(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું નજીક પણ હજી સુધી મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈની ગટરો અને નાળા સહિત મીઠી નદીને સાફ કરવા માટે કૉન્ટ્રેક્ટર મળ્યો નથી. સામાન્ય રીતે મુંબઈમાં પાંચ માર્ચની આસપાસ નાળાઓની સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવે છે પણ આ વખતે હજી પાલિકા દ્વારા કૉન્ટ્રેક્ટરોને અનેક વખત વિનંતી કર્યા બાદ પણ કોઈ કૉન્ટ્રેક્ટર કામ કરવા તૈયાર થતો ન હોવાનું જાણવા મળ્યું છે. તેથી પાલિકાએ કૉન્ટ્રેક્ટરો માટેની શરતોને હળવી કરીને બિનઅનુભવી કૉન્ટ્રેક્ટર પાસે પણ કામ કરાવા તૈયાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. તેથી આ વખતે ચોમાસામાં મુંબઈ જળબંબાકાર થવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે.
મુંબઈમાં સામાન્ય રીતે ૧૦ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે અને મુંબઈના નાળાઓની ૮૦ ટકા સફાઈ ૩૦ મે, સુધીમાં પૂરી કરી દેવામાં આવતી હોય છે પણ તે માટે નાળાની સફાઈનું કામ માર્ચના પહેલા અઠવાડિયામાં શરૂ કરી દેવામાં આવતું હોય છે પણ આ વખતે માર્ચનું પહેલું પખવાડિયું પૂરું થવાની તૈયારીમાં છે, છતાં પાલિકા નાળાઓની સાથે મીઠી નદીની સફાઈ માટે કૉન્ટ્રેક્ટર શોધી શકી નથી.
મીઠી નદીના ગાળ કાઢવા માટે સામાન્ય રીતે ૯૦ દિવસનો સમય જતો હોય છે પણ આ વખતે હજી સુધી કોઈ કૉન્ટ્રેક્ટર મળ્યો નથી. તેથી પાલિકા પ્રશાસન હવે કૉન્ટ્રેક્ટરો માટે રહેલી શરતોને હળવી કરીને પ્રમાણમાં બિનઅનુભવી કૉન્ટ્રેક્ટરો પાસેથી પણ બોલીઓ મગાવવા માટે વિચાર કરી રહ્યું હોવાનું મુંબઈના મેયર રીતુ તાવડેએ શુક્રવારે જણાવ્યું હતું. પાલિકાના અધિકારીના કહેવા મુજબ કોઈ કૉન્ટ્રેક્ટર મીઠી નદી સાફ કરવા તૈયાર નથી તેથી અમારે તેના કામ કરવાના અનુભવથી લઈને ચોક્કસ પ્રકારની મશીનોની શરતોને હળવી કરવી પડી છે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ જણાવ્યું હતું કે જો કોઈ કૉન્ટ્રેક્ર કામ માટે આગળ નહીં આવે તો પ્રશાસનને બેક-અપ પ્લાન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પાલિકાને તેની પોતાની મશીનરી અને કાર્યબળનો ઉપયોગ કરીને નાળાની સફાઈ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.આ મહિનાની શરૂઆતમાં પાલિકાએ મીઠી નદીનો ગાળ કાઢવા માટે રસ ધરાવતા કૉન્ટ્રેક્ટરોને આમંત્રણ આપતા ટેન્ડર બહાર પાડ્યા હતા. બિડ સબમીટ કરવાની છેલ્લી તારીખ ૧૧ માર્ચ હતી પણ કોઈ કૉન્ટ્રેક્ટર આગળ નહીં આવતા પાલિકા પ્રશાસને બિડ સબમીટ કરવાની તારીખ લંબાવીને ૧૭ માર્ચ કરી નાખી હતી.
AI Generated Images