Sat May 23 2026

Logo

બાંદ્રા સ્ટેશન પર એક વ્યક્તિ બળજબરીપૂર્વક મહિલા મુસાફરોના કોચમાં ઘુસ્યો,મહિલા સલામતી પર સવાલ ?

2026-05-23 19:56:38
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ પશ્ચિમ રેલવેના બાંદ્રા રેલવે સ્ટેશન પર શનિવારે લોકલ ટ્રેનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ એક વ્યક્તિ બળજબરીપૂર્વક લેડિઝ કોચમાં ઘૂસી ગયો હતો. આ ઘટનાને નજરે જોનારા પ્રવાસીઓના જણાવ્યા અનુસાર આ વ્યક્તિએ કિંગ્સ સર્કલ પહોંચ્યા બાદ એક મહિલા સાથે ધક્કામુક્કી પણ કરી હતી. રેલવે હેલ્પલાઇન સિસ્ટમ પણ મહિલા પ્રવાસીઓની મદદ કરવામાં નિષ્ફળ રહી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. 

મળતી માહિતી અનુસાર શનિવારે બાંદ્રા સ્ટેશન પર એક અજાણ્યો શખ્સ મહિલા કોચમાં ઘુસી ગયો હતો ત્યારબાદ મહિલા મુસાફરો દ્વારા તેને નીચે ઉતારવાનું પણ જણાવવામાં આવ્યું હતું છતાં એ શખ્સે મહિલાઓની વાત ના માનીને ગુસ્સે થઈ ગયો હતો અને તેણે એક મહિલાને કિંગ્સ સર્કલ સ્ટેશન પર ધક્કો માર્યો હતો. 

બીજી તરફ અન્ય પુરુષ કોચમાંથી પણ તેને નીચે ઉતરી જવા માટે કહેવામાં આવ્યું હતું તેમ છતાં આ વ્યક્તિએ મહિલા પ્રવાસી તેમ જ પુરુષ પ્રવાસીઓ પર પણ ગુસ્સો કરવાનું અને બુમાબુમ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ આખી ઘટનાનો વીડિયો તુલિકા જૈન નામની પ્રવાસીએ સોશિયલ મીડિયા ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં પણ તેણે કરેલી મહિલાઓ સાથેની ગેરવર્તણૂક સ્પષ્ટ જોઈ શકાય છે. 

મહિલા પ્રવાસીઓનું કહેવું છે, કે તેમણે રેલવે હેલ્પલાઇનનો સંપર્ક કરેલો હતો,પણ તેમનો ફોન ઉપાડવામાં આવ્યો ન હતો.કોચની ઈમર્જન્સી સિસ્ટમ પણ કામમાં આવી નહોતી. આ ઘટનાને પગલે ફરી એક વખત મહિલા પ્રવાસીઓની સલામતી અંગે સવાલો ઉપસ્થિત કર્યા હતા. પ્રવાસીઓ દ્વારા મુંબઈ પોલીસે અને રેલ્વેના અધિકારીઓને આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રેલવેની ઈમર્જન્સી સેવાઓ તેમ જ મહિલાઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.