Sat Apr 18 2026

Logo

રવિવારે સવારથી સાંજ સુધી હાર્બરમાં વાશીથી પનવેલ વચ્ચે ટ્રેનો બંધ

2026-04-18 19:24:42
Author: Yogesh C Patel
Article Image

ટ્રાન્સ હાર્બરમાં પણ પનવેલ અને થાણે વચ્ચે મેગાબ્લૉક: વેસ્ટર્નમાં સાંતાક્રુઝથી ગોરેગામ વચ્ચે ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રેક પર દોડશે

મુંબઈ: મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં પનવેલથી વાશી તેમ જ ટ્રાન્સ હાર્બરમાં પનવેલથી થાણે વચ્ચે મેગાબ્લૉકને કારણે રવિવારે સવારથી સાંજ સુધી આ માર્ગો પર લોકલની ટ્રેન સેવા બંધ રાખવામાં આવશે. એ સિવાય વેસ્ટર્ન રેલવેના સાંતાક્રુઝથી ગોરેગામ વચ્ચે બ્લૉક હોવાથી ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રેક પર દોડાવવામાં આવશે, એવું રેલવે દ્વારા જણાવાયું હતું.

હાર્બર લાઈનમાં પનવેલથી વાશી વચ્ચે મેગાબ્લૉકને કારણે પનવેલથી સવારે 10.33થી સાંજે 3.49 દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) તરફ જનારી ટ્રેન સેવા રદ કરવામાં આવી છે. એ જ રીતે સીએસએમટીથી સવારે 9.45થી બપોરે 3.12 વાગ્યા સુધી પનવેલ/બેલાપુરની દિશામાં જનારી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સમય દરમિયાન સીએસએમટી-વાશી વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.

ટ્રાન્સ હાર્બર લાઈન પર પનવેલ-થાણે અપ અને ડાઉન માર્ગ પર સવારે 10.01થી બપોરે સાંજે 3.53 દરમિયાન બ્લૉક રહેશે. તેથી પનવેલથી સવારે 11.02થી સાંજે 3.53 દરમિયાન થાણે તરફ જતી ટ્રેનો અને થાણેથી સવારે 10.01થી બપોરે 3.20 દરમિયાન પનવેલ તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સમયગાળામાં થાણે-વાશી/નેરુળ સ્ટેશનો દરમિયાન ટ્રાન્સ હાર્બર માર્ગ પર લોકલ દોડાવવામાં આવશે.

બીજી બાજુ, પશ્ર્ચિમ રેલવેના સાંતાક્રુઝ અને ગોરેગામ સ્ટેશન દરમિયાન અપ અને ડાઉન માર્ગ પર સવારે 10થી બપોરે ત્રણ વાગ્યા સુધી બ્લૉક રહેશે. આ સમયગાળામાં ફાસ્ટ ટ્રેક પરથી પસાર થનારી ટ્રેનો સાંતાક્રુઝ-ગોરેગામ સ્ટેશનો દરમિયાન સ્લો ટ્રેક પર દોડશે. આ બ્લૉકને કારણે અમુક લોકલ રદ કરવામાં આવશે તો અમુક બોરીવલી અને અંધેરી લોકલ હાર્બર લાઈન પર ગોરેગામ સુધી દોડશે.