મુંબઈ: મહાલક્ષ્મી ખાતે ટૂંક સમયમાં મુંબઈગરાંને રેલવે, મેટ્રો અને મોનોરેલને જોડતો દેશના પ્રથમ ટ્રાવેલેટરયુક્ત પેડેસ્ટ્રિયન બ્રિજની ભેટ મળશે . મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ સત્તામંડળ (MMRDA)ના મહાલક્ષ્મી મલ્ટિમોડલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું આશરે 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે વારંવાર વાહન કે રસ્તો બદલવાની જરૂર નહીં પડે અને સ્ટેશનો વચ્ચે ટ્રાન્સફર કરવામાં લાગતો સમય આશરે 20 મિનિટથી ઘટશે.
આ પેડેસ્ટ્રિયન બ્રિજ સંત ગાડગે મહારાજ ચોક મોનોરેલ સ્ટેશન, મેટ્રો લાઈન-3 અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશનને સીધીકનેક્ટિવિટી આપશે. આશરે 283 મીટર લાંબા અને 11 મીટર પહોળા આ પુલ પર મુસાફરોની સરળ અવરજવર માટે કુલ 176 મીટર લંબાઈના છ ટ્રાવેલેટર લગાવવામાં આવશે. આ ઉપરાંત બે પેસેન્જર લિફ્ટની સુવિધા પણ રહેશે. આ ઈન્ટરચેન્જ દર કલાકે આશરે 4,500 મુસાફરોને સેવા આપી શકશે.
પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં 1,800 મિમીની વરસાદી પાણીની ડ્રેનેજ લાઈનને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરાઈ હતી. સાથે જ આસપાસની પાણી અને ગટર લાઇનોને નુકસાન ન થાય તેની કાળજી રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે, જેથી કામ દરમિયાન જરૂરી નાગરિક સેવાઓ ચાલુ રહી શકે. આ પ્રોજેક્ટ માટે એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી. ટ્રાફિક પોલીસના સહયોગથી વાહનવ્યવહારને પણ સરળતાથી ચાલુ રાખવામાં આવ્યો છે અને સાને ગુરુજી માર્ગ પરથી નીકળતી વાર્ષિક ગણેશ વિસર્જન યાત્રામાં કોઈ અડચણ ન આવે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે.
આ મલ્ટિમોડલ કનેક્ટિવિટી પ્રોજેક્ટથી દક્ષિણ મુંબઈ અને વરલી વિસ્તારમાંથી મોનોરેલ સુધી પહોંચવું વધુ સરળ બનશે. મેટ્રો, મોનોરેલ અને ઉપનગરીય રેલવેને એક મુસાફર-કેન્દ્રિત પરિવહન વ્યવસ્થામાં જોડતો આ પ્રોજેક્ટ મુંબઈના સાર્વજનિક પરિવહનને વધુ ઝડપી, સુરક્ષિત અને સુલભ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.