.
જીવનમાં ભાગવત પઠનનું મહત્ત્વ જણાવતા ભાઈશ્રીએ કહ્યું હતું કે ભગવાન સત્ય છે. મોહની નિદ્રામાંથી જીવ જાગી જાય તો ભગવાન પ્રસન્ન થાય. ભગવાન કૃષ્ણની વાણી અને વિચારો આપણને મોહનિદ્રામાંથી જાગૃત કરે છે એટલે આપણે નિત્ય ભાગવતનો પાઠ કરવો જોઈએ, એવું કહીને ફરી એક વખત હાજર ભાવિકોને ભાગવત્ વાંચવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈએ કથાનું સમાપન કરતાં મુંબઈ સમાચારનો આભાર માન્યો હતો. આ વખતે આ કથા મુંબઈમાં બહુ વરસ પછી કરી. કોવિડ પહેલાં કાંદિવલીમાં કથા કરી હતી. આટલા વર્ષે બોરીવલીમાં આટલી ભવ્ય રીતે આ કથા સાકાર થઈ એનો મને વિશેષ આનંદ છે. વિશ્વમાં અત્યારે વિપરીત માહોલ છે, આપણે વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરીએ. સમગ્ર વિશ્વની માનવતા માટે પ્રાર્થના, મંગલ કામના. ‘મુંબઈ સમાચાર’ના માતૃભાષા ભાગવત સપ્તાહના અનન્ય પ્રયાસની પ્રશંસા કરી અભૂતપૂર્વ આયોજનને બિરદાવ્યું હતું. એ સાથે મુંબઈ શહેરમાં કેટલાક વર્ષ પછી ભાગવત સપ્તાહ ‘મુંબઈ સમાચાર’ અને તંત્રી નીલેશ દવેને કારણે શક્ય બની એ માટે હરખ વ્યક્ત કર્યો હતો. આટલું જણાવી ભાઇશ્રીએ ‘કેવું લાગ્યું આયોજન?’ એવો સવાલ કરતા હાજર હજારો ભાવિકોએ તાળીઓના ગડગડાટથી આયોજનને સર્ટિફિકેટ આપી દીધું હતું.

‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી નીલેશ દવેએ આભાર પ્રગટ કરતાં જણાવ્યું હતું કે ‘આ કથા માટે જેમણે મને એક જ મિનિટ માટે હકારમાં જવાબ આપ્યો એવા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો હું ઋણી છું. થોડી વાર પહેલા મને કોઈએ પૂછયું કે તમારું સપનું સાકાર થયું? મેં એ ભાઈને કહ્યું કે ‘આ તો સપનાની શરૂઆત છે.’ આ વાક્ય પૂરું થતા વૈષ્ણવોનું અભિવાદન હોલમાં ગૂંજી ઊઠ્યું હતું.
મુંબઈ સમાચારના તંત્રીશ્રી નીલેશ દવે અને તેમના પત્ની સોનલ દવે. ભાઈશ્રીના આશીર્વાદ લેતા તંત્રીશ્રી નીલેશ દવે ભાવુક થઈ ગયા હતા
ભાગવત સપ્તાહના અંતિમ દિવસે પધારેલા વિશેષ મહેમાનોમાં ભૂતપૂર્વ સાંસદ ગોપાલજી શેટ્ટી, જાણીતા ટીવી કલાકાર જે. ડી. મજેઠિયા, સંજય છેલ, મુકેશ પટેલ, મિતેશ શાહ, ધર્મેશ ગાંધી હાજર રહ્યા હતા.

બોરિવલીના નગરસેવક શિવા શેટ્ટી પૂજ્યભાઈશ્રીના આશીર્વાદ લીધા હતા
માતૃભાષા ટકશે તો ભક્તિ રચના ટકશે
મા - દીકરી કાર્યક્રમમાં આવ્યા છે. ‘રાધિકા તુને બાંસુરી ચુરાઈ’ ગવાય છે, પણ ઈંગ્લિશ મિડિયમમાં ભણેલી દીકરીને કંઈ સમજાતું નથી. એટલે એ માને પૂછે છે કે What is she singing? Mother replies, ‘Radha has stolen flute of Krishna.’ Daughter says ‘She should go to police station and report.’
માતૃભાષાના અજ્ઞાનનું આ પરિણામ છે. કૃષ્ણ રાધાનો ચિત્તચોર છે અને રાધિકા વાંસળી ચોરે છે. એમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરવાની હોય. ભાવ સમજવો જોઈએ. માતૃભાષા ટકશે તો ભાવ સમજાશે અને આ બધો લાભ આપણને મળશે.
(તસવીરો: અમય ખરાડે)