Wed Jul 29 2026

Logo

ચોમાસામાં ભરતીના ૨૪ દિવસ જોખમી સૌથી મોટી ભરતી ૧૬ જુલાઈના, દરિયામાં ૪.૮૯ મીટરથી ઊંચા ઊછળશે મોજાં

2026-03-16 09:01:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:  ચોમાસામાં આ વર્ષે ૨૪ દિવસ દરિયામાં મોટી ભરતી રહેવાની છે, જ્યારે દરિયામાં  મોજાં ૪.૫ મીટરથી પણ ઊંચા ઊછળશે. આ સમય દરમ્યાન જો મુંબઈમા મુશળધાર વરસાદ પડ્યો તો મુંબઈ જળબંબાકાર થવાની શક્યતા છે. ચાર મહિના દરમ્યાન સૌથી  મોટી ભરતી ૧૬ જુલાઈના છે જયારે  દરિયામાં મોજાં ૪.૮૯ મીટરથી પણ ઊંચા ઊછળશે. 

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન મુંબઈમાં દરિયામાં ૨૪ દિવસ મોટી ભરતી  દરમ્યાન દરિયામાં મોજાં ઊંચા ઉછળશે. ૪.૫ મીટરથી ઊંચા મોજાં ઊછળે તો તેને જોખમી માનવામાં આવે છે. સૌથી મોટી ભરતી ૧૬ જુલાઈ, ગુરુવારના છે. બપોરના ૧.૩૬ વાગ્યાથી ભરતી શરૂ થશે અને મોજા ૪.૮૯ મીટરથી પણ ઊંચા ઉછળશે. તેથી એ દિવસે મુંબઈમાં મુશળધાર વરસાદ રહ્યો તો મુંબઈગરાને હાલાકી થવાની શક્યતા છે.

અન્ય નોંધપાત્ર ભરતીનો સમયગાળો ૧૪ જૂનથી ૧૯ જૂનનો છે, જેમાં  ૧૬ જૂનના બીજા નંબરની મોટી ભરતી રહેશે. એ દિવસે બપોરના ૧.૦૫ વાગે ભરતી સમયે દરિયામાં ૪.૮૭ મીટરથી પણ ઊંચા મોજાં ઊછળશે અને બીજા દિવસે જ એટલે કે ૧૭ જૂનના બપોરના ૨.૪૪ વાગે ભરતી રહેશે અને એ સમયે દરિયામાં ૪.૭૮ મીટરથી પણ ઊંચા મોજાં ઊછળશે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ૧૩ જુલાઈથી ૧૮ જુલાઈ આ છ દિવસ દરમ્યાન મોટી ભરતી સમયે દરિયામાં ૪.૫૩થી ૪.૮૯ મીટર સુધીના ઊંચા મોજાં ઉછળશે, જેમાં સૌથી મોટી ભરતી ૧૬ જુલાઈના બપોરના હશે અને દરિયામાં ૪.૮૯ મીટરથી ઊંચા મોજાં રહેશે. ઑગસ્ટમાં પાંચ દિવસ મોટી ભરતી રહેશે, જેમાં ૧૨થી ૧૬ ઑગસ્ટના બપોરના સમયે ૪.૫૦ મીટરથી લઈને ૪.૮૩ મીટર સુધી ઊંચા મોજાં ઉછળશે. સપ્ટેમ્બરમાં સાત દિવસ મોટી ભરતી રહેશે, જેમાં ૧૦,૧૧,૧૨,૧૩ ના બપોરના સમયે ભરતી હશે. એ બાદ ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રાતના સમયે મોટી ભરતી રહેશે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ભરતી સમયે દરિયામાં ઠાલવવામાં આવતા પાણી માટેના ફ્લેડ ગેટ બંધ કરી દેવામાં આવતા હોય છે, તેથી શહેરમાં એ સમયે ભારે વરસાદ હોય તો વરસાદી  પાણીનો નિકાલ થઈ શકતો નથી અને એવા સંજોગોમાં શહેરમાં  પાણી ભરાઈ જતા હોય છે અને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. તેથી દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ ફાયરબ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિતની ઈમરજન્સી સર્વિસ હાઈ અલર્ટ પર રહેશે. ગયા વર્ષે મુંબઈમાં ૧૯ દિવસ મોટી ભરતી હતી, જેમાં ૨૬ જૂનના ૪.૭ મીટરની સૌથી મોટી ભરતી હતી.