Thu Jun 11 2026

Logo

સરકારે મુંબઈના જમીન ટેન્ડરમાં ‘અનિયમિતતાઓ’ની તપાસનો આદેશ આપ્યો, પ્રોજેક્ટ અટકાવ્યો

2026-03-18 17:44:21
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારે બુધવારે મુંબઈના મલાડ પૂર્વ વિસ્તારમાં પ્રોજેક્ટથી પ્રભાવિત વ્યક્તિઓ (પીએપી) માટેના હાઉસિંગ પ્રોજેક્ટની જમીન ટેન્ડર પ્રક્રિયામાં કથિત રીતે મોટા પાયે ગેરરીતિઓની તપાસની જાહેરાત કરી હતી અને એવો નિર્દેશ આપ્યો હતો કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.

શહેરી વિકાસ રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળે વિધાનસભામાં જણાવ્યું હતું કે, આ તપાસ વધારાના મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવશે અને આ સંદર્ભમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવશે. આ મુદ્દો કોંગ્રેસના અસલમ શેખ દ્વારા ધ્યાનાકર્ષક નોટિસના માધ્યમથી ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં યોગેશ સાગર અને મુરજી પટેલ (બંને ભાજપ) સહિતના સભ્યો દ્વારા પૂરક પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. સભ્યોએ એવો આરોપ લગાવ્યો હતો કે જમીન ફાળવણી કેસમાં ડેવલપરને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆર) અને બાકી રકમ કરતાં ઘણું વધારે પ્રીમિયમ આપવામાં આવ્યું હતું, જેનાથી ભ્રષ્ટાચારની શક્યતા વધી છે.

તેઓએ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા આ મામલાની તપાસની માગણી કરી હતી. સભ્યો દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓનો જવાબ આપતા મિસાળે કહ્યું હતું કે સરકાર આગળની કાર્યવાહીનો નિર્ણય લેતા પહેલા પહેલા વરિષ્ઠ અધિકારીઓના માધ્યમથી સમગ્ર સ્થિતિની વિગતવાર જાણકારી મેળવશે. અસલમ શેખે મલાડ (પૂર્વ) માં પીએપી (પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓ) માટેના હાઉસિંગ પ્રોજેક્ટમાં ગંભીર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો.

તેમણે દાવો કર્યો કે મૂળ પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ માટે અનામત રાખેલ જમીનનો ભાગ પીએપી હાઉસિંગ માટે વાળવામાં આવ્યો હતો અને એપ્રિલ 2025 પછી પ્રતિ હાઉસિંગ યુનિટ કિંમત રૂ. 32.21 લાખથી વધારીને રૂ. 50.98 લાખ કરવામાં આવી હતી. વિધાનસભ્યે જણાવ્યું હતું કે આ સુધારાના પરિણામે લગભગ રૂ. 618 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે કોઈ પણ નવા સર્વેક્ષણ અથવા સ્વતંત્ર મૂલ્યાંકન વિના જમીનનું મૂલ્યાંકન રૂ. 84,460 પ્રતિ ચોરસ મીટરથી વધારીને રૂ. 1.33 લાખ પ્રતિ ચોરસ મીટર કરવામાં આવ્યું હતું, જેનાથી સંભવિત મિલીભગતની શંકા ઉભી થઈ હતી.

તેમણે ટેન્ડર શરતોનું ઉલ્લંઘન કરીને અગાઉથી 50 ટકા ટીડીઆર અને પ્રીમિયમ આપવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ, સુધારેલા સ્વીકૃતિ પત્ર (એલઓએ)ને સ્થગિત કરવા અને સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. મિસાળે આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે આ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ રૂલ્સ 2034 અને લાગુ નિયમો અનુસાર અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ધોરણ મુજબ, 40 ટકા જમીન પોલીસ આવાસ માટે રાખવામાં આવી છે, જ્યારે બાકીની 60 ટકા જમીન પીએપી ટેનામેન્ટ માટે ફાળવવામાં આવી છે. સુધારેલી કિંમત નોંધણી મહાનિરીક્ષક દ્વારા મંજૂર કરાયેલ અપડેટેડ મૂલ્યાંકન પર આધારિત હતી, એમ તેમણે જણાવ્યું હતું.

યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનું જાળવી રાખીને, મિસાળે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા પારદર્શક હતી અને નિર્ધારિત શરતો મુજબ તબક્કાવાર ચુકવણી કરવામાં આવી હતી. તેમણે પ્રોજેક્ટના અમલમાં કોઈપણ અનિયમિતતાનો ઇનકાર કર્યો હતો.