Sat May 02 2026

Logo

માટુંગા કારશેડમાં ટ્રેનનો નવો સ્લીપર કોચ બળીને ખાખ, કઈ રીતે લાગી આગ?

2026-04-07 21:05:12
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: માટુંગા રેલવે કારશેડમાં અચાનક એક ટ્રેનના ડબ્બામાં આગ લાગી ગઈ હતી. રેલવેના કારશેડમાં એક નવા નક્કોર ટ્રેનના ડબ્બામાં અચાનક આગ લાગી અને જોતજોતામાં આખો ડબ્બો આગની લપેટમાં આવી ગયો હતો. 

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, માટુંગા રેલ્વે કારશેડમાં બપોરે ૩.૧૦ વાગ્યે નવા તૈયાર કરવામાં આવેલા રેલ્વે ડબ્બામાં આગ લાગી હતી. આ ડબ્બો એલએચબી સ્લીપર કોચનો હતો. અચાનક આગ લાગવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. આગમાં આ કોચનો ઉપરનો ૭૦ ટકા ભાગ બળી ગયો હતો. 

સીએસએમટી તરફના શૌચાલયમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. વેલ્ડિંગના તણખાને કારણે નજીકની વસ્તુમાં આગ લાગી, અને જોરદાર પવન અને કોચ નોન-એસી હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જોતજોતામાં આખો ડબ્બો આગની લપેટમાં આવી ગયો હતો. 

રેલવે કારશેડમાં કામ કરતા કર્મચારીઓએ કોચને તાત્કાલિક ખુલ્લી જગ્યામાં બહાર ધકેલી દીધો હતો, જેના કારણે અન્ય કોઈ કોચ કે વર્કશોપના માળખાકીય સુવિધાઓને નુકસાન થયું નહોતું. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડને તાત્કાલિક બોલાવવામાં આવ્યું હતું. સાંજે ૪ વાગે તેમને આગને કાબૂમાં લાવવામાં સફળતા મળી હતી.