Tue May 26 2026

Logo

દક્ષિણ મુંબઈમાં ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ: ત્રણની ધરપકડ 50.74 કરોડનું મેફેડ્રોન, લિક્વિડ એમડી, અન્ય  સામગ્રી જપ્ત: પિસ્તોલ, 19 કારતૂસો પણ મળી

2026-05-26 18:44:36
Author: Yogesh D Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) દક્ષિણ મુંબઇના આગ્રીપાડા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરીનો પર્દાફાશ કરીને મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. પોલીસે ત્યાંથી 14 કિલોથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ, લિક્વિડ એમડી તેમ જ અન્ય સામગ્રી જપ્ત કરી હોઇ તેની કિંમત 50.74 કરોડ રૂપિયા છે. એ સિવાય પોલીસને દેશી બનાવટની પિસ્તોલ અને 19 કારતૂસો પણ મળી આવી હતી.

એએનસીના કાંદિવલી યુનિટે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મામૂની સરકાર, મોહંમદ શોએફ મન્સુરી અને તેના ભાઇ સુફિયાન મન્સુરી તરીકે થઇ હતી. તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. મુંબઈ અને ઉપનગરમાં ડ્રગ્સ સપ્લાય કરનારા અને ખરીદનારાઓને શોધી કાઢીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ મળ્યા બાદ એએનસીના અધિકારીઓએ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. દરમિયાન એએનસીના કાંદિવલી યુનિટને આગ્રીપાડા વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી લેબોરેટરી વિશે સોમવારે માહિતી મળી હતી.

આ માહિતીને આધારે પોલીસ અધિકારીઓએ આગ્રીપાડા સ્થિત એક ફ્લેટમાં રેઇડ પાડી હતી, જ્યાં લેબોરેટરી શરૂ કરાઇ હતી. પોલીસ ટીમે ત્યાંથી ડ્રગ્સ, લિક્વિડ એમડી, ડ્રગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ તથા અન્ય સામગ્રી જપ્ત કરી હતી. આરોપીઓ લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવતા હતા અને તેને ગ્રાહકોને વેચતા હતા. પોલીસ હવે આરોપીઓના અન્ય સાથીદારોની શોધ ચલાવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.