Wed Jul 29 2026

Logo

ટ્રાફિક જામની સમસ્યા નિવારવા ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણયઃ મેટ્રો સ્ટેશનના ગેટથી 30 મીટર સુધી વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ

2026-03-16 18:54:17
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈ ટ્રાફિક પોલીસે મેટ્રો લાઇન-3ના તમામ 27 સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટથી 30 મીટર સુધી 24 કલાક નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે. મુંબઈ મેટ્રો લાઇન 3 પરનો આખો 33.5 કિમી લાંબો કોરિડોર, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. 

નવમી ઓક્ટોબર 2025ના જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કફ પરેડથી આરે કોલોનીને જોડતો આ કોરિડોર દક્ષિણ મુંબઈ અને શહેરના ઉત્તરીય ઉપનગરો વચ્ચે સરળ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.

મુંબઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ દરવાજાઓ પાસે પાર્ક કરેલા વાહનો ટ્રાફિક જામ અને જાહેર જનતા માટે અવરોધનું કારણ બની રહ્યા છે. "તેથી, આગામી આદેશ ન આવે ત્યાં સુધી, સૂચના જારી કરીને આ મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટની આસપાસના વિસ્તારને 'નો પાર્કિંગ' જાહેર કરવો જરૂરી છે," સત્તાવાર સૂચનામાં જણાવાયું છે.

મેટ્રો લાઇન 3 શહેરના મુખ્ય વ્યવસાયિક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો અને મુખ્ય શોપિંગ હબને જોડે છે. મેટ્રો લાઇનની શરૂઆતથી, તેને મુંબઈવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તે કામ પર પહોંચવા માટે તેમના રોજિંદા પરિવહનનો ભાગ પણ બની ગયો છે.

સત્તાવાર માહિતી અનુસાર,ઓક્ટોબરમાં મેટ્રો લાઇન પર કુલ 38.63 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાં એકંદરે દૈનિક સરેરાશ 1,41,024 મુસાફરોએ મુસાફરી કરી હતી.

ગયા વર્ષે, ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં પણ દર્શાવવામાં આવ્યું હતું કે મેટ્રો શરૂ થયા પછી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વિસ્તારની આસપાસ ભીડમાં 30 ટકાનો ઘટાડો થયો છે.