મુંબઈ: યુવતી પર બળાત્કારના આરોપનો સામનો કરી રહેલા એક યુવાન પરનો કેસ રદ કરીને તાજેતરમાં હાઇ કોર્ટે એક સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. કેસની વિગત મુજબ ફરિયાદી યુવતીએ આરોપી પર બળાત્કારનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, બંને મિત્રો હતા અને બાદમાં સંમતિથી સંબંધ બાંધ્યો હતો. તેમની વચ્ચે ગેરસમજને કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
અરજદારે સપ્ટેમ્બર 2025માં તલોજા પોલીસે નોંધેલા બળાત્કારના કેસને રદ કરવા માટે હાઇ કોર્ટનો સંપર્ક કર્યો હતો. યુવતી પોતે કોર્ટમાં હાજર થઈ હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેણે કોઈ પણ દબાણ વિના સ્વેચ્છાએ આ મામલો ઉકેલી લીધો છે અને આ સંદર્ભમાં સોગંદનામું દાખલ કર્યું છે.
તેણીએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે તેણી અને અરજદારે સમાધાન કર્યું છે, લગ્ન કર્યા છે અને હવે પતિ-પત્ની તરીકે ખુશીથી સાથે રહી રહ્યા છે. સુનાવણી દરમિયાન બંને પક્ષોએ કોર્ટને જણાવ્યું હતું કે, દંપતીએ તેમના મતભેદો ઉકેલી લીધા અને લગ્ન કરી લીધા છે. તેમના વકીલોએ કોર્ટ સમક્ષ તેમના લગ્ન નોંધણી સંબંધિત દસ્તાવેજો પણ રજૂ કર્યા.
જસ્ટિસ અશ્વિન ભોબેની સિંગલ બેન્ચે તેમની અરજી મંજૂર કરી અને તેમની સામે દાખલ કરાયેલ કેસ રદ કર્યો. આ કેસ અરજદાર અને ફરિયાદી છોકરી વચ્ચેના પ્રેમ સંબંધનો છે. તેમાં કોઈ વાસના નહોતી, તેથી જો આરોપી સામે ફોજદારી કેસ ચાલુ રહેશે, તો બંનેને માનસિક વેદના અને અસુવિધાનો સામનો કરવો પડશે, એમ કોર્ટે કેસ રદ કરતી વખતે નોંધ્યું હતું.