Thu Jun 11 2026

Logo

મેયર રિતુ તાવડેની મુશ્કેલી વધી: શિક્ષકોની મારપીટના કેસમાંથી મુક્તિ આપવાનો કોર્ટનો ઇનકાર...

2026-03-18 18:38:49
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: મુંબઈનાં નવનિયુક્ત મેયર અને ભાજપનાં નરસેવિકા રિતુ તાવડેની મુશ્કેલીમાં વધારો થયો હતો. સાંતાક્રુઝમાં મહાપાલિકાની ઉર્દૂ મીડિયમની શાળાના બે શિક્ષક સાથે મારપીટ કરવાના 2016ના કેસમાંથી મુક્તિ આપવાની તાવડેની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી અને ‘આરોપ ઘડવા’ માટે શિક્ષકોનાં નિવેદનોને પૂરતા પુરાવા ગણાવ્યા હતા.

તાવડેએ શિક્ષકોની મારપીટ કરી હોવાનું અન્ય સાક્ષીદારોનું પણ કહેવું છે, એવું એડિશનલ સેશન્સ જજ વાય. પી. મનથકાએ મંગળવારે આપેલા ચુકાદામાં નોંધ્યું હતું.ઘટના સાંતાક્રુઝ પૂર્વમાં વાકોલા ખાતે આવેલી પાલિકા સંચાલિત ઉર્દૂ મીડિયમની શાળામાં 29 જુલાઈ, 2016ના રોજ બની હતી. ફરિયાદ પક્ષ અનુસાર કૅન્સરથી પીડિતા એક શિક્ષિકાની ‘તાત્કાલિક બદલી’ને મુદ્દે વિવાદ થયો હતો.

રિતુ તાવડે સહિત સાત જણ સ્કૂલમાં કથિત રીતે પ્રવેશ્યાં હતાં અને શિક્ષિકાની ટ્રાન્સફરને મામલે મૅનેજમેન્ટ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. શિક્ષિકા કૅન્સરથી પીડાતી હોવા છતાં તેની બદલી શા માટે કરી એવો પ્રશ્ર્ન તેમણે કર્યો હતો.પોલીસનો આરોપ છે કે તાવડેએ મૅનેજમેન્ટને ગાળો આપી હતી અને શાળાના બે શિક્ષક પર હુમલો પણ કર્યો હતો.

આ પ્રકરણે 11 ઑગસ્ટ, 2016ના રોજ ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવ્યો હતો. 13 દિવસ મોડો એફઆઈઆર નોંધવા બદલ બચાવ પક્ષે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.તાવડેએ અરજીમાં દાવો કર્યો હતો કે ઘટનાસ્થળે પોતાની હાજરી યોગાનુયોગ હતી અને કથિત ઘટના સાથે પોતાને કોઈ લેવાદેવા નથી.તેમણે દાવો કર્યો હતો કે પોતે ભાજપનાં નગરસેવિકા હોવાથી ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે શાળાનાં હેડમિસ્ટ્રેસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

પોલીસ વતી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ઈકબાલ સોલકરે જોકે જણાવ્યું હતું કે પીડિતાના નિવેદનમાં તાવડેએ જ બે શિક્ષકને લાફા માર્યા હોવાનું સ્પષ્ટ થાય છે. શાળા એવી જગ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓને જીવનનો બોધ અપાય છે, પરંતુ એ જ સ્થળે હંગામો થયો હતો અને તેથી આ કૃત્યને ગંભીરતાથી લેવું જોઈએ, એમ પણ ફરિયાદ પક્ષે જણાવ્યું હતું.કેસની વાસ્તવિકતા ધ્યાનમાં લેતાં જજે નોંધ્યું હતું કે શિક્ષકોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તાવડેએ શાળાની અંદર હાથેથી તેમની મારપીટ કરી હતી.

કોર્ટે એ વાત પર પણ ભાર આપ્યો હતો કે અન્ય સાક્ષીદારોએ પણ તાવડેએ જ શિક્ષકો સાથે મારપીટ કરી હોવાનું જણાવ્યું છે. તાવડે વિરુદ્ધ આરોપ ઘડવા માટે આ પૂરતી સામગ્રી છે, એવું જણાવી કોર્ટે તાવડેની અરજી ફગાવી દીધી હતી. (પીટીઆઈ)