Sat May 02 2026

Logo

રેલવેનો મોટો નિર્ણય: રવિવારે મુંબઈની લાઈફલાઈન થંભી જશે? જાણો કયા રૂટ પર ટ્રેનો નહીં ચાલે...

2026-03-14 14:21:04
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને એટલે મુંબઈગરા માટે લોકલ ટ્રેન એ તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. લોકલ ટ્રેન સેવા ખોરવાય એટલે મુંબઈનું જનજીવન ખોરવાઈ જાય. આવી આ લોકલ ટ્રેનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. દર રવિવારની જેમ આ રવિવારે પણ રેલવે, સિગ્નલ-ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના કામ માટે રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે રવિવારે પણ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. 

મળતી માહિતી અનુસાર મધ્ય રેલવે પર આવતીકાલે એટલે કે 15મી માર્ચના રોજ માટુંગા-મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકમા સમયગાળા દરમિયાન માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેન અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે, જેને કારણે ટ્રેનો નિર્ધારિત સમય કરતાં 15થી 20 મિનિટ મોડી પડી શકે છે. 

હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર કુર્લા-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી-પનવેલ/વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, મુસાફરોની સુવિધા માટે બ્લોક સેક્શન સિવાયના રૂટ પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

પશ્ચિમ રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે મરીન લાઈન્સ-માહિમ વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે 10.30 વાગ્યાથી લઈને 3.35 વાગ્યા સુધી જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન મરીન લાઈન્સ-માહિમ વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ સિવાય બ્લોક દરમિયાન કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો ચર્ચગેટ સુધી દોડાવવાને બદલે દાદર કે અંધેરી સુધી દોડાવવામાં આવશે. 

રેલવે દ્વારા મેગા બ્લોકને કારણે ટ્રેનોમાં થનારી ભીડને ધ્યાનમાં લઈને પ્રવાસીઓને જો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા તથા બ્લોકના સમયગાળા દરમિયાન વૈકલ્પિક પરિવહનના સાધનોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.