(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ બંગાળના હાવડા ખાતે બૉમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર કરવાના કેસના મુખ્ય આરોપી સહિત ત્રણને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દેવનાર વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-6ના અધિકારીઓએ તાબામાં લીધેલા આરોપીઓની ઓળખ શમીમ અહમદ અબ્દુલ રશીદ (40), ઝમીલ અખ્તર અલી (43) અને આફતાબ અન્વર ખુર્શીદ અન્વર (44) તરીકે થઈ હતી. શમીમ હાવડાના શિબપુર ખાતેના જી. ટી. રોડ, જ્યારે બાકીના બે આરોપી શિબપુરના ઘાટ રોડ ખાતેના રહેવાસી હોવાનું તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ 7 મેના રોજ હાવડાના શિબપુુર પોલીસની હદમાં બ્લાસ્ટ અને ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનાનો સૂત્રધાર શમીમ તેના સાથીઓ સાથે છેલ્લા આઠ-દસ દિવસથી મુંબઈના દેવનાર પરિસરમાં સંતાયો હોવાની માહિતી પોલીસને મળી હતી.માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુરુવારે દેવનારની એકતા એસઆરએ બિલ્ડિંગના 18મા માળે આવેલા ફ્લૅટ પર દરોડો પાડ્યો હતો. આરોપી તેના દૂરના સગાના ફ્લૅટમાં રહેતા હતા. ફ્લૅટમાંથી ત્રણેયને પકડી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપી શિબપુર પોલીસમાં નોંધાયેલા ગુનામાં ફરાર હોવાનું પૂછપરછમાં જણાયું હતું. ત્રણેય જણ મુંબઈથી ફરાર થવાની તૈયારીમાં હતા, પણ તે પહેલાં જ ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરીને અને ખબરીઓની માહિતી પરથી પોલીસની ટીમ તેમના સુધી પહોંચી હતી. આરોપીઓ વિરુદ્ધ શિબપુર પોલીસ સ્ટેશનમાં પાંચથી વધુ ગુના નોંધાયેલા હોવાનું કહેવાય છે.