Wed Jun 10 2026

Logo

સનાતન ધર્મની સૌથી મોટી ખાસિયત એ છે અહીં તમને પૂછવાનો અધિકાર છે: પૂજ્ય ભાઈશ્રી

2026-04-05 10:38:00
Author: Mumbai Samachar Team
Article Image

(તસવીરો: અમય ખરાડે)


માતૃભાષા ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે અધ્યાત્મના રંગે રંગાઈ સનાતન નગરી

મુંબઈ: ‘મુંબઈ સમાચાર’ દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે પણ બોરીવલી સ્થિત સ્વ. બાળાસાહેબ ઠાકરે ક્રીડા સંકુલમાં બનાવવામાં આવેલી સનાતની નગરી અધ્યાત્મના રસમાં એકદમ તરબોળ થઈ ગઈ હતી. ત્રીજા દિવસે પણ ભાવિકો ઉત્સાહ અને જોશથી તરબતર હતા અને એની સાબિતી આપી રહ્યો હતો હકડેઠઠ ભરેલો સભામંડપ.

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સનાતન નગરીમાં ઉપસ્થિત ભાવિકોને અધ્યાત્મનો માર્ગ ચીંધતા જણાવ્યું હતું કે સમગ્ર સૃષ્ટિ પરમાત્માની અભિવ્યક્તિ છે અને એટલે જ દરેક નામ અને રૂપ એ બધું ભગવાનનું જ રૂપ છે. આ જ કારણ છે કે આપણા શાસ્ત્રોમાં ઈશ્વર ક્યાં છે એ પ્રશ્ન પૂછવામાં નથી આવતો, પણ કદાચ પ્રશ્ન છે તો એ છે ઈશ્વર ક્યાં નથી. જે કંઈ છે એ બધું પરમાત્મા છે. જેને એનું જ્ઞાન થઈ જાય એ ક્યારેય એવું નહીં પૂછે કે પરમાત્મા ક્યાં છે?

(તસવીરો: અમય ખરાડે)
નરસિંહ મહેતાના પદમાં જેટલી સરળતાથી વેદાંત પ્રાપ્ત થાય છે એ કદાચ બીજે ક્યાંય નથી મળતો. નરસિંહ મહેતાએ કોઈ પીએચ.ડી. નથી કર્યું, પણ એમના કાવ્ય પર પીએચ.ડી. કરવાવાળા ઘણા છે. તેઓ કોઈ યુનિવર્સિટી નહોતા ગયા પણ અનેક યુનિવર્સિટીમાં નરસિંહ મહેતા ભણાવાય છે. આવું થયું એનું કારણ છે ભાષા. નરસિંહ મહેતાએ વેદોને સરળ ભાષામાં ઉતાર્યા. ભાઈશ્રીના મુખે નરસિંહ મહેતાની જાણીતી રચના ‘એક તું શ્રી હરિ... નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય’ સાંભળીને આખી સનાતન નગરી ડોલી ઉઠી હતી.

પૂજ્ય ભાઈશ્રીએ સનાતન ધર્મની ખાસિયત, મહિમા વર્ણવી જણાવ્યું હતું કે સનાતન ધર્મની સૌથી મોટી ખૂબી એ છે કે અહીં તમને સવાલ પૂછવાનો અધિકાર છે. એ પ્રશ્ન પૂછવાના અધિકારને કારણે જ આપણા ગ્રંથો રચાયા છે. જે પ્રશ્નો ના હોત તો શ્રીમદ્ ભાગવત ના હોત, રામાયણ ના હોત, ગીતા ના હોત. આ તમામ ગ્રંથોનો ઉદ્ભવ સવાલોને કારણે જ થયો. ભાગવતનો પ્રારંભ પણ છ પ્રશ્નોથી થયો છે. રામચરિત માનસનો પ્રારંભ પણ સવાલોથી થયો હતો. સવાલ પૂછવાથી લાભ થાય છે.

(તસવીરો: અમય ખરાડે)
પૂજ્ય ભાઈશ્રીએ વ્યક્તિના જીવનમાં કરુણાનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે તિરુપતિ બાલાજી, હરિદ્વારમાં જ્યારે પૂજા થતી હોય ત્યારે આપણું ધ્યાન એમાં હોય છે, કારણ કે એ સમયે આપણે વિચારીએ છીએ આટલો સમય મળ્યો. તમે જ્યારે ભગવાનને 56 ભોગ ધરો છો ત્યારે એને કંઈ ફેર નથી પડતો, એનાથી તમને ફરક પડે છે. આપણામાં ફરક પડે છે.  અનુભૂતિના જગતમાં હું નથી એવી અનુભૂતિ કોઈની નથી. હું છું એ જ અનુભૂતિ બધાને છે. આ અનુભૂતિ કરવા તમારે કોઈ હિમાલયમાં જઈને તપ કરવાની જરૂર નથી. સૌને આ અનુભૂતિ છે હું છું. હું અને છું વચ્ચે આખો સંસાર છે. હું સ્ત્રી છું, હું પુરૂષ છું. હું ગુજરાતી છું, હું બોલું છું અને આ બે શબ્દ હું અને છું વચ્ચે આપણો સંસાર ચાલે છે. આ બંને શબ્દોમાં જ બધાની અનુભૂતિ છે. પ્રશ્ન પૂછવો એ તમારો અધિકાર છે. આ અધિકારને કારણે સનાતન ધર્મ વિકસ્યો છે, મજબૂત બન્યો છે. દુનિયાના અનેક ધર્મોમાં પ્રશ્નો પૂછવાને નાસ્તિકતા ગણાય છે.

ભાષા, આપણી માતૃભાષા, આપણી સંતવાણીનું મહત્ત્વ સમજાવતા પૂજ્ય ભાઈશ્રીના મુખે પાનબાઈનું ‘ભક્તિ કરવા રાંક થઈને રેવું’ ભજન સાંભળીને ઉપસ્થિત તમામ શ્રોતાગણ હરિરસમાં તરબોળ થઈ ગયા હતા. ભણવાથી જ્ઞાન નથી આવતું. ભણેલાં ગણેલાં લોકોને જ્ઞાન નથી હોતું. આપણી ખૂબીઓ અને બીજાની ખામી દેખાય એ ત્યાં અહંકાર આવે છે અને સંબંધો બગડે છે. સાચો સાધક પુરુષ એ હોય છે જે પોતાના અવગુણો જુએ અને બીજાના ગુણો જુએ. સંસારનું જ્ઞાન તમે ગમે એટલું મેળવશો એ અધૂરું છે, પરમાત્મા વિશેનું જ્ઞાન હંમેશાં પૂર્ણ છે. પરમાત્મા પૂર્ણ છે. નરસિંહ મહેતા, મીરા બાઈએ ઈશ્ર્વરનો અભ્યાસ કર્યો અને એટલે એમની રચનામાં પૂર્ણતા છે.

(તસવીરો: અમય ખરાડે)
અંતમાં પૂજ્ય ભાઈશ્રીએ ઉપસ્થિત ભાવિકોને માતૃભાષાનું મહત્ત્વ જણાવતા કહ્યું હતું કે વ્હાલા ભાઈ બહેનો આપણી માતૃભાષાનું ખૂબ જ મહત્ત્વ છે. માતૃભાષાનો મહિમા છે અને આપણને સૌને આપણી માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ. ‘મુંબઈ સમાચાર’ આયોજિત આ માતૃભાષા ભાગવત સપ્તાહમાં વિધાનસભ્ય યોગેશ સાગર, પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાના ભાઈ ગૌતમભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભાગવત એ તમામ વેદો અને ગ્રંથોનો સાર છે
જેમ ફળ એ વૃક્ષનો સાર છે એમ ભાગવત એ આ તમામ વેદો અને ગ્રંથોનો સાર છે. આ જ કારણ છે કે આપણે ત્યાં કહેવાય છે કે કથામૃતનું પાન કરો. આ ભાગવત એ કલ્પવૃક્ષનું એવું ફળ છે કે જેનું રસપાન વારંવાર કરવું જોઈએ. જો એક વખત તમે આનું રસપાન કરીને ધરાઈ જાવ તો તમે વૈષ્ણવ શાના?

(તસવીરો: અમય ખરાડે)
વેદ અને મંત્રોએ તો પરમાત્માનો શ્વાસ છે: પૂજ્ય ભાઈશ્રી
શ્રીમદ્ ભાગવત, ભગવદગીતા સહિતના તમામ ગ્રંથો એ એક સ્મૃતિ છે, આપણી પાસે ઘણા સ્મૃતિ ગ્રંથ છે જે કોઈ બીજા દ્વારા લખવામાં આવ્યા છે,  પરંતુ વેદ કોઈ દ્વારા નથી લખાયા, તે અપૌરૂષ છે. આપણા વેદો અપૌરૂષિ છે, કોઈ વ્યક્તિના લખેલા નથી ન તો ભગવાનના લખેલા છે. વેદ મંત્રો પરમાત્માના
શ્વાસ છે.

સાચી રાહ પર લઈ જાય એ જ સાચું શાસ્ત્ર: નમ્રમુનિ

(તસવીરો: અમય ખરાડે)
 નમ્રમુનિ મહારાજસાહેબે દેવભાષાના ઓમકારના ધ્વનિથી પ્રારંભ કરી ‘મુંબઈ સમાચાર’ના માતૃભાષા ગૌરવ પ્રયાસને બિરદાવ્યો હતો. માતૃભાષાના મહત્ત્વને સમજાવી તેમણે કહ્યું હતું કે ‘માતૃભૂમિ અને માતૃભાષા હૃદયસ્થ હોવી જોઈએ. આપણે ગમે એટલી ભાષા શીખીએ, સમજીએ પણ છેવટે ફાવે, ભાવે અને ગમે તો માતૃભાષા જ. સાચું કહું તો આ દિવસોમાં મારે બીજે કશે જવાનું હતું, પણ નીલેશભાઈના આ માતૃભાષા માટેના અનોખા પ્રયાસને હું ના ન કહી શક્યો. આજે વિશાળ ભાષામાં લોકોની ઉપસ્થિતિ જોઈ નીલેશભાઈ સાહિત્ય અને માતૃભાષા માટે જે મહેનત કરી રહ્યા છે એ ઊગી નીકળેલી દેખાય છે. એમને મારા હૃદયપૂર્વકના અભિનંદન.’

(તસવીરો: અમય ખરાડે)
‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહનું હાર્દ સમજાવી નમ્રમુનિએ જણાવ્યું કે ‘એક પરિવાર સાથે હું સમય વિતાવતો હતો ત્યારે મેં રજૂઆત કરી કે સાંજે આપણે બધા ભેગા થઈએ ત્યારે 10 મિનિટ માતૃભાષામાં જ વાત કરવી, બીજી કોઈ ભાષા નહીં બોલવાની. થોડા દિવસ પછી ઘરના વડીલ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘મારા ઘરને તમે ગોકુળિયું બનાવી દીધું. અત્યાર સુધી હું મારા જ ઘરનો સભ્ય નહોતો લાગતો. હવે પરિવાર મારો છે એ લાગણી થઈ રહી છે.’ માતૃભાષાનો આપ્રતાપ છે.

(તસવીરો: અમય ખરાડે)
માતૃભાષા માટેના આ પ્રયાસને બિરાદાવી મહારાજ સાહેબે કહ્યું કે ‘મુંબઈ સમાચાર’નું આ આયોજન હોવા ઉપરાંત આંદોલન છે. સાચી રાહ પર લઈ જાય એ જ સાચું શાસ્ત્ર. નીલેશભાઈનો આ પ્રયાસ બધા સુધી પહોંચાડવો આ મારું કર્તવ્ય છે. આ સંસ્કૃતિને ઉજાગર કરતો ઉત્સવ છે. માતૃભાષા માટે અહોભાવ વ્યક્ત કરવા બદલ હૃદયના ભાવથી અનુમોદના અનુમોદના અનુમોદના.

આપણા દેશમાં વિવિધ ધર્મ છે એમ વિવિધ ભાષાઓ પણ છે. મુંબઈ સમાચાર આયોજિત આ માતૃભાષા ભાગવત સપ્તાહમાં શનિવારે યદુનાથજી મહારાજ અને નમ્રમુનિ મહારાજે માતૃભાષાનું મહત્ત્વ સમજાવતું માર્ગદર્શન કર્યું હતું. હવે આ પ્રયાસ આગળ વધારવાની જવાબદારી યુવાપેઢીની છે.

‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેએ મહારાજસાહેબનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે ‘ગઈકાલે મહારાજ સાહેબની તબિયત સારી ન હોવા છતાં આ પ્રસંગ તેમણે સાચવી લીધો. તેમની આંતરિક શક્તિ અને માતૃભાષા માટેના લગાવને કારણે આ શક્ય બન્યું છે. તેમનો આભાર માનું છું.’