પર્યટકો માટે ‘ટુરિસ્ટ પાસ’ અને વિદ્યાર્થીઓને પણ પાસમાં ડિસ્કાઉન્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકલ ટ્રેન અને બેસ્ટની બસ બાદ હવે મેટ્રો રેલ મુંબઈગરાની ત્રીજી લાઈફલાઈન બની ગઈ છે, જેમાં મેટ્રો-૩ ‘એક્વા લાઈન’માં પ્રવાસ કરનારા વિદ્યાર્થીઓ અને પર્યટકો માટે ડિસ્કાઉન્ટ સાથેના પાસની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને પ્રવાસ વધુ ઝડપી, સરળ તથા ખિસ્સાને પરવડી શકે તેવો બનાવવા માટે વિશેષ રાહત સાથેના પાસની જાહેરાત કરી છે. ‘ડિજિટલ મોબિલિટી’ને પ્રોત્સાહન આપવા માટે આ તમામ પાસ નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ પર ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે. એ સાથે જ સ્કૂલ, કોલેજમાં જનારા વિદ્યાર્થીઓ માટે મેટ્રો પ્રશાસને પાસમાં મોટી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે, તેથી વધુને વધુ માત્રામાં લોકો મેટ્રો-૩ તરફ વળશે એવું માનવામાં આવે છે.
સ્કૂલ અને કોલેજના વિદ્યાથીઓ માટે એટલે કે ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓે માટે ૪૫ અન્ે ૬૦ ટ્રિપ પાસ પર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ પાસની વેલિડિટી ૩૦ દિવસની રહેશે.
પર્યટકો માટે ‘અનલિમિટેડ’ મેટ્રો રાઈડ પર રહેશે, જેમાં મુંબઈ ફરવા માટે આવેલા પર્યટકો માટે મેટ્રોએ ખાસ ‘ટુરિસ્ટ પાસ’ રજૂ કર્યા છે. એક વખત પાસ કાઢયા બાદ ગમે એટલી વખત પ્રવાસ કરવાની સુવિધા મળશે. એક દિવસનો પાસ (અમર્યાદિત પાસ) ફક્ત ૮૦ રૂપિયામાં મળશે તો ત્રણ દિવસનો પાસ (અમર્યાદિત પાસ) ફક્ત ૭૦૦ રૂપિયામાં મળશે.
ફક્ત વિદ્યાર્થી જ નહીં પણ દિવ્યાંગ પ્રાસીઓને પણ ૪૫ અને ૬૦ ટ્રિપના પાસ પર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમ જ નિયમિત નોકરિયાત વર્ગ માટે મેટ્રોકનેક્ટ૩ ઍપ પર ૪૫ ટ્રિપ માટે ૧૦ ટકા અને ૬૦ ટ્રિપ માટે ૧૫ ટકા ડિસ્કાઉન્ટ હવે નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ પર ઉપલબ્ધ થશે.