Mon May 18 2026

Logo

મુંબઈ પાલિકાની ચૂંટણી:  ૭૯ નગરસેવકના વિજયને પડકારતી અરજી કોર્ટમાં

2026-05-18 21:13:23
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણીમાં ચૂંટાયેલા લગભગ ૭૯ નગરસેવકની જીતને કોર્ટમાં પડકારવામાં આવી છે અને અનેક ચૂંટણી અરજીઓ હજી સુનાવણી અને અંતિમ નિકાલ માટે બાકી છે એવું તાજેતરમાં એક રાઈટ ટુ ઈર્ન્ફોમેશન એક્ટ (આરટીઆઈ)હેઠળ બહાર આવ્યું છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ દાખલ કરેલી આરટીઆઈ અરજીના જવાબમાં પાલિકાના લૉ ડિપાર્ટમેન્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ૧૨મેના રોજ દાખલ કરેલી અરજીમાં ગલગલીએ પાલિકાના ચૂંટાયેલા નગરસેવક સામે દાખલ કરેલી ચૂંટણી અરજી અંગે વિગતવાર માહિતી માગી હતી. આરટીઆઈ કાયદા હેઠળ મળેલી માહિતી મુજબ વોર્ડ નંબર ૧૧૯ના મોહમ્મદ અનવર અબ્દુલા શેખ દ્વારા શિવસેના (શિંદે)ના નગરસેવક રાજેશ સોનાવણે અને અન્ય ઉમેદવારો સામે દાખલ કરાયેલી એક ચૂંટણી અરજી કોર્ટે પહેલાથી જ ફગાવી દીધી છે, જ્યારે બાકીના કેસમાં સુનાવણી હજી ચાલુ છે.

મુંબઈની ૨૦૨૬ની ચૂંટણીના પરિણામને પડકારનારાઓમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવિકા શીતલ મ્હાત્રે, શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવિકા રાજુલ પટેલ, સંજય નાના અંબોલે અને રાજુ પેડણેકરનો સમાવેશ થાય છે. આ યાદીમાં મુંબઈ ઉત્તર પશ્ર્ચિમના સાંસદ રવિન્દ્ર વાયકરની પુત્રી દીપ્તિ વાયકર-પોટનીસનો પણ સમાવેશ થાય છે, જેણે શિંદેસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. ચૂંટણીના પરિણામને પડકારનારા અન્ય લોકો શિંદેસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય સદા સરવણકરની પુત્ર પ્રિયા સરવણકર ગુરવનો પણ સમાવેશ થાય છે. તેણે ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉત સામે ચૂંટણી લડી હતી પણ તે હારી ગઈ હતી. બીજી કેટલીક અરજીમાં ભાજપની વોર્ડ નંબર ૯૦ની જયોતિ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. તે કૉંગ્રેસના ટ્યૂલિપ મિરાન્ડા સામે માત્ર સાત મતના નાના માર્જિનથી હારી ગઈ હતી.