Fri Apr 17 2026

Logo

મ્યુઝિકલ કૉન્સર્ટમાં ડ્રગ્સ: અંધેરીની કૉલેજના સ્ટુડન્ટની પણ ધરપકડ

2026-04-17 20:33:10
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગોરેગામના નેસ્કો સેન્ટરના હૉલમાં આયોજિત મ્યુઝિકલ કૉન્સર્ટમાં કથિત ડ્રગ્સના ઑવરડોઝથી દક્ષિણ મુંબઈની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલના બે વિદ્યાર્થીનાં મોત નીપજવાની ઘટનામાં પોલીસે હવે અંધેરીની કૉલેજના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. આ વિદ્યાર્થી પણ ડ્રગ્સ સપ્લાયની કડીનો એક ભાગ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

વનરાઈ પોલીસે શુક્રવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ શુભ અગ્રવાલ (21) તરીકે થઈ હતી. અગ્રવાલ આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સ્ટુડન્ટ પ્રતીક પાંડેના સંપર્કમાં હતો. પાંડેની પૂછપરછમાં ગુનામાં આરોપી શુભની ભૂમિકા સ્પષ્ટતા તેને કલ્યાણથી તાબામાં લેવાયો હતો.

અંધેરીની કૉલેજના વિદ્યાર્થી એવા શુભનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવાનું પોલીસનું કહેવું છે. જોકે દક્ષિણ મુંબઈની બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થી પાંડેના સંપર્કમાં તે કઈ રીતે આવ્યો તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. માત્ર સ્ટુડન્ટ્સ સુધી ડ્રગ્સ પહોંચાડવામાં શુભ સંડોવાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ કેસમાં પોલીસે અગાઉ કૉન્સર્ટના આયોજકો અને ડ્રગ્સ સપ્લાય કરનારા કલ્યાણના બિલ્ડર સહિત સાતની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા સાત આરોપીમાં ત્રણ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. શુભના પકડાવાથી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની સંખ્યા આઠ પર પહોંચી હતી. પોલીસે અત્યાર સુધીમાં 12 જણનાં નિવેદન નોંધ્યાં હતાં.

નેસ્કો સેન્ટરમાં 11 એપ્રિલની રાતે થયેલા મ્યુઝિકલ કૉન્સર્ટમાં એમબીએના ત્રણ સ્ટુડન્ટ્સની તબિયત લથડી હતી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વિદ્યાર્થિની સારવાર હેઠળ છે. કૉન્સર્ટમાં દારૂનું સેવન અને ડ્રગ્સના ઑવરડોઝને કારણે બન્ને સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. આ પ્રકરણે વનરાઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.