‘મુંબઈ સમાચાર’ માતૃભાષા ભાગવત સપ્તાહમાં તુષાર ત્રિવેદીએ કૃષ્ણના પદનું રસપાન કરાવ્યું
મુંબઈ: મનુષ્ય જીવનમાં અનેક રંગ જોતો હોય છે, અનુભવતો હોય છે અને અપનાવતો હોય છે. કોઈને સંબંધના રંગે રંગાઈ જવાનું મન થાય તો કોઈને સાદગીનો રંગ ગમે તો કોઈને વૈભવના રંગની ઝંખના હોય અને એ રંગમાં રંગાઈ ગયા પછી આનંદ આવતો હોય છે. જોકે, આ બધામાં ભક્તિનો રંગ અનોખો હોય છે. બીજા બધા રંગ કાચા હોય છે. એની મુદત-એક્સપાયરી ડેટ હોય છે. ઈશ્વર પ્રત્યેના સમર્પણ અને ગહન પ્રેમને વ્યક્ત કરતો ભક્તિનો રંગ અવિનાશી હોય છે. રંગાઈ જા ને રંગમાં જ્યારે પંક્તિ મટી અનુભૂતિ બની જાય ત્યારે બેડો પાર થઈ જાય.
‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ના ચોથા દિવસે રવિવારે કૃષ્ણજન્મના આનંદોત્સવ પછી ભાવિકોને તુષાર ત્રિવેદી અને ગ્રૂપના કાર્યક્રમમાં શ્રીકૃષ્ણના ભજન - પદ ઉપરાંત પ્રભુભક્તિની અન્ય રચનાનો લહાવો હાજર લોકોને મળ્યો ત્યારે તેમને પણ બેડો પાર થઈ ગયો હોવાની લાગણી થઈ હશે.
(તસવીરો: અમય ખરાડે)
સાંજે ભાઈશ્રીએ ‘નંદ ઘેર આનંદ ભયો જય ક્ધહૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી’થી શ્રોતાઓને ભાવુક બનાવી દીધા એનો ઉલ્લેખ કરી તુષાર ત્રિવેદીએ એ આનંદમાં યથાશક્તિ ઉમેરો કરવાની વચનપૂર્તિ કરતા હોય એમ એસી ડોમને ભક્તિના રંગમાં રંગી દીધું. કૃષ્ણ ભક્તિના ભજન - પદ સંભળાવ્યા પછી તુષાર ભાઈએ ભાવિકોને કૃષ્ણ જન્મના ઉત્સવમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું અને ‘નંદ ઘેર આનંદ ભયો’ ‘બધાઈ હો બધાઈ હો બધાઈ હો’, ‘યશોદા કો લાલો ભયો’ ‘બધાઈ હો બધાઈ હો બધાઈ હો’ના નારાથી સમગ્ર એસી ડોમ ગુંજી ઊઠ્યો.
(તસવીરો: અમય ખરાડે)
ત્યારબાદ ભગવાનના પ્રાગટ્યના ઉત્સવનું વર્ણન કરતું ‘બાળકૃષ્ણ પ્રગટ થયા રે’ રજૂ કરતા જ શ્રોતાગણમાં જન્મ વધાઈનો માહોલ રચાઈ ગયો. આ સિવાય ‘મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી’ની પહેલી પંક્તિ રજૂ થતાની સાથે શ્રોતાગણના બે હાથના વંદન અને શીશ નમન જોવા મળ્યા અને બીજી પંક્તિ ‘મારુ મનડું છે ગોકુળ વનરાવન’ રેલાતાની સાથે વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.
(તસવીરો: અમય ખરાડે)
એકંદરે તુષાર ત્રિવેદી અને ગ્રૂપે એમની ભક્તિભાવથી ભરેલી રચનાઓથી કૃષ્ણજન્મના આનંદને વધારી ભાવિકોને તરબતર કરી દીધી.
(તસવીરો: અમય ખરાડે)