Mon Jul 27 2026

Logo

પોલીસ વાન રોકનારી રિયા આહિર સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, પોલીસમાં નોંધાવી ફરિયાદ

2026-07-27 17:14:48
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ગયા અઠવાડિયે મુંબઈમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ વાનને રોકતી જોવા મળેલી મોડેલ રિયા આહિરે ઓનલાઈન હેરાનગતિની ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો છે. તેણે જણાવ્યું હતું કે આ કૃત્યને કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

૨૨ જુલાઈએ દાદરના શિવાજી પાર્કમાં થયેલા વિરોધ પ્રદર્શનની એક વાયરલ તસવીરમાં આહિર અટકાયત કરાયેલા યુવા પ્રદર્શનકારીઓને લઈ જતી પોલીસ વાન સામે ઊભેલી જોવા મળી હતી. ગ્રે કલરની હૂડી પહેરીને પોલીસ વાનનો રસ્તો રોકવા માટે મક્કમતાથી ઊભેલી અહિરની આ તસવીર ખૂબ વાયરલ થઇ હતી.

સાયબર પોલીસને કરેલી ફરિયાદમાં આહિરે દાવો કર્યો હતો કે પોલીસ વાનને રોકતી તેની તસવીર વાયરલ થયા બાદ તે સોશિયલ મીડિયા પર 'ડીપ-ફેક' વીડિયો અને અપમાનજનક ભાષાનો શિકાર બની હતી. 

આહિરે આક્ષેપ કર્યો હતો કે તેમની વિરુદ્ધ એક સુનિયોજિત ઓનલાઇન દ્વેષપૂર્ણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં બદનક્ષી, છેડછાડ કરેલી તસવીરો, મહિલા-વિરોધી અપશબ્દો, ગુનાહિત ધમકીઓ અને તેને નિશાન બનાવીને કરવામાં આવતી હેરાનગતિનો સમાવેશ થાય છે. 
તેણે સ્ક્રીનશોટ, યુઆરએલ અને અન્ય ડિજિટલ પુરાવા સબમિટ કર્યા, જેમાં તેને લક્ષ્ય બનાવીને અપમાનજનક અને બદનક્ષીભરી સામગ્રી વ્યવસ્થિત રીતે પ્રસારિત કરવામાં આવી હતી.